News of Tuesday, 22nd September 2026
૨,૭૦૦ની કેન્સરની દવા ૨૭,૦૦૦માં વેચાય છે: સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, કહ્યું- આ દિવસ-દહાડે લૂંટ અને ડકેતી!
સરકારી તિજોરી અને કરદાતાઓના નાણાં સામે સીધી છેતરપિંડી : જવાબદાર અધિકારીઓ કેમ ચૂપ છે? કોર્ટનો આકરો પ્રહાર

નવી દિલ્હી: કેન્સર જેવા ગંભીર અને જીવલેણ રોગ સામે ઝઝૂમી રહેલા દર્દીઓ અને તેમના પરિવારો સાથે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે થઈ રહેલી ખુલ્લેઆમ લૂંટફાટ અંગે સુપ્રીમ કોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. ઉત્પાદક કંપનીઓ દ્વારા છૂટક વેપારીઓ (રિટેલર્સ)ને માત્ર ૨,૭૦૦ રૂપિયામાં મળતી આવશ્યક કેન્સરની દવાઓ પર ૨૭,૦૦૦ રૂપિયા સુધીની પ્રિન્ટેડ MRP વસૂલવામાં આવી રહી હોવાનું ધ્યાને આવતાં સર્વોચ્ચ અદાલતે આ બાબતને 'દિવસ-દહાડે લૂંટ અને ડકેતી' ગણાવીને તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે.
સુપ્રીમ કોર્ટમાં કેન્સરની દવાઓની કિંમતો અને તેના પર છપાતી મહત્તમ છૂટક કિંમત વચ્ચેના આકાશ-પાતાળના તફાવત અંગેની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સામે આવ્યું કે ફાર્મા કંપનીઓ અને સપ્લાય ચેઇન રિટેલર્સને અતિશય ઓછા ભાવે દવાઓ પૂરી પાડે છે, પરંતુ દર્દીઓ માટે તેની MRP દસ ગણી સુધી વધારીને છાપવામાં આવે છે. ૯૦ ટકા સુધીના આ અતિશય નફાખોરીના ખેલથી લાલઘૂમ થયેલી પીઠે ટિપ્પણી કરી હતી કે, ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓ અને તેમના પરિવારોનું આ આર્થિક શોષણ સહન કરી શકાય તેમ નથી.
કરદાતાઓના નાણાં અને સરકારી યોજનાઓનો દુરુપયોગ
સર્વોચ્ચ અદાલતે સિસ્ટમમાં ચાલતા મોટો કૌભાંડનો પર્દાફાશ કરતાં જણાવ્યું હતું કે, જ્યારે દર્દીઓ આયુષ્માન કે અન્ય સરકારી આરોગ્ય યોજનાઓ હેઠળ સારવાર લે છે, ત્યારે ખાનગી હોસ્પિટલો અને વિતરીકો સસ્તા દરે દવાઓ ખરીદે છે પરંતુ સરકાર પાસેથી ઊંચી MRPના આધારે વળતર (રીઇમ્બર્સમેન્ટ) મેળવે છે. આખરે આ નાણાં સામાન્ય કરદાતાઓના છે. હોસ્પિટલો અને ફાર્મા કંપનીઓ કરદાતાઓના પૈસે ચાલતી સ્વાસ્થ્ય સેવાઓમાંથી ભારે સબસિડી અને માર્જિન વસૂલી રહી છે, જે સીધેસીધી નાણાકીય છેતરપિંડી અને કૌભાંડ છે.
આટલી મોટી લૂંટફાટ ચાલી રહી હોવા છતાં આ બાબતે કડક પગલાં લેવા માટે જવાબદાર એવા નિયામક સત્તામંડળો અને સરકારી અધિકારીઓના મૌન પર સુપ્રીમ કોર્ટે ઊંડું આશ્ચર્ય અને સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે કટાક્ષમાં કહ્યું હતું કે, આ અધિકારીઓ કેમ ચુપચાપ તમાશો જોઈ રહ્યા છે તેના કારણો સ્પષ્ટ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે પરિસ્થિતિ પોતે જ બધું કહી આપે છે. જીવનરક્ષક દવાઓ પર પ્રોફિટ માર્જિનની મર્યાદા નક્કી કરવા અને આ ગેરરીતિઓ અટકાવવા માટે તાત્કાલિક કાનૂની અને રેગ્યુલેટરી હસ્તક્ષેપ અત્યંત જરૂરી બન્યો છે.
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
