News of Monday, 27th July 2026
કાનપુરમાંથી કમ્પ્યુટર સાયન્સનો બીટેક ગ્રેજ્યુએટ બનેલો સાયબર માફિયા: દુબઈ બેઠા પ્રતિબંધિત ગેમિંગ એપ્સ અને આઈપીએલ સટ્ટાબાજી દ્વારા ઉભું કર્યું ૨૫૦ કરોડથી વધુનું રાષ્ટ્રવ્યાપી નેટવર્ક
'સુલ્તાન મિર્ઝા' ઉર્ફે અભય શુક્લાના ઈશારે ભારતમાં ડમી બેંક ખાતાઓનું મોટું રેકેટ: કાનપુર પોલીસે મુખ્ય સાગરીતોની ધરપકડ કરતા હવાલા કૌભાંડ અને દુબઈના ડિસ્કોથેકમાં લાખોની અય્યાશીના ચોંકાવનારા વીડિયો સામે આવ્યા

કાનપુર : ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ ટેકનોલોજીનો ઉપયોગ દેશના વિકાસ માટે કરવાને બદલે ગુનાખોરીના રસ્તે ૨૫૦ કરોડથી વધુનું સાયબર સામ્રાજ્ય ઉભું કરનાર એક ચોંકાવનારો કિસ્સો ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી પ્રકાશમાં આવ્યો છે. કાનપુરની એક પ્રતિષ્ઠિત કોલેજમાંથી બીટેક ગ્રેજ્યુએટ થયેલો મુખ્ય સૂત્રધાર અભય શુક્લા ઉર્ફે 'સુલ્તાન મિર્ઝા' હાલ દુબઈ અને નેપાળમાં બેસીને ભારતમાં કરોડો રૂપિયાનું સટ્ટાબાજી અને ઓનલાઈન ફ્રોડનું નેટવર્ક ચલાવી રહ્યો છે. પ્રતિબંધિત ઓનલાઈન ગેમિંગ, પ્રલોભન આપતી રોકાણ એપ્સ અને આઈપીએલ મેચો પર સટ્ટો રમાડીને દેશભરના હજારો નિર્દોષ નાગરિકોને શિકાર બનાવવામાં આવ્યા છે. કાનપુર ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે સઘન ઓપરેશન હાથ ધરીને સુલ્તાન મિર્ઝાના બે મુખ્ય સાગરીતો રાજવીર સિંહ અને શુભમ સિંહાની ધરપકડ કરી આ આખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે.
પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, આ મહાકૌભાંડની તપાસ દરમિયાન દેશભરમાંથી અત્યાર સુધીમાં અંદાજે ૧૨૫ થી વધુ શંકાસ્પદ બેંક ખાતાઓ મળી આવ્યા છે, જેમાં વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૬ ની વચ્ચે ૨૫૦ કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો (ટ્રાન્ઝેક્શન) થયા હોવાની પુષ્ટિ થઈ છે. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર આ ટોળકી વિરુદ્ધ સમગ્ર દેશમાંથી ૧૬૦૦ થી વધુ ફરિયાદો નોંધાયેલી છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી કરોડો રૂપિયાની કિંમતી જમીનો, લક્ઝરી વાહનો અને ગેસ્ટ હાઉસના દસ્તાવેજો મળી આવ્યા છે. પોલીસે હાલમાં વિવિધ બેંક ખાતાઓમાં રહેલી ૪.૨૫ કરોડ રૂપિયાની રકમને ફ્રીઝ કરી દીધી છે અને બાકીની મિલકતો જપ્ત કરવાની કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી છે.
ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી અને રેકેટની મુખ્ય વિગતો:
બેંક કર્મચારીઓની મિલીભગત: સાયબર ઠગોએ એક્સિસ બેંક અને સીએસબી બેંકના કેટલાક કર્મચારીઓને ૧૦-૧૦ લાખ રૂપિયાની લાંચ આપીને બોગસ પેઢીઓના નામે કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા, જેમાં ફ્રોડની રકમ આવતી હતી.
ધાર્મિક વસ્તીના આધારે બે અલગ વિંગ: આરોપીઓએ ખાતાઓ ખોલાવવા અને પૈસાની હેરાફેરી કરવા માટે હિન્દુ અને મુસ્લિમ બહુલ વિસ્તારોમાં બે અલગ-અલગ ઓફિસો બનાવી હબ તૈયાર કર્યા હતા, જ્યાં ઓછું ભણેલા યુવાનોને લાલચ આપી ફસાવવામાં આવતા.
દુબઈમાં રશિયન ડાન્સર્સ પર લાખોની ઉડામણ: પોલીસ દ્વારા રિકવર કરાયેલા મોબાઈલ ડેટામાંથી સુલ્તાન મિર્ઝાના દુબઈના આલીશાન પબ અને ડિસ્કોથેકના વીડિયો મળ્યા છે, જેમાં તે એક રાતમાં લાખો રૂપિયા ઉડાવી અય્યાશી કરતો જોવા મળે છે.
૬૦ ટકા હિસ્સો અને ઇન્સ્યોરન્સ પોલિસી: ભારતમાં કોઈ ખાતું પોલીસ દ્વારા ફ્રીઝ કરવામાં આવે તો પણ ઠગ ગેંગને ૪૦ ટકા રકમ ૧૦ દિવસમાં સુરક્ષિત પહોંચાડવાની જવાબદારી સુલ્તાન મિર્ઝાની હતી, જેના બદલામાં તે કમાણીનો સિંહફાળો એટલે કે ૬૦ ટકા હિસ્સો પોતાની પાસે રાખતો હતો.
આ ટોળકી સટ્ટાબાજી અને ગેમિંગ દ્વારા એકત્રિત થતા કરોડો રૂપિયાને हवाला નેટવર્ક અને સોના (ગોલ્ડ) ખરીદીના માધ્યમથી વિદેશ મોકલતી હતી. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે વીપીએન (VPN) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવતો હતો જેથી પોલીસ લોકેશન ટ્રેસ ન કરી શકે. કાનપુર પોલીસના જણાવ્યા અનુસાર મુખ્ય સૂત્રધાર અભય શુક્લા ઉર્ફે સુલ્તાન મિર્ઝા વિરુદ્ધ અગાઉ પણ ગુના નોંધાયેલા છે અને તે ધરપકડથી બચવા માટે વિદેશ ભાગી ગયો છે. હાલ કાનપુર પોલીસ અને સાયબર સેલની ટીમો લુકઆઉટ નોટિસ જાહેર કરીને અને તપાસ એજન્સીઓની મદદથી વિદેશમાં છુપાયેલા આ મુખ્ય સૂત્રધારને ભારત લાવવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
