News of Monday, 15th June 2026
વર્ષ ૨૦૩૦ સુધીમાં સરેરાશ ૨૫માંથી એક વૃદ્ધને અલ્ઝાઈમર હશે
હવે ૫૦ની વયે પણ અલ્ઝાઈમરની સમસ્યામાં વધારો : અલ્ઝાઈમર અવેરનેસ મંથઃ AI,મોબાઇલ ફોન પર વધુ પડતી નિર્ભરતાથી ભૂલી જવાની બીમારી થવાનું જોખમ

નવી દિલ્હી,તા.૧૫: રોજબરોજની ચીજવસ્તુ, ઘરની જ વ્યક્તિના નામ-ઘરનું જ સરનામું અચાનક જ યાદ ન આવે તો તેને સામાન્ય સમજીને નજરઅંદાજ કરવું ભૂલભર્યું છે. કેમકે, તે અલ્ઝાઈમરના લક્ષણો હોઇ શકે છે. અલ્ઝાઈમરની સમસ્યા ધરાવનારામાં ધીરે-ધીરે ચિતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં વર્ષ ૨૦૩૦ સુધીમાં દર ૨૫ વૃદ્ધમાંથી ૧ વ્યક્તિને & અલ્ઝાઈમર હોઈ શકે છે.
દર વર્ષે જૂન મહિનાની ઉજવણી ‘‘અલ્ઝાઈમર એન્ડ બ્રેઈન અવેરનેસ મહિનો' તરીકે કરવામાં આવે છે. ડોક્ટરોના મતે, અલ્ઝાઈમર એ ન્યૂરો ડેવલપમેન્ટલ ડિસઓર્ડર છે. તેની શરૂઆત નાની વસ્તુ ભૂલવાથી થાય છે. સ્ટ્રેસફૂલ જીવન જીવનારા, હાઇ બીપી-ખૂબ જ ડાયાબિટિસ ધરાવનારા તેમ જ પરિવારમાં હિસ્ટ્રી હોય તેમને અલ્ઝાઈમર થઈ શકે છે. થોડા સમય અગાઉ હાથ ધરાયેલા અભ્યાસ મુજબ વર્ષ ૨૦૧૯ની આસપાસ ભારતમાં ૮૮ લાખ લોકો ડિમેન્શિયા સાથે જીવતા હતા.
વર્ષ ૨૦૩૦માં ભારતમાં અંદાજે ૨૦ કરોડ વૃદ્ધ હશે તો તેમાં દર ૧૫થી ૧૮ વૃદ્ધમાં ૧ને ડિમેન્શિયા જ્યારે દર ૨૦-૨૫ વૃદ્ધમાંથી ૧ વ્યક્તિને અલ્ઝાઈમર હોઈ શકે છે. અલ્ઝાઈમર ડિમેન્શિયાનું સૌથી સામાન્ય કારણે છે. સામાન્ય રીતે કુલ ડિમેન્શિયા કેસના ૬૦ ટકાથી ૭૦ ટકા માટે જવાબદાર હોય છે. ગુજરાતમાં વર્ષ ૨૦૩૬ સુધીમાં ડિમેન્શિયાની સમસ્યા ૮.૧૭ લાખ લોકોને હોવાનો અંદાજ છે. ડોક્ટરોના મતે, વૃદ્ધાવસ્થામાં ભૂલવાની સમસ્યા તો રહે એમ વિચારીને ઘણા લોકો ડોક્ટર પાસે જવાનું ટાળે છે પણ તે યોગ્ય નથી. સામાન્ય લક્ષણમાં પણ ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.અગાઉ લોકો રૂટ, ફોન નંબર અથવા કોઇપણ કામ યાદ રાખતા હતાં. આ આદતોથી મગજ સક્રિય રહેતું હતું. આજે, નેવિગેશન એપ, રિમાઇન્ડર્સ અને ડિજિટલ લિસ્ટે સ્વાભાવિક યાદશક્તિનું સ્થાન લઈ લીધું છે, જેના પરિણામે માનસિક કસરતનું પ્રમાણ ઘટ્યું છે. જે વસ્તુ આપણી યાદશક્તિમાં વધારો કરતી હતી, તે હવે ડિવાઈસ દ્વારા થઇ રહી છે.
અલ્ઝાઇમરના લક્ષણો...
* સામે વાળી વ્યક્તિ જાણીતી હોવા છતાં ઓળખવામાં વાર થવી.
* નામ યાદ આવવામાં સમસ્યા.
* ખોરાક લીધો હતો કે કેમ, રોજબરોજનો રસ્તો યાદ નહીં આવવું.
* સામાન્ય શબ્દ જેમ કે મોબાઈલ-પેન-ટીવી જેવા રોજબરોજના શબ્દો પણ માંડ યાદ આવવા.
* ખરીદી કરવા ગયા હોવ તો શું ખરીદી કરવા નીકળ્યા હતો તે જ યાદ નહીં આવવું, ચલણી નોટ ગણતા-ગણતા અચાનક જ તેનો ક્રમ ભૂલી જવો.
* કોઈ વ્યક્તિને ફોન કર્યા બાદ કયા કામથી ફોન કર્યો હતો તે યાદ નહીં આવવું.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
