<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

જંતુનાશકોથી કેન્સરનું જોખમ: નવા અભ્યાસમાં 150% વધારાનો ભયાનક ઘટસ્ફોટ

નેચર હેલ્થના સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો: 31 સામાન્ય જંતુનાશકોનું મિશ્રણ કોષોની પ્રક્રિયા ખોરવીને જીવલેણ રોગ નોતરે છે: દૈનિક ખોરાક અને હવા દ્વારા શરીરમાં પહોંચતું ઝેર

નવી દિલ્હી: નેચર હેલ્થ જર્નલમાં પ્રકાશિત એક નવા અભ્યાસ મુજબ, જંતુનાશકોના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી કેન્સરનું જોખમ 150% સુધી વધી શકે છે. આ સંશોધનમાં 31 સામાન્ય જંતુનાશકોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આમાંના એકપણ રસાયણને અત્યાર સુધી WHO દ્વારા કાર્સિનોજેનિક (કેન્સર પેદા કરનાર) જાહેર કરાયા નથી, પરંતુ તેમનું સંયુક્ત મિશ્રણ માનવ શરીર માટે અત્યંત ઘાતક સાબિત થઈ રહ્યું છે.

વૈજ્ઞાનિકોએ 1.50 લાખ કેન્સર દર્દીઓના ડેટાની તુલના જંતુનાશકોના વપરાશ સાથે કરી હતી. તારણો મુજબ, જે વિસ્તારોમાં ખેતીમાં જંતુનાશકોનો વધુ ઉપયોગ થાય છે, ત્યાં કેન્સરના કેસમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. આ રસાયણો ખોરાક, પાણી અને હવા દ્વારા શરીરમાં પ્રવેશીને કેન્સરના ચિહ્નો દેખાય તે પહેલાં જ કોષોની સામાન્ય પ્રક્રિયાને ખોરવી નાખે છે.

અગાઉના સંશોધનોમાં માત્ર અલગ-અલગ રસાયણોની તપાસ થતી હતી, પરંતુ આ અભ્યાસે વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ કરી છે કે અનેક જંતુનાશકો એકસાથે શરીર પર હુમલો કરે ત્યારે જોખમ અનેકગણું વધી જાય છે. આ રિપોર્ટ બાદ હવે ખેતીમાં વપરાતા કેમિકલ્સ અને ખાદ્ય સુરક્ષાના નિયમો પર ગંભીર પ્રશ્નાર્થો ઉભા થયા છે.

(7:57 PM IST)