તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
"શું દેશમાં એકપણ પરીક્ષા લીક થયા વગર પૂરી થઈ શકે?" મહારાષ્ટ્ર TET પેપર લીક થતાં વિપક્ષોનો ભાજપ પર આકરો પ્રહાર
૨૮ જૂનની શિક્ષક પાત્રતા પરીક્ષાના એક દિવસ પહેલાં જ ભિવંડીમાંથી પ્રશ્નપત્ર પકડાયું: ૧,૦૨૮ કેન્દ્રોની પરીક્ષા રદ થતાં લાખો ઉમેદવારો અટવાયા, રાહુલ ગાંધીએ સરકારને 'પેપર લીક સરકાર' ગણાવી

નવી દિલ્હી : દેશમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિઓનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. NEET-UG પરીક્ષાના વિવાદની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જ મહારાષ્ટ્રમાંથી વધુ એક મોટો પરીક્ષા કૌભાંડ સામે આવ્યો છે. મહારાષ્ટ્રમાં રવિવાર, ૨૮ જૂનના રોજ યોજાનારી 'શિક્ષક પાત્રતા પરીક્ષા' (MAHA TET 2026) નું પ્રશ્નપત્ર પરીક્ષાના બરાબર એક દિવસ પહેલાં લીક થઈ જતાં પરીક્ષા પરિષદને તાકીદે સમગ્ર પરીક્ષા મુલતવી રાખવાની ફરજ પડી છે. આ ઘટનાને પગલે કોંગ્રેસ, એનસીપી (શરદ પવાર) સહિતના તમામ વિપક્ષી પક્ષોએ મહારાષ્ટ્રની શાસક 'મહાયુતિ' (ભાજપ-શિવસેના-એનસીપી) સરકાર વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે અને યુવાનોના ભવિષ્ય સાથે થઈ રહેલા ખિલવાડ અંગે આકરા પ્રહારો કર્યા છે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકારને ઘેરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, "મહારાષ્ટ્ર TET રદ થવી એ દેશની કથળેલી પરીક્ષા પ્રણાલીનો વધુ એક જીવતો જાગતો પુરાવો છે. શિક્ષણ અને પરીક્ષા તંત્ર હવે ગેરરીતિની પ્રણાલીમાં ફેરવાઈ ગયું છે, જેણે દેશના દરેક યુવાનને અસુરક્ષિત બનાવી દીધો છે. આ યુવાનોના ભવિષ્યની સરેઆમ ચોરી છે."
ભિવંડીમાં મધ્યરાત્રિએ પોલીસ દરોડામાં પકડાયું પાપ
મહારાષ્ટ્ર રાજ્ય પરીક્ષા પરિષદ (MSCE) ના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ૨૭ જૂનની વહેલી સવારે મળેલી એક ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે ભિવંડી પોલીસે એક શંકાસ્પદ સ્થળ પર આકસ્મિક દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસને કેટલીક એવી ડિજિટલ અને પ્રિન્ટેડ સામગ્રી મળી આવી હતી, જે પ્રશ્નપત્ર જેવી દેખાતી હતી. જ્યારે પરીક્ષા પરિષદના ઉચ્ચ અધિકારીઓને બોલાવીને આ સામગ્રીની ક્રોસ-વેરિફિકેશન કરવામાં આવી, ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. જપ્ત કરાયેલા પ્રશ્નો ૨૮ જૂને લેવાનારી અસલી પરીક્ષાના પેપર સાથે હૂબહૂ મેચ થતા હતા. આખરે પારદર્શિતા જાળવવા માટે રાજ્યભરના ૧,૦૨૮ કેન્દ્રો પર લેવાનારી આ મહાપરીક્ષાને તાત્કાલિક અસરથી મુલતવી રાખવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
"ધારાસભ્યો ખરીદવામાં વ્યસ્ત સરકારથી પરીક્ષા નથી લેવાતી"
એનસીપી (એસપી) ના પ્રવક્તા અમોલ મેટેલે સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "આ સરકારે માત્ર રાજકીય પક્ષોને જ નથી તોડ્યા અને સાંસદોનો શિકાર નથી કર્યો, પણ હવે આ સરકાર માત્ર 'લીક અને વિશ્વાસઘાત' માટે જ કુખ્યાત બની ગઈ છે."
બીજી તરફ, સ્થાનિક રાજકીય પક્ષોના અગ્રણીઓએ પણ સરકારની અક્ષમતા પર સવાલો ઉઠાવ્યા છે. કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકકે X પર આક્રોશ ઠાલવતા પૂછ્યું કે, "શું આ દેશમાં હવે કોઈ એવી જાહેર પરીક્ષા બાકી બચી છે જે પેપર લીકના કલંક વગર પુરી થઈ શકે? ભાજપ સરકારનું ધ્યાન માત્ર રાજકીય દાવપેચ, પક્ષો તોડવા અને ધારાસભ્યો-સાંસદોની લે-વેચ પર જ કેન્દ્રિત છે, જેના કારણે તેઓ એક પરીક્ષા પણ યોગ્ય રીતે યોજવા માટે સક્ષમ નથી રહ્યા."
સુરક્ષાના તમામ દાવાઓ પોકળ સાબિત થયા
NEET ની ઘટના પછી પણ તંત્ર ઊંઘતું ઝડપાયું
આશ્ચર્યની વાત એ છે કે, તાજેતરમાં જ દેશભરમાં ગાજેલા NEET 2026 કૌભાંડ બાદ મહારાષ્ટ્ર પરીક્ષા પરિષદે દાવો કર્યો હતો કે તેમણે TET પરીક્ષાને ન્યાયી અને પારદર્શી બનાવવા માટે અનેક હાઈ-ટેક સુરક્ષા પગલાં લીધા છે. પરંતુ ભિવંડીના આ લીકે સાબિત કરી દીધું કે કૌભાંડીઓની પકડ સરકારી સુરક્ષા કરતા પણ વધુ મજબૂત છે.
આ મામલે હવે મહારાષ્ટ્ર પોલીસે ગુનાહિત કાવતરા અંતર્ગત એફઆઈઆર (FIR) નોંધીને મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ, પરીક્ષા રદ થવાના વિરોધમાં અને દેશની પરીક્ષા પદ્ધતિ સુધારવાની માંગ સાથે જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક પણ આ યુવા આંદોલનમાં જોડાશે અને રવિવારથી અનિશ્ચિત મુદ્દતના ઉપવાસ પર ઉતરશે તેવા અહેવાલોથી મામલો વધુ ગરમાયો છે.
(8:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
