<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

જાપાનમાં સળગતો સવાલ: દેશની સૌથી નાની ઉંમરની મહિલા મેયર પ્રસૂતિ રજા પર જતાં જ કેમ ફાટી નીકળ્યો વિવાદ? વિરોધીઓએ માગ્યું રાજીનામું!

યાવાતા શહેરના ૩૫ વર્ષીય મહિલા મેયર શોકો કાવાતા ૧૬ અઠવાડિયાની મેટરનિટી લીવ પર જતાં રાજકારણમાં ગરમાવો; ઘટતા જન્મદર વચ્ચે મહિલા નેતાના અધિકારો પર સમાજ બે ફાંટામાં વહેંચાયો

ટોક્યો : કોઈ મહિલા નેતા ગર્ભવતી બને અને પ્રસૂતિ રજા (મેટરનિટી લીવ) પર જાય, તો શું તેને કોઈ ઐતિહાસિક સમાચાર કે વિવાદનો મુદ્દો ગણી શકાય? સામાન્ય દેશોમાં આ પ્રક્રિયા સહજ હોઈ શકે, પરંતુ જાપાન જેવા પરંપરાવાદી દેશમાં હાલ આ વિષયે એક મોટું આંદોલન અને રાજકીય યુદ્ધ છેડી દીધું છે. જાપાનના યાવાતા (Yawata) શહેરના ૩૫ વર્ષીય મહિલા મેયર શોકો કાવાતા (Shoko Kawata) હાલમાં ૧૬ અઠવાડિયાની પ્રસૂતિ રજા પર ઉતરી ગયા છે. સપ્ટેમ્બર મહિનામાં તેઓ બાળકને જન્મ આપવાના છે. આ સાથે જ તેઓ જાપાનના ઈતિહાસમાં પદ પર રહેવા દરમિયાન પ્રસૂતિ રજા લેનારા પ્રથમ મહિલા મેયર અને રાજકીય નેતા બન્યા છે. પરંતુ, આ પ્રશંસનીય પગલાની સામે દેશમાં ભારે હોબાળો મચી ગયો છે.

સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ અને રાજીનામાની માગ

શોકો કાવાતાએ જેવા જ મે મહિનામાં પોતાની રજાના સમાચાર જાહેર કર્યા, કે તરત જ તેમના વિરોધીઓ, પુરુષ સાથીઓ અને રાજકીય હરીફોએ તેમના પર તીખા પ્રહારો શરૂ કરી દીધા. વિરોધીઓએ પ્રશ્ન ઉઠાવ્યો કે, એક શહેરના સર્વોચ્ચ વહીવટી વડા (મેયર) આટલી લાંબી રજા પર કેવી રીતે જઈ શકે? સોશિયલ મીડિયા પર તેમને જોરદાર ટ્રોલ કરવામાં આવ્યા, અખબારોના ફ્રન્ટ પેજ પર હેડલાઈન્સ બની અને ટીવી ચેનલો પર તેમના રાજીનામાની માગણી સાથે ઓપિનિયન પોલ શરૂ થઈ ગયા. જાપાની સમાજનો એક મોટો વર્ગ હજુ પણ આને મેયરની એક મોટી "ભૂલ" ગણાવી રહ્યો છે.

કાયદાની છટકબારી અને રૂઢિચુસ્ત માનસિકતા

રસપ્રદ વાત એ છે કે, જાપાનમાં સામાન્ય નોકરી કરતી મહિલાઓને ૧૪ અઠવાડિયાની પ્રસૂતિ રજા મેળવવાનો કાનૂની અધિકાર છે, પરંતુ મહિલા રાજકારણીઓ માટે આવો કોઈ સ્પષ્ટ નિયમ જ નથી! જ્યારે જાપાનનો આ સંબધિત કાયદો ઘડાયો હતો, ત્યારે કદાચ કોઈએ કલ્પના પણ નહોતી કરી કે ભવિષ્યમાં યુવાન મહિલાઓ પણ મેયર જેવા પદો પર ચૂંટાશે. શોકો માત્ર ૩૩ વર્ષની ઉંમરે જાપાનના સૌથી નાની વયના મેયર બન્યા હતા. તેમણે મીડિયા સમક્ષ સ્પષ્ટ કર્યું કે, "કાયદો મહિલા નેતાઓને રજા આપવાનો ઉલ્લેખ નથી કરતો, પરંતુ રજા લેવાની ના પણ નથી પાડતો." તેઓ આ રૂઢિચુસ્ત માનસિકતાને બદલવા અને ભવિષ્યની મહિલાઓ માટે એક મજબૂત ઉદાહરણ સેટ કરવા માંગે છે.

કરદાતાઓના પૈસાનો બગાડ કે પછી બેવડું વલણ?

વિરોધ કરનારાઓનો એવો આક્ષેપ છે કે જાહેર સેવક હોવા છતાં આટલી લાંબી રજા ભોગવવી એ કરદાતાઓ (ટેક્સપેયર્સ) ના પૈસાનો બગાડ છે. આ વિવાદ એવા દેશમાં થઈ રહ્યો છે, જે હાલમાં ભારે ઘટી રહેલા પ્રજનન દર (બર્થ રેટ) અને વૃદ્ધ થતી વસ્તીના ગંભીર સંકટ સામે ઝઝૂમી રહ્યો છે. આ ઉપરાંત, જાપાનમાં તાજેતરમાં જ ઇતિહાસના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે 'સના તાકાચી' ચૂંટાયા છે, તેમ છતાં દેશના રાજકારણમાં મહિલાઓની ભાગીદારી માત્ર ૧૫ થી ૧૬ ટકા જેટલી જ સીમિત છે.

અધિકાર કે વિશેષાધિકાર?

બીજા વિશ્વયુદ્ધ પછી જાપાનમાં મહિલાઓને અનેક અધિકારો કાગળ પર આપવામાં આવ્યા છે, પરંતુ સામાજિક શર્મના કારણે મહિલાઓ લાંબી રજાઓ લેવાનું ટાળે છે, કારણ કે ત્યાં લાંબી રજાને ઓછી ઉત્પાદકતા તરીકે જોવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO) ના અહેવાલો પણ દર્શાવે છે કે વિશ્વભરમાં કરોડો મહિલાઓ કૌટુંબિક જવાબદારીઓના કારણે નોકરીઓ છોડી દે છે. મેયર શોકો કાવાતા આ જ પ્રથા સામે લડી રહ્યા છે કે પ્રસૂતિ રજા એ કોઈ 'વિશેષાધિકાર' (Privilege) નથી પરંતુ સ્ત્રીઓનો 'મૂળભૂત અધિકાર' છે.

(7:23 PM IST)