તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
બંગાળમાં બંપર મતદાનઃ મમતા-શુભેન્દુના ગઢમાં હિંસા અને EVM વિવાદે પારો ગરમાવ્યો
બપોર સુધીમાં અંદાજે ૬૫ ટકા મતદાન થવાનો અંદાજઃ દિગ્ગજોનું ભાવિ ઇવીએમમાં કેદ થશે : ભવાનીપુરથી ડાયમંડ હાર્બર સુધી તણાવઃ EVM પર ટેપ ચોંટાડવાના ગંભીર આક્ષેપોઃ મતદારોમાં ભારે ઉત્સાહ

કોલકાતા, તા.૨૯: પશ્ચિમ બંગાળમાં આજે બીજા તબક્કાનું મતદાન હિંસક અથડામણો અને ગંભીર રાજકીય આક્ષેપો વચ્ચે આગળ વધી રહ્યું છે. ડાયમંડ હાર્બરના ફાલ્ટા વિસ્તારમાં ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ EVMના બટનો પર ટેપ ચોંટાડ્યાના વીડિયો શેર કરી ડાયમંડ હાર્બર મોડલ પર પ્રહારો કર્યા છે. ભાજપનો આરોપ છે કે બૂથ નંબર ૧૪૪, ૧૭૦ અને ૧૮૯ પર જાણી જોઈને કમળના નિશાનવાળા બટનને બ્લોક કરવામાં આવ્યું હતું જેથી મતદારો ભાજપને મત ન આપી શકે. આ મામલે ચૂંટણી પંચે તપાસના આદેશ આપ્યા છે અને જરૂર પડ્યે પુનઃ મતદાનની ખાતરી આપી છે.
ભવાનીપુર બેઠક પર રાજકીય જંગ જંગ-એ-મેદાનમાં ફેરવાઈ ગયો છે, જ્યાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી સામસામે આવી જતાં ભારે અફરાતફરી મચી હતી. શુભેન્દુએ આક્ષેપ કર્યો કે મમતા બેનર્જી બહારના ગુંડાઓની ફોજ લઈને મતદારોને ડરાવી રહ્યા છે, જ્યારે મમતાએ વળતો પ્રહાર કરતા કહ્યું કે ચૂંટણી ઓબ્ઝર્વર્સ ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે. ઉત્તર ૨૪ પરગણામાં પણ મતદારોએ મુખ્યમંત્રીના કાફલા સાથે આવેલા અજાણ્યા શખ્સો દ્વારા ધમકાવવામાં આવતા હોવાની ફરિયાદો નોંધાવી છે, જેનાથી મતદાન કેન્દ્રો પર ભયનું વાતાવરણ સર્જાયું છે.
નદિયા જિલ્લાના ચાપડામાં હિંસાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જ્યાં બૂથ નંબર ૫૨ પર ભાજપના પોલિંગ એજન્ટ મોશર્રફ મિર પર લોખંડના સળિયાથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા એજન્ટને ૬ ટાંકા આવ્યા છે અને હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બીજી તરફ, ટીએમસી નેતા અભિષેક બેનર્જીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે કેન્દ્ર ગમે તેટલા સુરક્ષા દળો ઉતારે, પણ બંગાળની જનતા ચોથી વાર મમતા સરકાર જ બનાવશે. અનેક જગ્યાએ EVM ખોટકાવવાની ઘટનાઓ અને સુરક્ષા દળો સાથેના ઘર્ષણને કારણે બપોર સુધીમાં બંગાળનું રાજકારણ સંપૂર્ણપણે તપેલું જોવા મળ્યું છે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
