તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
ચમત્કારી દવાના નામે કરોડોની છેતરપિંડીનો મામલો: સ્વ-ઘોષિત વૈજ્ઞાનિક મુનીર ખાનની પત્ની અને બે પુત્રો સામે વિશેષ PMLA કોર્ટે ઘડ્યા મની લોન્ડરિંગના આરોપો!
'બોડી રિવાઈવલ'ના નામે ૧૫ હજારની બોટલ વેચી કરોડો કમાનાર પરિવાર સામે હવે ચાલશે મુખ્ય ખટલો; પથારીવશ મુનીર ખાન સામે કાર્યવાહી મુલતવી રાખવા મુદ્દે નિર્ણય બાકી.

મુંબઈ : પોતાને સ્વ-ઘોષિત વૈજ્ઞાનિક અને ચમત્કારી ડૉક્ટર ગણાવતા ચર્ચિત મુનીર ખાન અને તેમના પરિવાર સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ચલાવવામાં આવી રહેલા મની લોન્ડરિંગ કેસમાં શુક્રવારે મુંબઈની વિશેષ PMLA કોર્ટે મોટો આદેશ આપ્યો છે. વિશેષ અદાલતે મુનીર ખાનની પત્ની અને તેમના બે પુત્રો સામે મની લોન્ડરિંગના ગંભીર આરોપો ઘડીને તેમની વિરુદ્ધ ટ્રાયલ (મુખ્ય સુનાવણી) આગળ વધારવાનો માર્ગ મોકળો કર્યો છે.
ન્યાયાધીશ સમક્ષ રજૂ થયેલા પરિવારના ત્રણેય સભ્યોએ તમામ આરોપોમાં પોતાને નિર્દોષ ગણાવ્યા હતા, જેના કારણે હવે તેમની વિરુદ્ધ અદાલતી કાર્યવાહી શરૂ થશે. બીજી તરફ, મુનીર ખાનના વકીલ વિક્રમ સુથારિયાએ અદાલતમાં અરજી દાખલ કરીને રજૂઆત કરી હતી કે તાજેતરમાં આવેલા સ્ટ્રોકના કારણે મુનીર ખાન લકવાગ્રસ્ત થઈને પથારીવશ છે અને કોઈ પણ કાર્યવાહી સમજવાની સ્થિતિમાં નથી. બચાવ પક્ષે તબીબી તપાસ ન થાય ત્યાં સુધી મુનીર ખાન સામે આરોપો ઘડવાની પ્રક્રિયા મુલતવી રાખવા માંગ કરી છે, જેના પર કોર્ટનો આખરી નિર્ણય બાકી છે.
ઉલ્લેખનીય છે કે, ED એ માર્ચ ૨૦૧૩માં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ખાન પરિવાર સામે ફરિયાદ નોંધાવી હતી. મુનીર ખાન પર 'બોડી રિવાઇવલ' નામની દવાની ૧૦૦ મિલીની બોટલ ૧૫,૦૦૦ રૂપિયામાં વેચીને કેન્સર જેવા ગંભીર રોગો મટાડવાનો ખોટો દાવો કરી ૧૨૦થી વધુ લોકો સાથે કરોડોની છેતરપિંડી કરવાનો આરોપ છે. આ ગેરકાયદે કમાણી અને કાળુ નાણું છુપાવીને ખરીદવામાં આવેલી મિલકતોના કેસમાં હવે કાયદાનો શિકંજો વધુ મજબૂત બન્યો છે.
(8:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
