તા. ૧૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૮ બુધવાર
News of Friday, 2nd October 2026
પંજાબ સરહદે BSFનું મોટું ઓપરેશન: ચેતવણી છતાં ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરતા ૨ પાકિસ્તાની ઘૂસણખોરોને જવાનોએ ઠાર કર્યા!
તરનતારનના રાજોકે સેક્ટરમાં મોડી રાત્રે સરહદ પારથી થતી શંકાસ્પદ હિલચાલ થર્મલ કેમેરામાં કેચ: સમગ્ર વિસ્તાર સીલ કરી BSF દ્વારા સઘન સર્ચ ઓપરેશન શરૂ

અમૃતસર, તા.૦૨: ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે દેશની સુરક્ષા કાજે ખડેપગે તૈનાત બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જાંબાઝ જવાનોએ વધુ એક સફળ કાર્યવાહી કરીને ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. પંજાબના તરનતારન સરહદી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ભારતીય સીમામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા ૨ પાકિસ્તાની ઘૂસણખોરોને BSFના જવાનોએ ગોળીબાર કરીને સ્થળ પર જ ઠાર કર્યા છે.
રાત્રે ૧૨:૩૦ વાગ્યે થર્મલ ઇમેજિંગથી શંકાસ્પદ હિલચાલ પકડાઈ
મળતી વિગતો મુજબ, આ સનસનાટીભરી ઘટના પંજાબ બોર્ડર પર આવેલા તરનતારન જિલ્લાના રાજોકે સેક્ટરમાં મોડી રાત્રે આશરે ૧૨:૩૦ વાગ્યાના સુમારે બની હતી. રાત્રિના ઘનઘોર અંધારામાં સીમા સુરક્ષા દળના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે નાઇટ વિઝન દૂરબીન અને થર્મલ ઇમેજિંગ કેમેરાના માધ્યમથી પાકિસ્તાન તરફથી ૩ શંકાસ્પદ વ્યક્તિઓ ભારતીય સરહદ તરફ આગળ વધી રહ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું.
BSFની ચેતવણીને અવગણી છુપાવાનો પ્રયાસ કર્યો
જેવા આ ઘૂસણખોરો ભારતીય સીમા રેખા ઓળંગીને અંદર પ્રવેશ્યા કે તુરંત BSFના જવાનોએ તેમને આત્મસમર્પણ કરવા અને પાછા ફરવા માટે આકરી ચેતવણી આપી હતી. જોકે, પાછળ હટવાને બદલે આ ઘૂસણખોરોએ ઝાડીઓ અને અંધારાનો લાભ લઈને છુપાવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો. વારંવાર આપેલી ચેતવણીઓ છતાં ઘૂસણખોરો આગળ વધતા રહેતા, જવાનોએ સ્વરક્ષણ અને દેશની સુરક્ષા માટે ત્વરિત સશસ્ત્ર કાર્યવાહી કરી ફાઇરિંગ શરૂ કર્યું હતું, જેમાં બે ઘૂસણખોરો ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા.
ડ્રગ્સ અને હથિયારોની તસ્કરીનો ડોળો: સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઠાર કરાયેલા ઘૂસણખોરો આંતરરાષ્ટ્રીય તસ્કરો હોવાની પ્રબળ આશંકા છે, જેઓ પાકિસ્તાન તરફથી ડ્રગ્સ અથવા ગેરકાયદેસર શસ્ત્રોની ખેપ ભારતીય સરહદમાં પહોંચાડવાના ઈરાદાથી આવ્યા હતા. ઘટના બાદ તરત જ BSF અને સ્થાનિક પોલીસે સમગ્ર સરહદી વિસ્તારને સીલ કરી દીધો છે. ઠાર કરાયેલા ઘૂસણખોરો પાસેથી શું સામગ્રી મળી આવી છે તે અંગે BSFના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિગતવાર સર્ચ ઓપરેશન પૂર્ણ થયા બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
(5:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
