News of Wednesday, 6th May 2026
શેરબજારમાં બુલ રન: સેન્સેક્સમાં ૯૪૦ પોઈન્ટનો મોટો ઉછાળો, નિફ્ટી ૨૪,૩૩૦ને પાર! જાણો રોકાણકારો પર કેમ વરસી લક્ષ્મી?
અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિની આશાએ બજારમાં ભરી નવી ઉર્જા: બેંકિંગ અને ઓટો સેક્ટરમાં જોરદાર લેવાલી, ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી સેન્ટિમેન્ટ મજબૂત

રાજકોટ: તા.૦૬ ભારતીય શેરબજારમાં આજે એટલે કે બુધવારે ટ્રેડિંગના છેલ્લા કલાકોમાં જોરદાર રિકવરી જોવા મળી હતી. શરૂઆતી નબળાઈને ખંખેરીને બજાર એવા તે ઉછળ્યા કે રોકાણકારોના ચહેરા ખીલી ઉઠ્યા હતા. સેન્સેક્સ દિવસના નીચલા સ્તરેથી ૯૪૦ પોઈન્ટ જેટલો રિકવર થઈને બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી પણ ૨૪,૩૩૦ ના સ્તરની ઉપર સ્થિર થવામાં સફળ રહ્યો હતો.
શાંતિના સમાચારે બજારમાં ફૂંક્યો પ્રાણ
બજારમાં આ તેજી પાછળનું મુખ્ય કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઓછો થવાના અહેવાલો માનવામાં આવે છે. બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ અને શાંતિ કરારની અટકળોને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે. તેલના ભાવ ઘટતા ભારત જેવા દેશો માટે આર્થિક રાહતની આશા જાગી છે, જેની સીધી પોઝિટિવ અસર આજે શેરબજાર પર જોવા મળી હતી.
બેંકિંગ અને ફાઈનાન્સ સેક્ટરમાં ધૂમ ખરીદી
આજના કારોબારમાં બેંકિંગ સ્ટોક્સ તેજીના મોખરે રહ્યા હતા. મોટા બેંકિંગ શેરોમાં થયેલી જોરદાર ખરીદીને કારણે બજારને મોટો સપોર્ટ મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સ ૧.૨૨ ટકાના ઉછાળા સાથે ૭૭,૯૫૮.૫૨ પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી-૫૦ ૨૯૮ પોઈન્ટ અથવા ૧.૨૪ ટકા વધીને ૨૪,૩૩૦.૯૫ પર સ્થિર થયો હતો.
સેક્ટર મુજબની સ્થિતિ
સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરીએ તો, બેંકિંગ ઉપરાંત ઓટો, FMCG અને IT શેરોમાં પણ હળવી ખરીદી જોવા મળી હતી. જોકે, મેટલ શેરોમાં મિશ્ર પ્રતિસાદ રહ્યો હતો. રોકાણકારો અત્યારે વૈશ્વિક સ્થિતિ અને કંપનીઓના પરિણામો પર નજર રાખી રહ્યા છે. જો શાંતિ કરારની વાત આગળ વધશે, તો આગામી દિવસોમાં બજારમાં વધુ તેજીના સંકેતો દેખાઈ રહ્યા છે.
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
