<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

મુંબઈના પ્રભાદેવીમાં 'કેજી માર્ગચા રાજા'ના વિસર્જન સરઘસમાં કાર ઘૂસી: ૪ ભક્તો ઈજાગ્રસ્ત, લોકોએ કરી તોડફોડ!

ગુલાલ અને ઢોલ-નગારાના તાલ વચ્ચે અચાનક હોન્ડા સિટી ઘૂસતા ભયનો માહોલ: ઉશ્કેરાયેલા ટોળાએ કાર ઝૂડ્યા બાદ પોલીસે ૨૧ વર્ષીય ચાલકની કરી અટકાયત

મુંબઈ : મુંબઈના દાદર સ્થિત પ્રભાદેવી વિસ્તારમાં અનંત ચતુર્દશીના પાવન પર્વે ગણેશ વિસર્જન દરમિયાન એક અત્યંત સનસનાટીભરી ઘટના સામે આવી છે. કાકા સાહેબ ગાડગીળ માર્ગ પર આવેલા ઈન્દ્ર ટાવર નજીકથી પસાર થઈ રહેલા 'કેજી માર્ગચા રાજા' ગણપતિના વિસર્જન સરઘસમાં શુક્રવારે મોડી રાતે એક પૂરપાટ ઝડપે આવતી હોન્ડા સિટી કાર ઘૂસી ગઈ હતી. ભક્તો ગુલાલ ઉડાડીને વાજિંત્રોના તાલે નાચવામાં મશગૂલ હતા ત્યારે અચાનક બનેલી આ ઘટનામાં એક મહિલા સહિત ચાર શ્રદ્ધાળુઓ કારની અડફેટે આવતાં ગંભીર રીતે ઘવાયા હતા.

 

મળતી વિગતો મુજબ, વળાંક લેતી વખતે કારના ૨૧ વર્ષીય ચાલક પ્રણવ રાકેશ અગ્રવાલે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. અચાનક બનેલી ઘટનાથી વિસર્જન યાત્રામાં ભાગદોડ અને ચીસાચીસ મચી ગઈ હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે હાજર ઉશ્કેરાયેલા લોકોના ટોળાએ ભારે રોષે ભરાઈને કારમાં તોડફોડ કરી હતી. બનાવની જાણ થતાં જ બંદોબસ્તમાં તૈનાત દાદર પોલીસની ટીમે તુરંત જ મોરચો સંભાળી આરોપી ડ્રાઈવરને પોતાના કબજામાં લઈ લીધો હતો.

 

ઈજાગ્રસ્તોને કેઈએમ હોસ્પિટલ ખસેડાયા, ડ્રાઈવર નશામાં હતો કે કેમ તે અંગે તપાસ શરૂ

 

અકસ્માતમાં ઘવાયેલા ચાર ઈજાગ્રસ્તો પૈકી બે ગંભીર ભક્તોને તુરંત જ પરેલની કેઈએમ (KEM) હોસ્પિટલમાં અને અન્ય બેને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. ડ્રાઈવર અકસ્માત સમયે દારૂ કે અન્ય કોઈ નશાની હાલતમાં હતો કે કેમ તેની તબીબી ચકાસણી કરવા માટે પોલીસે તેને સાયન હોસ્પિટલમાં લઈ જઈ બ્લડ સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા છે. ડેપ્યુટી પોલીસ કમિશનર મહેન્દ્ર પંડિતના જણાવ્યા અનુસાર આરોપી સામે કાયદેસરની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે અને હાલ વિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણ છે.

(9:05 PM IST)