<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

પ્રેમાનંદ મહારાજના આશ્રમના શિષ્યના મોતનો મામલો અલ્હાબાદ હાઈકોર્ટ પહોંચ્યો: SIT તપાસ માટે પિટિશન દાખલ

વૃંદાવનમાં સાધક રસિક દુલારી શરણના રહસ્યમય મોત બાદ હાઈકોર્ટના વકીલે મુખ્ય ન્યાયાધીશને પત્ર લખી પુરાવા સુરક્ષિત રાખવા અને મેજિસ્ટ્રિયલ તપાસની માગ કરી.

મથુરા : ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં આવેલા પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજના આશ્રમ સાથે જોડાયેલા શિષ્યના શંકાસ્પદ સંજોગોમાં થયેલા મોતનો વિવાદ હવે વકર્યો છે અને મામલો અલ્હાબાદ હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે. સ્થાનિક પોલીસ દ્વારા ચાલી રહેલી તપાસ વચ્ચે હાઈકોર્ટના એક વકીલે સીધા મુખ્ય ન્યાયાધીશને લેટર પિટિશન મોકલીને આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માગ કરી છે.

 

ઘટનાની વિગતો મુજબ, વૃંદાવન સ્થિત આશ્રમ સાથે જોડાયેલા અને મહારાજજીના નજીકના શિષ્ય ગણાતા રસિક દુલારી શરણનું અકાળે અવસાન થતાં ભક્તો અને સ્થાનિકોમાં અનેક સવાલો ઉભા થયા છે. આ ઘટના બાદ પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી હતી, પરંતુ તપાસની પ્રક્રિયા અને દિશા સામે અસંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

 

અલ્હાબાદ હાઈકોર્ટના એડવોકેટ પ્રહલાદ કૃષ્ણ શુક્લાએ આ મામલે સીધી દખલ કરતા મુખ્ય ન્યાયાધીશને સંબોધીને લેટર પિટિશન દાખલ કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ઘટનાના સત્યને બહાર લાવવા માટે ઉચ્ચ સ્તરીય તપાસ અનિવાર્ય છે.

 

અરજીમાં મુખ્યત્વે માગ કરવામાં આવી છે કે આ સમગ્ર ઘટનાની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) અથવા મેજિસ્ટ્રેટ દ્વારા કરાવવામાં આવે. આ ઉપરાંત, આશ્રમ અને આસપાસના સીસીટીવી ફુટેજ તેમજ અન્ય મહત્વપૂર્ણ પુરાવાઓ સાથે કોઈ છેડછાડ ન થાય તે માટે તેને તાત્કાલિક સુરક્ષિત રાખવાની રજૂઆત પણ કોર્ટ સમક્ષ કરવામાં આવી છે.

 

વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના દેશ-વિદેશમાં કરોડો ભક્તો આવેલા છે, જેથી આશ્રમ સાથે જોડાયેલા શિષ્યના મોતના સમાચાર વાયરલ થતાં સમગ્ર ધાર્મિક ક્ષેત્રે ભારે અરેરાટી અને ચર્ચા જાગી છે. ભક્તો પણ આ મામલે સત્ય સામે આવે તેમ ઈચ્છી રહ્યા છે.

 

હાઈકોર્ટમાં લેટર પિટિશન મોકલવામાં આવ્યા બાદ હવે આ મામલે કોર્ટ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે અને અરજીને સ્વીકારીને આદેશ આપવામાં આવે છે કે કેમ તેના પર સૌની નજર મંડાયેલી છે. કોર્ટના આદેશ બાદ તપાસની દિશા બદલાય તેવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.

(11:18 PM IST)