તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
દિલ્હીમાં પાંચ માળની ઇમારત ધરાશાયી થવાની ભયાનક દુર્ઘટના મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો: સાત માસૂમ બાળકોના મોતથી સર્વોચ્ચ અદાલતે લીધી ગંભીર નોંધ
સુપ્રીમ કોર્ટની લાલ આંખ: આ મામલાને રાષ્ટ્રીય સ્તરે ઉકેલવાની જરૂર હોવાનું જણાવી આગામી ૧૦ સપ્ટેમ્બરે હાથ ધરાશે વિશેષ સુનાવણી

નવી દિલ્હી તા.08: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં તાજેતરમાં બનેલી પાંચ માળની જૂની ઇમારત ધરાશાયી થવાની અત્યંત દર્દનાક અને હૃદયદ્રાવક ઘટના હવે દેશની સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) સુધી પહોંચી ગઈ છે. આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં સાત માસૂમ બાળકોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ૧૨ લોકોને ગંભીર હાલતમાં કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ઇમારત પળવારમાં કાગળની જેમ ધરાશાયી થઈ જવાનો આ રોંવાડા ઊભા કરી દે તેવો ખૌફનાક સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે, જેનાથી સમગ્ર દેશમાં રોષ અને શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
આ ગંભીર મામલાની સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ તથા એમિકસ ક્યુરી અજિત કુમાર સિંહા દ્વારા કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. તેમણે ન્યાયાધીશો સમક્ષ ખુલાસો કર્યો હતો કે, દિલ્હીમાં ગેરકાયદે બાંધકામો સામે અગાઉના કોર્ટ આદેશો મુજબ સર્વેની પ્રક્રિયા ચાલી રહી હતી, તે દરમિયાન જ આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ અંગે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ દુર્ઘટનાને અત્યંત ભયાનક ગણાવીને મૃતક બાળકો અને તેમના શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને દિલ્હી હાઈકોર્ટ દ્વારા આ મામલે લેવાયેલા પગલાંઓની વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરી હતી.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે આ મામલે અત્યંત સખત ટિપ્પણી કરી છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ગેરકાયદે બાંધકામ અને જોખમી ઇમારતોનો આ મુદ્દો માત્ર દિલ્હી પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેને રાષ્ટ્રીય સ્તરે ગંભીરતાથી સંબોધવાની આવશ્યકતા છે. સર્વોચ્ચ અદાલતે સૂચન કર્યું છે કે જો જરૂર જણાશે તો આ કેસને દિલ્હી હાઈકોર્ટમાંથી સીધો સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ મામલાની આગામી મહત્વપૂર્ણ સુનાવણી હવે આગામી ૧૦ સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે, જેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે.
(5:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
