<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

કેનેડા આખરે નમ્યું: ૪૧ વર્ષ બાદ એર ઇન્ડિયા બોમ્બ બ્લાસ્ટનું કડવું સત્ય સ્વીકાર્યું : ખાલિસ્તાનીઓનું નામ સત્તાવાર જાહેર

૧૯૮૫ની એર ઇન્ડિયા ફ્લાઇટ ૧૮૨ દુર્ઘટના પાછળ કેનેડા સ્થિત ખાલિસ્તાની આતંકવાદીઓનો જ હાથ હતો તેવી કેનેડિયન ગુપ્તચર એજન્સી CSISની સત્તાવાર કબૂલાત : ભારતની દાયકાઓ જૂની રાજદ્વારી લડતની સૌથી મોટી જીત

નવી દિલ્હી. વૈશ્વિક રાજદ્વારી મંચ પર ભારતની એક બહુ મોટી વ્યૂહાત્મક અને નૈતિક જીત થઈ છે. ૨૩ જૂન, ૧૯૮૫ના રોજ ટોરોન્ટોથી મુંબઈ આવી રહેલા એર ઇન્ડિયાના બોઇંગ ૭૪૭ વિમાન (ફ્લાઇટ ૧૮૨)ને એટલાન્ટિક મહાસાગર પર બોમ્બ બ્લાસ્ટ કરીને હવામાં ઉડાવી દેવામાં આવ્યું હતું, જેમાં ૩૨૯ નિર્દોષ લોકોના કરુણ મોત નીપજ્યા હતા. ભારત પહેલા દિવસથી જે વાતનો દાવો કરતું હતું, તે કડવા સત્યને સ્વીકારવામાં કેનેડિયન વહીવટીતંત્રને પૂરા ચાર દાયકા લાગી ગયા છે. કેનેડાની મુખ્ય ગુપ્તચર એજન્સી, 'કેનેડિયન સિક્યુરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ' (CSIS) એ સત્તાવાર અને જાહેરમાં પહેલીવાર સ્વીકાર્યું છે કે આ ભયાનક આતંકવાદી હુમલા પાછળ કેનેડાની ધરતી પર સક્રિય ખાલિસ્તાની ઉગ્રવાદીઓનો જ હાથ હતો.

દુર્ઘટનાની વર્ષગાંઠ નિમિત્તે જારી કરેલા એક સત્તાવાર નિવેદનમાં CSIS એ સીધેસીધું પ્રતિબંધિત અલગતાવાદી સંગઠન 'બબ્બર ખાલસા' તરફ આંગળી ચીંધી છે. એજન્સીએ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે, આ કેનેડાના ઇતિહાસનો સૌથી ઘાતક આતંકવાદી હુમલો હતો જેને કેનેડા સ્થિત ખાલિસ્તાની આતંકવાદીઓએ અંજામ આપ્યો હતો. અમેરિકાના ૯/૧૧ના હુમલા પહેલાં આ દુનિયાનો સૌથી મોટો ઉડ્ડયન આતંકવાદી હુમલો હતો. જો કે, આ સ્વીકારાત્મક ખુલાસાએ કેનેડિયન તંત્રની દાયકાઓ જૂની નાકામીઓને પણ સપાટી પર લાવી દીધી છે. વર્ષ ૨૦૧૦ના તપાસ અહેવાલમાં બહાર આવ્યું હતું કે કેનેડાની ગુપ્તચર એજન્સી અને સ્થાનિક પોલીસ વચ્ચેના ગંભીર અણબનાવને કારણે મુખ્ય આતંકવાદી તલવિંદર સિંહ પરમારના વાયરટેપ રેકોર્ડિંગ્સ જેવા મહત્વપૂર્ણ પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો હતો, જેના લીધે ૨૦૦૫માં મુખ્ય આરોપીઓ પુરાવાના અભાવે છૂટી ગયા હતા.

અત્યાર સુધી કેનેડાના રાજકારણીઓ વોટબેંકની રાજનીતિ અને "અભિવ્યક્તિની સ્વતંત્રતા" ના નામે ખાલિસ્તાની તત્વોને રાજકીય અને સામાજિક આશ્રય આપતા આવ્યા છે. તેઓ આ આખી ઘટનાને "ભારતની સમસ્યા" કહીને નજરઅંદાજ કરતા હતા, ભલે તે વિમાનમાં મરનારાઓમાં ૨૬૮ કેનેડિયન નાગરિકો સામેલ હતા. પંજાબમાં ૧૯૭૦-૮૦ના દાયકામાં શરૂ થયેલી ખાલિસ્તાન ચળવળ ભારતમાં ક્યારનીયે સંપૂર્ણપણે નાબૂદ થઈ ચૂકી છે, પરંતુ પશ્ચિમી દેશોમાં આશ્રય મેળવીને ભારત વિરોધી એજન્ડા ચલાવતા કટ્ટરપંથીઓનો અસલી ચહેરો હવે કેનેડાની જ સરકારી એજન્સીએ બેનકાબ કરી દીધો છે. કેનેડાની આ કબૂલાતથી આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદ સામેના ભારતના કડક અને મક્કમ વલણને ભારે મજબૂતી મળી છે.

(8:55 PM IST)