તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
સાવધાન, તમારું ઘર ભાડે આપતાં પહેલાં ૧૦૦ વાર વિચારજો: ભાડૂઆતોએ મકાનમાલિકના નામે ₹૧૮ કરોડની લોન ઉઠાવી લીધી!
ઉદ્યોગપતિ હોવાનો ડોળ કરીને આવેલા ભેજાબાજોએ દિલ્હીની મહિલાના ઘરના દસ્તાવેજોનો દુરુપયોગ કરી ૧૧ શેલ કંપનીઓ બનાવી આચર્યું કૌભાંડ : પોલીસ વેરીફિકેશન અને સિબિલ સ્કોર નિયમિત ચેક કરવા નિષ્ણાતોની ચેતવણી

નવી દિલ્હી: આજના સમયમાં કોઈ અજાણી વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરવો કેટલો ભારે પડી શકે છે, તેનો જીવતોજાગતો અને ચોંકાવનારો કિસ્સો દેશના પાટનગરમાંથી સામે આવ્યો છે. દિલ્હીમાં રહેતી એક મહિલાએ પોતાના ફ્લેટને ઊંચા ભાડાની લાલચમાં એવા પુરુષોને ભાડે આપ્યો હતો, જેઓ પોતાની જાતને બજારના બહુ મોટા ઉદ્યોગપતિ ગણાવતા હતા. જોકે, આ કહેવાતા બિઝનેસમેન વાસ્તવમાં રીઢા ગુનેગાર નીકળ્યા. તેમણે મકાનમાલિક મહિલાની જાણ બહાર, મિલકત અને ઓળખના નકલી દસ્તાવેજો (બનાવટી કાગળો) તૈયાર કરીને અલગ-અલગ બેંકોમાંથી ₹૧૮ કરોડની માતબર રકમની કોર્પોરેટ લોન મેળવી લીધી હતી અને મહિલાને કાનૂની મુશ્કેલીના દળદલમાં ધકેલી દીધી હતી.
પોલીસ અને આર્થિક ગુના નિવારણ શાખાની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ આંતરરાજ્ય છેતરપિંડી કરનારી ટોળકીએ માત્ર લોન લઈને સંતોષ નહોતો માન્યો, પરંતુ કાળા નાણાંને ધોળા કરવા માટે માસ્ટર પ્લાન બનાવ્યો હતો. તેમણે અલગ-અલગ વ્યાપારી નામો હેઠળ લોન મંજૂર કરાવી અને ત્યારબાદ તે રકમને ૧૧ જેટલી નકલી (શેલ) કંપનીઓના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધી હતી. આ કૌભાંડ આચરીને તમામ પૈસા રોકડા ઉપાડી લેવામાં આવ્યા હતા. હાલમાં આ કેસમાં મુખ્ય સૂત્રધાર પૈકીના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેની સઘન પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થવાની સંભાવના સેવાઈ રહી છે.
આ સનસનાટીભર્યા કિસ્સાએ તમામ મકાનમાલિકોની ઊંઘ ઉડાડી દીધી છે અને સાબિત કર્યું છે કે હવે ભાડૂઆતો માત્ર ઘર પર કબજો કરવા પૂરતા મર્યાદિત નથી રહ્યા, પરંતુ ડિજિટલ યુગમાં મિલકતની ઓળખ ચોરી (Identity Theft) કરી રહ્યા છે. આ પ્રકારની મોટી નાણાકીય છેતરપિંડીથી બચવા માટે નિષ્ણાતો સલાહ આપે છે કે મકાનમાલિકોએ માત્ર કાગળિયા જોઈને ખુશ થવાને બદલે ફરજિયાતપણે ઓનલાઈન પોલીસ વેરીફિકેશન કરાવવું જોઈએ. આ ઉપરાંત, ભાડા કરારમાં (Rent Agreement) સ્પષ્ટ કલમ રાખવી કે પ્રોપર્ટીના સરનામાનો ઉપયોગ કોઈ બિઝનેસ લોન કે નવી કંપનીની નોંધણી માટે થઈ શકશે નહીં. તેમજ મકાનમાલિકોએ દર છ મહિને પોતાનો 'સિબિલ રિપોર્ટ' (CIBIL) ચેક કરતા રહેવું જોઈએ જેથી તેમના નામે કોઈ નકલી લોન ચાલી રહી હોય તો તેની તાત્કાલિક ખબર પડી શકે.
(6:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
