<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

કેસ્પિયન સીલ પ્રજાતિ લુપ્ત થવાના આરે: રહસ્યમય મોતનો સિલસિલો યથાવત

પ્રદૂષણ, આબોહવા પરિવર્તન અને ઘટતું જળસ્તર મુખ્ય કારણ હોવાની શક્યતા: સંખ્યા ૧૦ લાખથી ઘટીને ૧ લાખથી પણ ઓછી થઈ

તેહરાન: કેસ્પિયન સમુદ્રના કિનારે 'કેસ્પિયન સીલ' પ્રજાતિના હજારોની સંખ્યામાં  સતત થઈ રહેલા રહસ્યમય મોત પર્યાવરણ માટે ગંભીર ચિંતાનો વિષય બન્યા છે. નિષ્ણાતો વર્ષોની તપાસ છતાં મોતનું કોઈ ચોક્કસ કારણ શોધી શક્યા નથી. ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ અને માછીમારીની જાળમાં ફસાઈ જવાને કારણે આ પ્રજાતિ લુપ્ત થવાના આરે પહોંચી ગઈ છે. અહેવાલ મુજબ, છેલ્લી એક સદીમાં તેમની વસ્તીમાં ૯૦ ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે.

કેસ્પિયન સમુદ્રના કિનારે જોવા મળતી અનોખી પ્રજાતિ 'કેસ્પિયન સીલ'નું અસ્તિત્વ હવે જોખમમાં મુકાઈ ગયું છે. ઈરાનના 'શાર્ઘ' અખબારના એક વિસ્તૃત રિપોર્ટ મુજબ, સમુદ્ર કિનારે આ સીલ માછલીઓના સતત થઈ રહેલા મૃત્યુએ પર્યાવરણવિદો અને સત્તાધીશોની ચિંતા વધારી દીધી છે. 

એક સમયે ક્યારેક જ જોવા મળતી આ ઘટના હવે વારંવાર બની રહી છે અને કિનારાઓ પર મૃત સીલના ઢગલા જોવા મળી રહ્યા છે.

સંશોધકો આ સામુહિક મોત પાછળ કોઈ એક કારણ નહીં, પરંતુ અનેક પરિબળોને જવાબદાર માની રહ્યા છે. આબોહવા પરિવર્તન (ક્લાઈમેટ ચેન્જ), પાણીના સ્તરમાં થઈ રહેલો ઘટાડો, ઔદ્યોગિક પ્રદૂષણ, વધુ પડતી માછીમારી, માછીમારોની જાળમાં આકસ્મિક રીતે ફસાઈ જવું અને બીમારીઓ ફેલાવી વગેરે તેના મુખ્ય કારણો હોવાનું માનવામાં આવે છે.

આ કટોકટીએ વર્ષ ૨૦૨૨ માં આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચ્યું હતું, જ્યારે રશિયાના દાગેસ્તાન કિનારે આશરે ૨,૫૦૦ મૃત કેસ્પિયન સીલ મળી આવ્યા હતા. 

આ ઘટના આ પ્રજાતિના ઇતિહાસમાં નોંધાયેલી સૌથી મોટી દુર્ઘટનાઓમાંની એક હતી.

નિષ્ણાતોના મતે, આબોહવા પરિવર્તન આ જીવો માટે સૌથી મોટો ખતરો બની રહ્યો છે. કેસ્પિયન સીલ તેમના બચ્ચાને જન્મ આપવા અને ઉછેરવા માટે સમુદ્રના ઉત્તરીય ભાગમાં આવેલા બરફ પર આધાર રાખે છે. 

વધતા તાપમાન અને શિયાળામાં બરફ ઓછો થવાના કારણે તેમના સંવર્ધન (બ્રીડિંગ) માટેનું યોગ્ય વાતાવરણ નષ્ટ થઈ રહ્યું છે.

વસ્તીમાં ચિંતાજનક ઘટાડાની વાત કરીએ તો, છેલ્લા ૧૦૦ વર્ષમાં કેસ્પિયન સીલની વસ્તીમાં ૯૦ ટકાથી વધુનો ઘટાડો થયો છે. એક સમયે જેમની સંખ્યા ૧૦,૦૦,૦૦૦ (દસ લાખ) થી વધુ હતી, તે હવે ઘટીને ૧,૦૦,૦૦૦ (એક લાખ) થી પણ નીચે આવી ગઈ છે. 'ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર' દ્વારા આ પ્રજાતિને સત્તાવાર રીતે લુપ્ત થવાના જોખમ હેઠળ (એન્ડેન્જર્ડ) જાહેર કરવામાં આવી છે.

ઈરાનના કેસ્પિયન સીલ કન્ઝર્વેશન સેન્ટરના ડિરેક્ટર અમીર સૈયદ શિરાઝીએ જણાવ્યું છે કે સમુદ્રી પ્રદૂષણ આ પ્રજાતિ માટે સૌથી મોટો અને ગંભીર ખતરો છે.

 નોંધનીય છે કે રશિયાએ વર્ષ ૨૦૨૦ માં કેસ્પિયન સીલના વ્યાપારી શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો, જેનાથી દર વર્ષે થતા હજારો મોત અટક્યા હતા, તેમ છતાં આ અકલ્પનીય અને રહસ્યમય મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો.

(10:08 PM IST)