<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

સર્વપક્ષીય બેઠક બોલાવો, બિલ દબાણપૂર્વક પસાર ન કરો : મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને લખ્યો ચોથો પત્ર!

ચોમાસુ સત્ર અનિશ્ચિત સમય માટે મુલતવી રાખ્યાના ૬૪ દિવસ છતાં ગૃહ સ્થગિત ન થતાં રાજ્યસભાના વિપક્ષી નેતાએ પરિસ્થિતિને ગણાવી અભૂતપૂર્વ

નવી દિલ્હી:  દેશમાં સીમાંકન ના સંવેદનશીલ અને મહત્વપૂર્ણ મુદ્દા પર કેન્દ્ર સરકાર અને વિપક્ષ વચ્ચેનો રાજકીય સંગ્રામ વધુ તીવ્ર બની રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને સીમાંકન સંબંધિત નવી દરખાસ્તોને આખરી આકાર આપતા અને સંસદમાં રજૂ કરતા પહેલાં તાત્કાલિક 'સર્વપક્ષીય બેઠક' બોલાવવાની વિનંતી કરી છે. પીએમ મોદીને સીમાંકન મુદ્દે લખાયેલો આ તેમનો ચોથો પત્ર છે. ખડગેએ કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે સરકારે અગાઉની જેમ આ વખતે પણ દૂરગામી અસરો ધરાવતા આ બંધારણીય સુધારા બિલને સંસદમાં "બળજબરીપૂર્વક કે ઉતાવળે" પસાર કરાવવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં.

પોતાના પત્રમાં મલ્લિકાર્જુન ખડગેએ સંસદીય પ્રક્રિયાઓ સામે સવાલો ઉઠાવતા નોંધ્યું છે કે, ગત ૧૩ ઓગસ્ટના રોજ સંસદનું ચોમાસુ સત્ર અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યાને આજે ૬၄ દિવસ જેટલો લાંબો સમય વિતી ગયો હોવા છતાં બંને ગૃહોને સત્તાવાર રીતે સત્રાવસાન (Prorogue) કરવામાં આવ્યા નથી, જે સંસદીય ઇતિહાસમાં એક "અભૂતપૂર્વ" અને અસાધારણ સ્થિતિ છે. અગાઉ ૧૭ એપ્રિલે લોકસભામાં જરૂરી બે-તૃતીયાંશ બહુમતી ન મળવાને કારણે સીમાંકન બિલ પર સરકારને પાછળ હટવું પડ્યું હતું. આ ભૂતકાળના ઘટનાક્રમનો ઉલ્લેખ કરતાં કોંગ્રેસ પ્રમુખે યાદ અપાવ્યું કે સરકારે ઉતાવળે નિર્ણયો લેવાને બદલે તમામ પક્ષોને આ મુદ્દાની ઊંડાણપૂર્વક ચર્ચા કરવા માટે પૂરતો સમય આપવો જોઈએ.

ખડગેએ ભારપૂર્વક જણાવ્યું કે, દેશના ભવિષ્ય અને લોકશાહી માળખા સાથે જોડાયેલા આટલા મોટા નિર્ણય માટે સરકાર પહેલા તમામ રાજકીય પક્ષો અને હિસ્સેદારો સાથે વિગતવાર વિચાર-વિમર્શ કરે. તેમણે આક્ષેપ કર્યો કે અગાઉ ૧૧ એપ્રિલ, ૧૬ જુલાઈ અને ૨૭ ઓગસ્ટના રોજ પત્રો લખવા છતાં સરકારે વિપક્ષની માંગણી પ્રત્યે ધ્યાન આપ્યું નહોતું. પરંતુ આ વખતે વ્યાપક રાજકીય સર્વસંમતિ બનાવ્યા બાદ જ સરકારે સંસદમાં આગળ વધવું જોઈએ, જેથી બંધારણીય સુધારાઓ પર દેશના તમામ વર્ગોનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત થઈ શકે.

(7:35 PM IST)