<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

વૈશ્વિક બજારોમાં 'બુલ રન': એશિયાથી યુરોપ સુધીના શેરબજારોમાં હરિયાળી, જાપાન અને કોરિયાના સૂચકાંકોમાં જોરદાર ઉછાળો

અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણાની આશાએ રોકાણકારોમાં નવો ઉત્સાહ; નિક્કી અને કોસ્પી ૨ ટકાથી વધુ ઉછળ્યા, જર્મની અને ફ્રાન્સના બજારો પણ મજબૂત સ્તરે

 નવી દિલ્હી: આજે વિશ્વભરના શેરબજારોમાં રોકાણકારો માટે મંગળવાર ખરેખર મંગળકારી સાબિત થયો છે. એશિયાઈ દેશોથી શરૂ થયેલી તેજીની લહેર યુરોપિયન બજારો સુધી પહોંચી છે, જેના કારણે મોટાભાગના મુખ્ય સૂચકાંકો 'લીલા નિશાન' (Green Zone) માં કારોબાર કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભૌગોલિક-રાજકીય તણાવ હળવો થવાની આશા અને ક્રૂડ ઓઈલના ઘટતા ભાવની પોઝિટિવ અસર બજાર પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે.
એશિયાઈ બજારોમાં તેજીનું તોફાન
એશિયાઈ બજારોમાં આજે જાપાન અને દક્ષિણ કોરિયાના શેરબજારોમાં સૌથી વધુ ચમક જોવા મળી હતી. દક્ષિણ કોરિયાનો કોસ્પી (KOSPI) સૂચકાંક ૨.૭ ટકાના જંગી ઉછાળા સાથે મોખરે રહ્યો હતો. જાપાનના નિક્કી ૨૨૫ (Nikkei 225) માં પણ ૨.૪ ટકાથી વધુનો વધારો નોંધાયો હતો. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ લગભગ ૧ ટકા અને હોંગકોંગનો હેંગ સેંગ ૦.૮ ટકા વધીને બંધ રહ્યા હતા. સિંગાપોરના બજારમાં પણ અડધા ટકાની આસપાસ મજબૂતી જોવા મળી હતી.
યુરોપિયન બજારોમાં પણ હરિયાળી
એશિયાના પગલે યુરોપિયન શેરબજારોએ પણ મજબૂત શરૂઆત કરી છે. જર્મનીનો મુખ્ય સૂચકાંક DAX ૧ ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે, જ્યારે ફ્રાન્સનો CAC 40 ૦.૬ ટકાથી વધુની તેજી દર્શાવી રહ્યો છે. લંડનનો FTSE 100 પણ નજીવા વધારા સાથે પોઝિટિવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે. રોકાણકારો માની રહ્યા છે કે જો શાંતિ મંત્રણા સફળ રહેશે તો બજારમાં આ તેજી લાંબો સમય ટકી શકે છે.
રોકાણકારો માટે શું છે સંકેત?
બજારના નિષ્ણાતોના મતે, આ તેજી પાછળનું મુખ્ય કારણ વૈશ્વિક અનિશ્ચિતતામાં ઘટાડો છે. ખાસ કરીને ક્રૂડ ઓઈલના ભાવ ૯૮ ડોલરની નીચે સરકતા ફુગાવા સામે લડવામાં મદદ મળશે તેવી આશાએ બજારમાં ખરીદી નીકળી છે. ભારતીય બજારના રોકાણકારો પણ વૈશ્વિક સંકેતોને પગલે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે.

(8:55 PM IST)