<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

જમ્‍મુ-કાશ્‍મીરના ઉધમપુરમાં બસ ખીણમાં ખાબકીઃ ૨૨ મુસાફરોના મોત

રામનગરથી ઉધમપુર જતી ખીચોખીચ ભરેલી બસના ચાલકે કાબૂ ગુમાવતા દુર્ઘટના સર્જાયઃ લાશોના ઢગલે ઢગલા : ૩૧ મુસાફરો લોહીલુહાણ હાલતમાં હોસ્‍પિટલ ખસેડાયા, ગંભીર ઘાયલોને એરલિફ્‌ટ કરવાની તૈયારીઃ પીએમ મોદીએ ૨ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી

જમ્‍મુ, તા.૨૦: જમ્‍મુ-કાશ્‍મીરના ઉધમપુર જિલ્લામાં આજે એક અત્‍યંત હૃદયદ્રાવક અને મોટી માર્ગ દુર્ઘટના સર્જાઈ છે. રામનગરથી મુસાફરોને લઈને ઉધમપુર તરફ જઈ રહેલી એક જાહેર પરિવહનની બસ અચાનક કાનોટે ગામ પાસે ચાલકે કાબૂ ગુમાવતા પહાડ પરથી સીધી ઊંડી ખાઈમાં ખાબકી હતી. આ ભયાનક અકસ્‍માત એટલો જોરદાર હતો કે બસના ફુરચા ઉડી ગયા હતા. અત્‍યાર સુધીના અહેવાલો મુજબ, આ દુર્ઘટનામાં ૨૨ કમનસીબ મુસાફરોએ જીવ ગુમાવ્‍યા છે, જ્‍યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેના કારણે મળત્‍યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે.

સ્‍થાનિક વહીવટીતંત્ર અને બચાવ દળોએ તાત્‍કાલિક ઘટનાસ્‍થળે પહોંચી યુદ્ધના ધોરણે રાહત કાર્ય શરૂ કર્યું છે. કેન્‍દ્રીય મંત્રી ડૉ.જીતેન્‍દ્ર સિંહે ઉધમપુરના ડેપ્‍યુટી કમિશનર મિંગા શેરપા સાથે સતત સંપર્ક જાળવી રાખીને પરિસ્‍થિતિનો તાગ મેળવ્‍યો હતો. ઘાયલોને તાત્‍કાલિક નજીકની હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે, જ્‍યારે જે લોકોની હાલત અત્‍યંત નાજુક છે તેમને વધુ સારી સારવાર માટે એરલિફ્‌ટ કરવાની વિશેષ વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે. સ્‍થાનિક કાર્યકરો અને પોલીસની ટીમો ખીણમાંથી લોકોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી રહી છે.

આ દુર્ઘટના પર શોક વ્‍યક્‍ત કરતા જમ્‍મુ-કાશ્‍મીરના ઉપરાજ્‍યપાલ મનોજ સિંહા અને મુખ્‍યમંત્રી ઓમર અબ્‍દુલ્લાએ ઘેરી સંવેદના પ્રગટ કરી છે. રાજ્‍યપાલ કાર્યાલયે સોશિયલ મીડિયા પર જણાવ્‍યું કે, આ અકસ્‍માત અત્‍યંત પીડાદાયક છે અને વહીવટીતંત્રને SDRF તથા આરોગ્‍ય વિભાગ સાથે મળીને અસરગ્રસ્‍તોને તમામ શકય સહાય પૂરી પાડવા આદેશ આપ્‍યા છે. ભગવાન મળતકોના આત્‍માને શાંતિ આપે અને તેમના પરિવારોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્‍તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી છે.

 

 

(2:51 PM IST)