<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

એક પણ ગોળી ચલાવ્યા વિના, લોહીનું એક ટીપું વહાવ્યા વગર સિક્કિમ ભારતનું ૨૨મું રાજ્ય કેવી રીતે બન્યું? જાણો R&AW ના સુપ્રસિદ્ધ 'સ્પાયમાસ્ટર' આર. એન. કાવનો માસ્ટરપ્લાન!

ચીનના સીમાડે અસ્તિત્વમાં આવેલા સૌથી મોટા સુરક્ષા ખતરા અને 'ચિકન્સ નેક' ને બચાવવા તત્કાલીન પીએમ ઈન્દિરા ગાંધી અને કાવ સાહેબે ઘડેલી ગુપ્ત વ્યુહરચનાની રોમાંચક કથા.

અમદાવાદ : જો ઈતિહાસમાં એક નાનકડી ભૂલ થઈ હોત તો આજે ભારતનો સમગ્ર ઉત્તર-પૂર્વ (North-East) વિસ્તાર આપણા દેશના નકશામાંથી ગાયબ થઈ ગયો હોત! ૧૯૭૦ના દાયકામાં ભારતની સુરક્ષા સામે ઊભા થયેલા આ સૌથી મોટા ખતરાને ભારતીય ગુપ્તચર સંસ્થા 'રો' (R&AW) ના પ્રથમ વડા આર. એન. કાવ (રામેશ્વર નાથ કાવ) એ પોતાની અદ્ભુત ચતુરતા અને વ્યૂહરચનાથી નિષ્ફળ બનાવ્યો હતો. તેમણે ચીન સરહદ નજીક એક પણ ગોળી ચલાવ્યા વગર કે લોહીનું એક ટીપું વહાવ્યા વિના સિક્કિમનું ભારતમાં વિલીનીકરણ કરાવ્યું હતું.

 

તાજેતરમાં ફિલ્મ નિર્માતા કરણ જોહરે આર. એસ. કાવના જીવન પર આધારિત બાયોપિક 'R.N. Kao: Gentleman Spymaster' ની જાહેરાત કરી છે, જે ૨૦૨૮ માં રિલીઝ થશે. આવો જાણીએ ભારતની આ ઐતિહાસિક અને રોમાંચક ઘટના પાછળની આખી કહાણી...


 

૧૯૫૦ ની સંધિ અને 'ચિકન્સ નેક' પર તોળાતું સંકટ

૧૯૪૭ માં ભારત આઝાદ થયું ત્યારે સિક્કિમ પર ચોગ્યાલ એટલે કે રાજા તાસી નામગ્યાલનું શાસન હતું. ૧૯૫૦ ની ખાસ સંધિ મુજબ સિક્કિમ ભારતનું 'રક્ષિત રાજ્ય' બન્યું, જેમાં સંરક્ષણ અને વિદેશ નીતિ ભારત હસ્તક હતી. બે દાયકા સુધી શાંતિથી ચાલેલી આ વ્યવસ્થા ત્યારે ડામાડોળ થઈ જ્યારે નવા રાજા પલદેન થૌન્ડુપ ગાદી પર બેઠા. તેમણે હોપ કૂક નામની અમેરિકન મહિલા સાથે લગ્ન કર્યા, જેઓ રાજાને ભારત સામે ભડકાવીને સિક્કિમને સ્વતંત્ર દેશ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

 

જો સિક્કિમ ભારતથી અલગ થઈ જઈ ચીનના પ્રભાવમાં આવે તો ભારત માટે 'ચિકન્સ નેક' (સિલીગુડી કોરિડોર) ગુમાવવાનું ભારે જોખમ હતું. જો ચીન આ વિસ્તાર પર કબજો કરત તો ઉત્તર-પૂર્વ ભારત મુખ્ય ભૂમિથી કપાઈ જાત. ૧૯૭૧ ના પાકિસ્તાન સામેના યુદ્ધ પછી તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ RAW ના ચીફ આર. એન. કાવને બોલાવી આ મુદ્દાનો કાયમી ઉકેલ લાવવા આદેશ આપ્યો.


 

R&AW નો માસ્ટરપ્લાન અને લોકશાહી આંદોલન

કાવ સાહેબની ટીમના જાંબાઝ અધિકારી પી. એન. બેનર્જીએ માત્ર ૪ દિવસમાં જ એક યોજના તૈયાર કરી:


 

  • આંતરિક વિદ્રોહ: રાજાશાહી નબળી પાડવા અને પ્રજામાં લોકશાહી લાવવા સિક્કિમ નેશનલ કોંગ્રેસના નેતા કાજી લેન્ડુપ દોરજી અને સ્થાનિક નેપાળી બહુમતી પ્રજાનો સાથ લેવાયો.

 

  • મહેલનો ઘેરાવો: ૪ એપ્રિલ ૧૯૭૩ ના રોજ રાજાના ૫૦મા જન્મદિવસે ઉગ્ર જનઆંદોલન ફાટી નીકળ્યું. સમગ્ર સિક્કિમમાં કાયદો-વ્યવસ્થા પડી ભાંગી અને લાચાર થઈને ચોગ્યાલે ભારત સરકાર પાસે મદદ માગવી પડી.

 

ત્રિરંગો લહેરાયો અને સિક્કિમ બન્યું ભારતનો હિસ્સો

૯ એપ્રિલ ૧૯૭૫ ની સવારે બ્રિગેડિયર દેવેન્દ્ર સિંહના નેતૃત્વમાં ભારતીય સેનાએ ગંગટોક સ્થિત રાજમહેલને ચારેય તરફથી ઘેરી લીધો. રાજાના ૨૪૩ વફાદાર ગાર્ડ્સે કોઈ પણ વિરોધ વગર આત્મસમર્પણ કર્યું. રાજમહેલ પરથી ચોગ્યાલનો ધ્વજ હટાવી ગૌરવપૂર્વક ભારતનો ત્રિરંગો લહેરાવવામાં આવ્યો.

 

ત્યારબાદ યોજાયેલા જનમતમાં સિક્કિમની જનતાએ ૯૭.૫% મતોથી ભારત સાથે જોડાવા તરફેણ કરી. અંતે, ૧૬ મે ૧૯૭૫ ના રોજ સિક્કિમ સત્તાવાર રીતે ભારતનું ૨૨મું રાજ્ય બન્યું.

(5:58 PM IST)