તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Sunday, 5th July 2026
થાઈલેન્ડ પ્રવાસનું આયોજન કરી રહ્યા હોવ તો સાવધાન: ભારતીય દૂતાવાસે જારી કરી નવી ગાઈડલાઈન, ખિસ્સામાં ₹58,000 રોકડ રાખવી પડશે ફરજિયાત
વિઝા-ફ્રી સુવિધાના અંત બાદ ઈમિગ્રેશન નિયમોમાં મોટો ફેરફાર; હવે પ્રવાસીઓએ પૂરતા નાણાં અને દસ્તાવેજો સાથે રાખવા પડશે, અન્યથા એન્ટ્રી પર લાગી શકે છે પ્રતિબંધ

બેંગકોક:જો તમે આગામી દિવસોમાં થાઈલેન્ડ ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વના છે. બેંગકોક સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય પ્રવાસીઓ માટે એક નવી અને કડક ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. થાઈલેન્ડમાં વિઝા-ફ્રી એન્ટ્રીની સુવિધા સમાપ્ત થયા બાદ હવે ઈમિગ્રેશન પ્રક્રિયા વધુ કડક બનાવવામાં આવી છે, જેના ભાગરૂપે ભારતીય પ્રવાસીઓએ હવે ખાસ ચેકલિસ્ટનું પાલન કરવું પડશે.
₹58,000 રોકડ રાખવી ફરજિયાત
દૂતાવાસની નવી માર્ગદર્શિકા મુજબ, જે પ્રવાસીઓ 'વિઝા વેવર' અથવા 'વિઝા ઓન અરાઈવલ' સુવિધાનો ઉપયોગ કરીને થાઈલેન્ડમાં પ્રવેશ કરશે, તેમણે પોતાની સાથે ઓછામાં ઓછા 20,000 થાઈ બાહ્ટ (અંદાજે ₹58,000) રોકડ રકમ રાખવી ફરજિયાત છે. ઈમિગ્રેશન અધિકારીઓ દેશમાં પ્રવેશ કરતી વખતે કોઈપણ પ્રવાસીને પોતાની આર્થિક સદ્ધરતા સાબિત કરવા માટે આ રકમ બતાવવાનું કહી શકે છે. તેથી, પ્રવાસીઓએ આ રકમ સાથે રાખવી હિતાવહ છે.
દૂતાવાસ દ્વારા જારી કરાયેલી 11-પોઈન્ટ ચેકલિસ્ટ:
પ્રવાસીઓને કોઈ પણ પ્રકારની અગવડતા કે મુશ્કેલી ન પડે તે માટે દૂતાવાસે નીચે મુજબના દસ્તાવેજો અને નિયમોનું ચુસ્ત પાલન કરવા જણાવ્યું છે:
પાસપોર્ટની વેલિડિટી: પ્રવાસની તારીખથી ઓછામાં ઓછા છ મહિના સુધી પાસપોર્ટ માન્ય હોવો જોઈએ.
કન્ફર્મ ટિકિટ: આવવા-જવાની કન્ફર્મ ફ્લાઈટ ટિકિટ સાથે રાખવી.
હોટેલ બુકિંગ: રહેવા માટેનું કન્ફર્મ હોટેલ બુકિંગનું પ્રૂફ.
ટ્રાવેલ પ્લાન: તમારી સંપૂર્ણ મુસાફરીનો સ્પષ્ટ પ્લાન (ઈટિનરરી) તૈયાર રાખવો.
ડિજિટલ અરાઈવલ કાર્ડ: થાઈલેન્ડ પહોંચવાના 72 કલાક પહેલા 'થાઈલેન્ડ ડિજિટલ અરાઈવલ કાર્ડ' (TDAC) ઓનલાઈન ભરીને તેનો QR કોડ મેળવી લેવો.
યોગ્ય વિઝા: પ્રવાસના હેતુ મુજબ જ વિઝા પસંદ કરવા.
રોકડ રકમ: વિઝા ઓન અરાઈવલ માટે ₹58,000 (20,000 THB) રોકડ રાખવી.
દસ્તાવેજો: ઈમિગ્રેશન કાઉન્ટર પર તમામ જરૂરી કાગળો તૈયાર રાખવા.
ગ્રુપ પ્રવાસ: દરેક પ્રવાસીએ પોતાના વ્યક્તિગત દસ્તાવેજો અલગ રાખવા.
નોકરી માટે કડક નિયમ: જેઓ નોકરી માટે જઈ રહ્યા છે, તેમણે ભૂલથી પણ ટૂરિસ્ટ વિઝા કે વિઝા ઓન અરાઈવલનો ઉપયોગ કરવો નહીં, તેના બદલે વર્ક વિઝા લેવા.
ટ્રાન્ઝિટ પેસેન્જર્સ: જે મુસાફરો અન્ય દેશમાં જવા માટે થાઈલેન્ડ થઈને જાય છે, તેમણે પણ આગળના દેશના જરૂરી દસ્તાવેજો અને વિઝા સાથે રાખવા.
દૂતાવાસે સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે ટૂરિસ્ટ સ્ટેટસ પર જઈને ત્યાં રોજગાર શોધવો એ થાઈલેન્ડના ઈમિગ્રેશન નિયમોનું ઉલ્લંઘન ગણાય છે. તમામ પ્રવાસીઓને વિનંતી કરવામાં આવી છે કે પ્રસ્થાન પહેલા તમામ દસ્તાવેજોની ચકાસણી કરી લેવી, જેથી એરપોર્ટ પર ઈમિગ્રેશન દરમિયાન કોઈ અણધારી મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
(5:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
