News of Saturday, 2nd May 2026
બોલિવૂડમાં ‘કેટ-ફાઇટ’: મુમતાઝના નિવેદન પર ઝીનત અમાનનો આકરો પલટવાર, કહ્યું- “કોઈને નીચા ગણાવીને હું ક્યારેય ઉપર ન જઈ શકું!”
મુમતાઝે ઝીનતને ‘સ્ટાર’ માનવાનો કર્યો હતો ઇનકાર; ઝીનતે પોતાની માતાના સંસ્કારોને યાદ કરી શાંતિથી આપ્યો જડબાતોડ જવાબ

મુંબઈ: બોલિવૂડની એવરગ્રીન અભિનેત્રી ઝીનત અમાને તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ મૂકીને અભિનેત્રી મુમતાઝ દ્વારા કરવામાં આવેલી નકારાત્મક ટિપ્પણીનો આડકતરી રીતે પણ સણસણતો જવાબ આપ્યો છે. ઝીનતે પોતાની આ પોસ્ટમાં માતા સાથેના સંસ્કારો અને જીવનના મૂલ્યો વિશે વાત કરતા સ્પષ્ટ કર્યું છે કે તે જાહેરમાં ગૉસિપ અને વ્યક્તિગત હુમલાને અશોભનીય માને છે.
મુમતાઝનું વિવાદાસ્પદ નિવેદન
થોડા સમય પહેલાં એક ઈન્ટરવ્યુમાં મુમતાઝે ઝીનત અમાનની એક્ટિંગ ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા હતા. મુમતાઝે કહ્યું હતું કે તે ઝીનતને ‘સ્ટાર’ નથી માનતી અને તેને ઝીનત ક્યારેય બહુ સારી એક્ટ્રેસ પણ લાગી નથી. મુમતાઝે ઝીનતને મળેલા એવોર્ડ્સની સંખ્યા પર પણ કટાક્ષ કર્યો હતો, જે બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે પણ ચર્ચા શરૂ થઈ ગઈ હતી.
માતાના સંસ્કારોથી આપ્યો જવાબ
ઝીનતે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘મારી મમ્મીએ મને શીખવ્યું છે કે બીજાના વિચારો તેમની જવાબદારી છે, ભલે તે મારા વિશે જ કેમ ન હોય’. તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ જાહેરમાં પોતાના શબ્દો પ્રત્યે ખૂબ સાવચેત રહે છે કારણ કે તેઓ સારી રીતે જાણે છે કે કોઈ બીજાને નીચું ગણાવીને પોતે ક્યારેય ઉપર જઈ શકાતું નથી. ઝીનતે તેની માતાના પ્રગતિશીલ વિચારોને યાદ કરતા જણાવ્યું કે તેની માતા હંમેશા માનતી હતી કે જો તમારી પાસે કંઈ સારું કહેવાનું ન હોય તો ચૂપ રહેવું જ શ્રેષ્ઠ છે.
સોશિયલ મીડિયા પર સક્રિયતા
ઝીનત અમાન હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ફેશનેબલ લુક્સ અને જીવનના અનુભવો શેર કરતી હોય છે. મુમતાઝના નિવેદન બાદ ઝીનતે જે સંયમ અને ગરિમા જાળવીને જવાબ આપ્યો છે, તેના સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખૂબ જ વખાણ કરવામાં આવી રહ્યા છે. આ વિવાદે જૂના જમાનાની બે મોટી અભિનેત્રીઓ વચ્ચેના સંબંધોને ફરીથી ચર્ચામાં લાવી દીધા છે.
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
