<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

ગુરુગ્રામમાં વેજના બદલે નોનવેજ બર્ગર પહોંચાડતાં બર્ગર કિંગ અને સ્વિગીને રૂ. ૭૨ હજાર ચૂકવવા આદેશ

બે બાળકોને ખોટા બર્ગર પહોંચાડવાનો મામલો : ગ્રાહક કમિશને સેવામાં ગંભીર ખામી ગણાવી

ગુરુગ્રામ : હરિયાણાના ગુરુગ્રામમાં ગ્રાહક વિવાદ નિવારણ કમિશને ખાદ્યપદાર્થોની ઓનલાઇન ડિલિવરીમાં બેદરકારી અંગે મહત્વનો ચુકાદો આપ્યો છે. શાકાહારી બર્ગરનો ઓર્ડર આપવા છતાં બાળકોને માંસાહારી બર્ગર પહોંચાડવાના કેસમાં બર્ગર કિંગ ઇન્ડિયા અને સ્વિગીને સંયુક્ત રીતે રૂ. ૭૨ હજાર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સેક્ટર-૪૬ના રહેવાસી ભગવાનદાસ મંગલાએ ૨ એપ્રિલ, ૨૦૨૧ના રોજ પોતાના બે બાળકો માટે ચાર શાકાહારી બર્ગરનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ ડિલિવરીમાં માંસાહારી બર્ગર મળ્યા હતા. બાળકો તે ખાઈ ગયા હોવાની અને ત્યારબાદ તેમની તબિયત બગડી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.

કમિશને દસ્તાવેજી પુરાવા અને બંને કંપનીઓની રજૂઆતો ધ્યાનમાં લઈને સેવામાં ગંભીર ખામી હોવાનું ઠરાવ્યું હતું. રૂ. ૫૦ હજાર માનસિક ત્રાસ અને રૂ. ૨૨ હજાર કાનૂની ખર્ચ પેટે ચૂકવવાનો આદેશ કરાયો છે. ચુકવણી માટે ૪૫ દિવસની મુદત આપવામાં આવી છે. 

(11:36 AM IST)