તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
આરોપીના ઘરે બે વર્ષ સુધી બુલડોઝર ન ફેરવવું
POCSO અને ધર્માંતરણ વિરોધી કાયદા હેઠળના કેસમાં કરાયેલી અરજી પર અલ્લાહાબાદ હાઇકોર્ટનો મહત્ત્વનો ચુકાદો : જસ્ટિસ સિદ્ધાર્થ નંદને અસંમતિ દર્શાવતા હવે મામલો ચીફ જસ્ટિસની કોર્ટમાં

પ્રયાગરાજ, તા.૨૨: ઉત્તર પ્રદેશમાં વિવાદનું કેન્દ્ર બનેલી બુલડોઝર સંસ્કળતિ સામે અલ્હાબાદ હાઈકોર્ટમાંથી એક અભૂતપૂર્વ અને કાનૂની ગરમાવો લાવનારો વિભાજિત (સ્પ્લિટ) ચુકાદો સામે આવ્યો છે. આરોપીઓની મિલકતો પર કાનૂની કાર્યવાહીના નામે બુલડોઝર ફેરવવાના મુદ્દે બેંચના વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ અતુલ શ્રીધરન અને ન્યાયાધીશ જસ્ટિસ સિદ્ધાર્થ નંદન સામસામે આવી ગયા છે. જસ્ટિસ શ્રીધરને કડક વલણ અપનાવતા કહ્યું કે, મ્યુનિસિપલ કાયદાઓનું બહાનુ ધરીને FIR નોંધાયાના તુરંત બાદ ઉતાવળે ઘરો જમીનદોસ્ત કરવા તે કારોબારી દ્વારા લેવાતો શુદ્ધ બદલો છે. તેમણે સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે FIR ની તારીખથી સતત બે વર્ષ સુધી આરોપીના ઘર વિરુદ્ધ કોઈ પણ પ્રકારની તોડફોડની કાર્યવાહી ન થવી જોઈએ.
જોકે, બેંચના બીજા ન્યાયાધીશ જસ્ટિસ સિદ્ધાર્થ નંદને આ નિર્ણય સામે ભારે અસંમતિ વ્યક્ત કરી હતી. તેમણે દલીલ કરી હતી કે આવી નિヘતિ સમયમર્યાદા નક્કી કરવાથી કાયદાના યોગ્ય અમલ પર રોક લાગી જશે અને અરાજકતા ફેલાશે, કારણ કે સરકાર હંમેશા કુદરતી ન્યાયના સિદ્ધાંતો મુજબ કાર્ય કરે છે અને પીડિતો માટે અદાલતના દરવાજા ખુલ્લા જ હોય છે. આ કેસ હમીરપુર જિલ્લાના સુમેરપુર વિસ્તારના ફૈમુદ્દીન અને તેમના પરિવારે દાખલ કરેલી અરજી સાથે જોડાયેલો છે. POCSO અને ગેરકાયદે ધર્માંતરણ વિરોધી કાયદા હેઠળ કેસ નોંધાયા બાદ પીડિતોએ ભય વ્યક્ત કર્યો હતો કે પોલીસ અને વહીવટીતંત્ર તેમનું ઘર તોડી પાડવાની તૈયારી કરી રહ્યું છે.
બે ન્યાયાધીશો વચ્ચેના આ તીવ્ર મતભેદ બાદ હવે કાયદાકીય પ્રક્રિયા હેઠળ સમગ્ર વિવાદને અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પાસે મોકલવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસ હવે આ મામલાની સુનાવણી માટે ત્રીજા ન્યાયાધીશની નિમણૂક કરશે. આ મુખ્યપીઠ હવે એ નક્કી કરશે કે શું કલમ ૨૨૬ હેઠળ સંસદીય સત્તાનો ઉપયોગ કરીને ઉત્તર પ્રદેશ શહેરી આયોજન અધિનિયમ ૧૯૭૩ ની કાર્યવાહી પર બે વર્ષ માટે સાર્વત્રિક રોક લગાવી શકાય કે નહીં અને શું તોડફોડ પહેલા એક વર્ષ અગાઉ નોટિસ આપવી ફરજિયાત કરી શકાય. સુપ્રીમ કોર્ટની સૂચનાઓ છતાં યુપીમાં ચાલુ રહેલી બુલડોઝર નીતિ પર આ ત્રીજા જજનો આખરી અભિપ્રાય દેશભરમાં કાયદાકીય માર્ગદર્શિકા પ્રસ્થાપિત કરશે.
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
