<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

શેરબજારમાં તેજીનો બુલડોઝર માહોલ: નિફ્ટી ૨૩,૨૦૦ ને પાર અને સેન્સેક્સ ૭૪,૩૦૦ ની ઉપર લીલા નિશાને બંધ, બેંકિંગ-FMCG શેરોએ રોકાણકારોને નિહાલ કર્યા!

આઈટી અને ફાર્મા સિવાય તમામ સેક્ટરલ ઇન્ડેક્સમાં શાનદાર ઉછાળો: FMCG અને પીએસયુ બેંક શેરોમાં ૧% થી વધુની તેજી સાથે ITC, એક્સિસ બેંક અને SBI બન્યા ટોપ ગેઈનર્સ

નવી દિલ્હી, તા.૧૬: ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોની સુસ્તી બાદ ૧૬ સપ્ટેમ્બરના રોજ તેજીનો જોરદાર માહોલ પાછો ફર્યો છે. દિવસભરના ઉતાર-ચઢાવ બાદ ટ્રેડિંગ સેશનના અંતે ભારતીય ઈક્વિટી સૂચકાંકો મજબૂત ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. બેંકિંગ, પીએસયુ અને એફએમસીજી શેરોમાં આવેલી વેલ્યુ બાઇંગના બળે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી ૫૦ ઈન્ડેક્સ ૨૩,૨૦૦ ની મહત્વપૂર્ણ સપાટી કુદાવીને ૨૩,૨૧૭.૬૦ પર બંધ રહ્યો હતો.

ટ્રેડિંગના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જ (BSE) નો બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ૩૩૨.૬૩ પોઈન્ટ અથવા ૦.૪૫ ટકાના ઉછાળા સાથે ૭૪,૩૩૬.૪૫ ની સપાટીએ બંધ થયો હતો. તેવી જ રીતે નિફ્ટી ૯૯.૦૦ પોઈન્ટ અથવા ૦.૪૩ ટકા વધીને ૨૩,૨૧૭.૬૦ ની સપાટી પર બંધ રહ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર ટ્રેડ થયેલા કુલ ૪,૫૬૧ શેરોમાંથી ૧,૯૯૦ શેરોમાં સુધારો નોંધાયો હતો, જ્યારે ૨,૩૪૪ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો અને ૨૨૭ શેરો અપરિવર્તિત રહ્યા હતા.

કયા ક્ષેત્રોમાં ધમધમાટ તેજી અને ક્યાં મંદી રહી?
બજારના આજના કારોબારમાં આઈટી (IT) અને ફાર્મા ક્ષેત્ર સિવાય તમામ સેક્ટરલ સૂચકાંકો મજબૂતી સાથે બંધ થયા હતા. વિશેષરૂપે એફએમસીજી (FMCG) અને પીએસયુ બેંક (PSU Bank) સૂચકાંકો ૧ ટકાથી વધુના જોરદાર વધારા સાથે બંધ રહ્યા હતા.

નિફ્ટીમાં આજે સૌથી વધુ કમાણી કરાવી આપનારા ટોપ ગ્રેઈનર્સ શેરોમાં SBI લાઈફ ઈન્સ્યોરન્સ, HDFC લાઈફ, ITC, એક્સિસ બેંક અને SBI મુખ્ય સ્થાને રહ્યા હતા. બીજી તરફ, ટેકનોલોજી સેક્ટરમાં પ્રોફિટ બુકિંગને કારણે TCS, વિપ્રો, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને બજાજ ફિનસર્વના શેરોમાં ઘટાડો નોંધાયો હતો.

નિષ્ણાતોનો બજાર અંગેનો અંદાજ
નાણાકીય વિશ્લેષકોના જણાવ્યા મુજબ, ભારતીય શેરબજાર હાલ 'ઓવરસોલ્ડ' ઝોનમાંથી બહાર નીકળીને ટેકનિકલ બાઉન્સબેક દર્શાવી રહ્યું છે. જોકે, એકંદર વૈશ્વિક સંકેતોને કારણે હજુ પણ એકંદર વલણ સાવચેતીભર્યું કે મંદી તરફી રહી શકે છે, પરંતુ ગુણવત્તાયુક્ત FMCG અને શક્તિશાળી બેંકિંગ સ્ટોક્સમાં રોકાણકારો માટે નીચલા મથાળે ખરીદી કરવાની ઉત્તમ તકો ઉભી થઈ છે.

(4:34 PM IST)