તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
મોતની સવારી બનેલી કાર: મેરઠના રેલ્વે અંડરપાસમાં ડૂબતો આખો પરિવાર, જીવના જોખમે 'દેવદૂત' બની આવેલા ગ્રામજનોએ સર્જ્યો ચમત્કાર!
ધોધમાર વરસાદથી જળમગ્ન થયેલા ચાંદસરા અંડરપાસમાં કાર ફસાતાં મચી ગઈ ચીસાચીસ; ગામલોકોએ સમયસૂચકતા અને દોરડાની મદદથી તમામ સભ્યોને યમરાજના મુખમાંથી આબાદ ઉગાર્યા, વીડિયો વાયરલ

મેરઠ : ઉત્તર પ્રદેશના મેરઠ-હાપુર રેલ્વે લાઇન પર આવેલા ચાંદસરા રેલ્વે અંડરપાસ પાસે આજે એક રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે, જ્યાં એક હસતો-ખેલતો પરિવાર પલભરમાં કાળના મુખમાં ધકેલાઈ જવાનો હતો. સતત વરસી રહેલા અવિરત વરસાદને કારણે આ અંડરપાસમાં નદી જેવા ઊંડા પાણી ભરાઈ ગયા હતા. પાણીની ઊંડાઈનો અંદાજ મેળવ્યા વિના જ એક કાર અંડરપાસની અંદર પ્રવેશી ગઈ અને જોતજોતામાં પાણીની વચ્ચે જઈને ડૂબવા લાગી હતી. કારની અંદર સવાર આખો પરિવાર જીવ બચાવવા માટે મદદની બૂમો પાડવા લાગ્યો હતો. જો હજુ થોડી મિનિટો મોડું થયું હોત તો મોટી અને હૃદયદ્રાવક દુર્ઘટના ઘટી ગઈ હોત.
કાળ બનીને ઘેરી વળ્યું પાણી, કારની અંદર ફસાયો સ્તબ્ધ પરિવાર
પ્રાપ્ત વિગતો અનુસાર, કારમાં સવાર તમામ સભ્યો ખુશી-ખુશી પોતાની યાત્રા પર નીકળ્યા હતા, પરંતુ કુદરતને કંઈક જુદું જ મંજૂર હતું. ધોધમાર વરસાદના કારણે ચાંદસરા અંડરપાસ એટલો ભરાઈ ગયો હતો કે ત્યાં રસ્તો છે કે તળાવ તે ઓળખવું મુશ્કેલ હતું. કાર જેવી પાણીની વચ્ચે પહોંચી કે તરત જ તેનું એન્જિન બંધ થઈ ગયું અને કાર ધીમે-ધીમે ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગી. કારની અંદર પાણી ઘુસવા માંડતા પરિવારના સભ્યોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા અને તેઓ કારની બારીઓમાંથી હાથ બહાર કાઢીને ચીસાચીસ કરવા લાગ્યા હતા.
દોરડા લઈને પાણીમાં કૂદી પડ્યા ગ્રામજનો, હિંમતભર્યું રેસ્ક્યુ ઓપરેશન
પરિવારની કાયરુણ ચીસો સાંભળીને આસપાસના ગામલોકો ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોતાની જિંદગીની પરવા કર્યા વિના કેટલાય બહાદુર ગ્રામજનો એ ઊંડા અને જોખમી પાણીમાં કૂદી પડ્યા હતા. ભારે સૂઝબૂઝ બતાવીને ગામલોકોએ મજબૂત દોરડાની વ્યવસ્થા કરી અને જીવસટોસટની રમત રમીને કાર સુધી પહોંચ્યા હતા. અત્યંત કપરી અને મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે પણ ગ્રામજનોએ અદ્ભુત હિંમત દાખવીને કારમાં ફસાયેલા પરિવારના એક-એક સભ્યને સુરક્ષિત રીતે બહાર ખેંચી કાઢ્યા હતા.
સોશિયલ મીડિયા પર 'દેવદૂતો'નો વીડિયો વાયરલ, લોકોએ કર્યા સલામ
તમામ સભ્યો હેમખેમ બહાર આવી જતાં ત્યાં હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને મુસાફરોની આંખોમાં આસું સાથે ગ્રામજનોનો આભાર માન્યો હતો. આ સમગ્ર દિલધડક બચાવ કામગીરીનો વીડિયો ત્યાં હાજર એક સ્થાનિક નાગરિકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. હાલમાં આ રેસ્ક્યુ ઓપરેશનનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઇન્ટરનેટ યુઝર્સ ગામલોકોની આ નિઃસ્વાર્થ બહાદુરીના મુક્તમને વખાણ કરી રહ્યા છે અને મુશ્કેલીના સમયે સાચા 'દેવદૂત' બનીને માનવતા મહેકાવવા બદલ તેમને સલામી આપી રહ્યા છે.
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
