News of Wednesday, 25th November 2026
ભારતી લાઇફમાં બહુમતી હિસ્સો મેળવવા પ્રુડેન્શિયલ્સના ₹૧૧,૫૦૦ કરોડના FDI પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી
તબક્કાવાર રોકાણથી વીમા ક્ષેત્રમાં હાજરી વધશે, ભારતી એન્ટરપ્રાઇઝિસની સ્થાનિક મજબૂતી સાથે વૈશ્વિક કુશળતાનો સમન્વય થશે

નવી દિલ્હી, તા.૨૫: કેન્દ્રીય કેબિનેટે ભારતી લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીમાં બહુમતી હિસ્સો ખરીદવા માટે પ્રુડેન્શિયલ કોર્પોરેશન હોલ્ડિંગ્સ લિમિટેડ તરફથી આશરે ₹૧૧,૫૦૦ કરોડના વિદેશી સીધા રોકાણ (FDI) પ્રસ્તાવને મંજૂરી આપી હોવાનું સામે આવ્યું છે. તબક્કાવાર કરવામાં આવનાર આ રોકાણ દ્વારા ભારતના જીવન વીમા ઉદ્યોગમાં પ્રુડેન્શિયલની હાજરી વિસ્તરશે, જ્યારે ભારતી લાઇફ ઇન્શ્યોરન્સને વધારાની મૂડી અને આંતરરાષ્ટ્રીય વીમા કુશળતાનો લાભ મળશે.
એશિયા અને આફ્રિકામાં કાર્યરત અગ્રણી વીમા અને સંપત્તિ વ્યવસ્થાપન જૂથ પ્રુડેન્શિયલ પીએલસી ભારતીય વીમા બજારમાં વ્યૂહાત્મક વિસ્તરણની તકોને આગળ ધપાવી રહ્યું છે. આ પ્રસ્તાવિત વ્યવહાર હેઠળ ભારતી એન્ટરપ્રાઇઝિસની સ્થાનિક બજારમાં સ્થાપિત મજબૂત હાજરી સાથે પ્રુડેન્શિયલના વૈશ્વિક વીમા અનુભવને જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ મંજૂરી ભારતના વીમા ક્ષેત્રમાં વિદેશી ભાગીદારીને વેગ આપવા માટે સરકાર દ્વારા હાથ ધરાયેલા મહત્વપૂર્ણ નિયમનકારી સુધારાઓની પૃષ્ઠભૂમિમાં આવી છે. સરકારે ભારતીય વીમા કંપનીઓમાં વિદેશી રોકાણની ટોચમર્યાદા ૭૪% થી વધારીને ૧૦૦% કરી છે, જેનાથી લાગુ નિયમનકારી મંજૂરીઓ અને કાયદાકીય આવશ્યકતાઓને આધીન સ્વચાલિત માર્ગ હેઠળ સંપૂર્ણ વિદેશી માલિકી શક્ય બની છે.
વિદેશી વીમા કંપનીઓએ વીમા કાયદા તેમજ અન્ય સંબંધિત નિયમોની જોગવાઈઓનું ફરજિયાત પાલન કરવું પડે છે. આ ઉદારકૃત રોકાણ માળખાનો ઉદ્દેશ લાંબા ગાળાની આંતરરાષ્ટ્રીય મૂડી આકર્ષવાનો, ટેકનોલોજી ટ્રાન્સફરને પ્રોત્સાહન આપવાનો, વીમા વિતરણ માળખાને મજબૂત બનાવવાનો અને દેશભરમાં વીમા વ્યાપ્તિ વધારવાનો છે.
પૃષ્ઠભૂમિ જોઈએ તો, મે ૨૦૨૬માં પ્રુડેન્શિયલે ભારતીય કામગીરી મજબૂત બનાવવાના ભાગરૂપે ભારતી લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીમાં ૭૫% હિસ્સો ખરીદવા માટેના કરારની જાહેરાત કરી હતી. તેની સાથે સરકારે વિદેશી માલિકીની મર્યાદા વધારવાની સાથે આંતરરાષ્ટ્રીય વીમા કંપનીઓ માટે નિયમનકારી પ્રક્રિયા સરળ બનાવવા પર પણ ભાર મૂક્યો છે.
હાલમાં કેબિનેટની મંજૂરી સાથે આ પ્રસ્તાવ મહત્વપૂર્ણ તબક્કામાં પહોંચ્યો છે અને આગામી સમયમાં નિયમનકારી પ્રક્રિયાઓ તથા શરતોના પાલન હેઠળ રોકાણની તબક્કાવાર કામગીરી આગળ વધશે. વીમા ક્ષેત્રમાં વધતા વિદેશી મૂડીપ્રવાહ અને વ્યૂહાત્મક ભાગીદારી પર બજારની નજર રહેશે.
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
