તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
લખનૌમાં ચકચાર મચાવનાર બિઝનેસમેન હત્યાકાંડ: મોડલ ગર્લફ્રેન્ડ શ્રદ્ધા દુબે નેપાળ ભાગી ગયા બાદ હવે કોર્ટમાં આત્મસમર્પણ કરવા તૈયાર, પોલીસ દ્વારા ૫૦ હજારનું ઇનામ જાહેર
લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા દુબેએ હત્યાના આક્ષેપોને નકારીને દાવો કર્યો કે પ્રેમી શિવે દેવાના બોજાથી કંટાળીને આપઘાત કર્યો છે; ઉત્તર પ્રદેશ પોલીસ આરોપીઓની ધરપકડ માટે સઘન તપાસ ચલાવી રહી છે

લખનૌ, તા.૧૯: ઉત્તર પ્રદેશના લખનૌ શહેરમાં ચર્ચાનો વિષય બનેલા બિઝનેસમેન અને કેફે સંચાલક શિવ શર્માના રહસ્યમય હત્યા કેસમાં રોજ નવા અને સનસનાટીભર્યા ખુલાસા થઈ રહ્યા છે. શિવની લિવ-ઈન પાર્ટનર અને મોડલ તથા બ્યુટી પાર્લર ચલાવતી શ્રદ્ધા દુબે આ ઘટના બાદ ફરાર થઈને નેપાળ ભાગી ગઈ હતી, પરંતુ પોલીસની સકંજા મજબૂત બનતા હવે તેણે લખનૌ અથવા સહારનપુરની કોર્ટમાં આત્મસમર્પણ કરવાની તૈયારી દર્શાવી છે. ઉત્તર પ્રદેશ પોલીસ શ્રદ્ધા દુબે અને તેના સહયોગીઓને પકડવા માટે ભારે હવાતિયાં મારી રહી છે.
ઘટનાની વિગતો મુજબ, લખનૌના પોશ વિસ્તાર અવધ ગ્રીન અપાર્ટમેન્ટના ચોથા માળેથી શંકાસ્પદ પરિસ્થિતિમાં નીચે પટકાયેલા શિવ શર્માનું ગત ૯ ઓક્ટોબરના રોજ કરૂણ મોત નીપજ્યું હતું. આ મામલામાં શિવની માતાએ તેની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા દુબે અને અન્ય લોકો વિરુદ્ધ દીકરાની હત્યા કર્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે. મૃતકના પરિવારની ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને શ્રદ્ધા દુબે, તેની બહેન રશ્મિ અને ડ્રાઈવર દાનિશ સહિતના આરોપીઓની શોધખોળ માટે ૧૦ વિશેષ ટીમો મેદાને ઉતારી છે. ફરાર ચાલી રહેલા આ તમામ મુખ્ય આરોપીઓ પર ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા ૫૦-૫૦ હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે તેમજ કોર્ટ દ્વારા બિનજામીનપાત્ર વોરન્ટ પણ ઇશ્યુ કરવામાં આવ્યું છે.
પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની પકડથી બચવા માટે શ્રદ્ધા દુબે બહરાઈચના રસ્તે રૂપઈડીહા બોર્ડર પાર કરીને નેપાળ ભાગી ગઈ હતી. નેપાળમાં પોલીસથી છુપાવવા માટે તેણે બુરખો પહેરીને ભૈરહવાની એક હોટલમાં આશરો લીધો હતો અને ત્યાં એક નવો મોબાઈલ નંબર લઈને પોતાના મદદગારોના સંપર્કમાં રહી હતી. જોકે, ઉત્તર પ્રદેશ પોલીસની વધતી જતી તવાઈ અને સર્ચ ઓપરેશનને કારણે તે મહારાજગંજ જિલ્લાના સોનૌલી બોર્ડરથી ભગવાનપુર બોર્ડરના રસ્તે ચુપચાપ ઉત્તર પ્રદેશમાં પાછી ફરી હતી. પોલીસ તપાસ દરમિયાન મહારાજગંજની બજારોના સીસીટીવી ફૂટેજમાં શ્રદ્ધા નજરે ચડી હતી, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસથી બચવા માટે ભાગતી ફરતી શ્રદ્ધા દુબેએ મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપતા તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેણે દાવો કર્યો છે કે તેણે શિવની કોઈ હત્યા કરી નથી, પરંતુ વધારે પડતા આર્થિક દેવા અને માનસિક તણાવના કારણે શિવે બિલ્ડિંગના ચોથા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. તેણે પોલીસને અપીલ કરી છે કે જો બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવી જશે.
હાલમાં શ્રદ્ધા દુબેએ લખનૌ અથવા સહારનપુરની અદાલતમાં આત્મસમર્પણ કરવા માટે અરજી કરી હોવાની માહિતી મળી રહી છે. ઉત્તર પ્રદેશ પોલીસ હવે શ્રદ્ધાના આત્મસમર્પણ બાદ સમગ્ર હત્યાકાંડ પાછળનું અસલી રહસ્ય શું છે તે જાણવા માટે કસ્ટડીમાં લઈને કડક પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે. આ સનસનાટીભર્યા કેસને કારણે લખનૌના વેપારી વર્ગ અને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઓ ચાલી રહી છે.
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
