News of Friday, 11th September 2026
કસ્ટડીમાં અત્યાચાર અને સગીરો સાથે અમાનવીય વર્તનનો મામલો: પુણેના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવા માનવ અધિકાર પંચની આકરી ભલામણ!
પોલીસ ગાડીના બોનેટ પર સગીરોને બાંધીને ફેરવવાનો અને થાણામાં માર મારવાનો સનસનાટીભર્યો ખુલાસો; રાજ્યના ડીજીપીને તપાસનો અહેવાલ એફઆઈઆર ગણવા આદેશ

પુણે : મહારાષ્ટ્રના પુણે શહેરમાં કાયદાના રક્ષકો જ ભક્ષક બન્યા હોવાનો એક અત્યંત ચોંકાવનારો અને શરમજનક કિસ્સો સામે આવ્યા બાદ રાજ્ય માનવ અધિકાર પંચે લાલ આંખ કરી છે. પુણે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કસ્ટડીમાં અત્યાચાર, ગેરકાયદે અટકાયત અને ત્રણ સગીરોને પોલીસ વાહનના બોનેટ પર દોરડાથી બાંધીને ફેરવવાના અમાનવીય કૃત્ય બદલ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સામે તાત્કાલિક એફઆઈઆર (FIR) નોંધવાની મજબૂત ભલામણ પંચ દ્વારા કરવામાં આવી છે.
માનવ અધિકારોના ધજાગરા ઉડાવતી આ ઘટનાની ગંભીર નોંધ લેતા માનવ અધિકાર પંચના અધ્યક્ષ ન્યાયમૂર્તિ એ.એમ. બદર, સંજય કુમાર અને સ્વપ્ના જોશીની પીઠે મહારાષ્ટ્ર પોલીસ મહાનિર્દેશક (DGP) ને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે પંચની તથ્ય-શોધક સમિતિના તપાસ અહેવાલને જ મૂળ એફઆઈઆર તરીકે ગણીને આગળની ગુનાહિત કાર્યવાહી શરૂ કરવામાં આવે. પંચની ત્રણ સભ્યની સમિતિએ તપાસમાં બહાર આણ્યું હતું કે ૨૧ જુલાઈના રોજ ભારતી વિદ્યાપીઠ પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ હત્યાના એક કેસમાં પકડાયેલા ત્રણ સગીર વયના બાળકોને પોલીસ ગાડીના બોનેટ પર દોરડાથી બાંધીને ફેરવ્યા હતા અને કસ્ટડીમાં ફાઈબરના ડંડા તેમજ વાંસની લાકડીઓથી ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો.
આ કેસમાં પુણેના વર્તમાન પોલીસ કમિશનર અમિતેશ કુમાર જેવા ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન અધિકારી સામે પણ ગંભીર આરોપો લાગેલા હોવાથી, માનવ અધિકાર પંચે નિર્દેશ આપ્યો છે કે આ સમગ્ર મામલાની તપાસ એડિશનલ ડીજીપી (ADGP) કે તેથી ઉપરના રેન્કના તટસ્થ અધિકારીને સોંપવામાં આવે. કાયદાનું શાસન જાળવવા અને ખાખી વર્દીના આ અમાનવીય ચહેરા સામે કડક દાખલો બેસાડવા માટે પંચની આ કાર્યવાહીથી સમગ્ર મહારાષ્ટ્ર પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
