<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

ફ્રાન્સમાં બેકાબૂ બનેલા હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે વડાપ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુ દ્વારા વધુ વિસ્તારોમાં કર્ફ્યુ લાદવાની જાહેરાત: લૂંટફાટ અને આગચંપીની ઘટનાઓથી દેશભરમાં ફફડાટ

પેરિસ, લિયોન અને નાઈસ સહિતના મુખ્ય શહેરોમાં કડક સુરક્ષા વ્યવસ્થા અને રાત્રિ કર્ફ્યુ અમલી; મોંઘવારી વિરુદ્ધના આંદોલનમાં હિંસા ફાટી નીકળતા અત્યાર સુધીમાં બે હજારથી વધુ લોકોની ધરપકડ.

પેરિસ : ફ્રાન્સમાં વધતી જતી મોંઘવારી અને આર્થિક મુશ્કેલીઓ સામે શરૂ થયેલા વિરોધ પ્રદર્શનોએ હવે હિંસક વળાંક લીધો છે, જેના કારણે યુરોપના આ દેશમાં ગંભીર આંતરિક સંકટ પેદા થયું છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ફ્રાન્સના વડાપ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુએ મંગળવારે એક મોટો નિર્ણય લેતા જણાવ્યું છે કે જ્યાં પણ સ્થિતિની માંગ હશે ત્યાં નવા અને કડક કર્ફ્યુ લાદવામાં આવશે. અગાઉના દિવસોમાં કેટલાક શહેરોમાં લાદવામાં આવેલા રાત્રિ કર્ફ્યુના કારણે હિંસા અટકાવવામાં ઘણી મદદ મળી છે અને સુરક્ષા દળો સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

 

છેલ્લા કેટલાક દિવસોથી પેરિસ, લિયોન, નાઈસ અને લિલે જેવા પ્રમુખ શહેરોમાં ઉગ્ર પ્રદર્શનો દરમિયાન ભારે ઘર્ષણ, પબ્લિક પ્રોપર્ટીમાં આગચંપી અને મોટા પાયે લૂંટફાટની ઘટનાઓ બની છે. પેરિસના પ્રખ્યાત 'રિપબ્લિક સ્ક્વેર' અને 'શાતેલે-લે-હાલેસ' વિસ્તારમાં રાત્રિના સમયે લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. લિયોન શહેરમાં તો પ્રદર્શનકારીઓએ એક પ્રવાસન કાર્યાલયને પણ આગને હવાલે કરી દીધી હતી. આ ઉપરાંત, નાઈસ અને લિલે જેવા શહેરોમાં ખાસ કરીને સગીરોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે રાત્રિ કર્ફ્યુના કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે.

 

આંતરિક બાબતોના મંત્રાલયના અહેવાલ મુજબ, ગત શનિવારે દેશવ્યાપી કૂચ અને વિરોધ પ્રદર્શનો દરમિયાન પોલીસ અને તોફાનીઓ વચ્ચે થયેલી હિંસક અથડામણોમાં ડઝનબંધ દુકાનો લૂંટાઈ હતી અને ભારે નુકસાન થયું હતું. આ તોફાનો અને આગચંપીની ઘટનાઓમાં સંડોવાયેલા ૨,૦૦૦ થી વધુ ઉપદ્રવીઓની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે. સ્થાનિક વહીવટી અધિકારીઓ (પ્રેફેક્ટ્સ) અને મેયરોને સ્થિતિ અનુસાર તાત્કાલિક નિર્ણયો લેવાની છૂટ આપવામાં આવી છે.

 

સરકારના આ સખત પગલાંઓ છતાં નાગરિકોમાં અસંતોષ અને અશાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. ફ્રાન્સમાં ફાટી નીકળેલી આ હિંસા અને લૂંટફાટની ઘટનાઓએ સમગ્ર યુરોપનું ધ્યાન ખેંચ્યું છે, ત્યારે આગામી દિવસોમાં આંદોલનકારીઓ અને સરકાર વચ્ચેનો આ ટકરાવ કયા વળાંક લે છે તે જોવું રહ્યું.

(8:37 PM IST)