<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

અમરનાથ યાત્રામાં બીએસએફના જવાનો બન્યા યાત્રિકો માટે દેવદૂત: બીમારી અને થાકથી પીડિત અનેક શ્રદ્ધાળુઓનો જીવ બચાવ્યો

બીએસએફની તબીબી ટીમો ૪૮ કિલોમીટર લાંબા પહેલગામ-ચંદનવાડી માર્ગ અને ૧૪ કિલોમીટર લાંબા બાલટાલ-દોમેલ માર્ગ પર મુખ્ય સ્થાનો પર તૈનાત

જમ્મુ: સીમા સુરક્ષા દળ બીએસએફ કાશ્મીરે ચાલી રહેલી અમરનાથ યાત્રા ૨૦૨૬ દરમિયાન વધુ ઊંચાઈ પર થતી બીમારીઓ, ડીહાઈડ્રેશન અને થાકથી પીડિત ડઝનો તીર્થયાત્રીઓને બચાવ્યા છે. બીએસએફના અધિકારીઓએ આ માહિતી આપી છે.

બીએસએફ બચાવ અને રાહત ટીમને સમયસર જીવનરક્ષક તબીબી સહાય પ્રદાન કરવા માટે પડકારજનક પહેલગામ અને બાલટાલ માર્ગો પર વ્યુહાત્મક રીતે તૈનાત કરવામાં આવી છે. આ ટીમો હિમાલયમાં પવિત્ર અમરનાથ ગુફા મંદિરે જતા તીર્થયાત્રીઓની સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

૩ જુલાઈથી શરૂ થયેલી વાર્ષિક અમરનાથ યાત્રા દેશભરમાંથી હજારો શ્રદ્ધાળુઓને આકર્ષિત કરે છે. જોકે, આ તીર્થયાત્રા માર્ગમાં ખતરનાક પહાડી વિસ્તારો, અણધાર્યા હવામાન અને વધુ ઊંચાઈવાળા ક્ષેત્રોમાંથી પસાર થવું પડે છે, જેના કારણે અવારનવાર તબીબી કટોકટી ઉભી થાય છે. તાજેતરના દિવસોમાં, ઘણા યાત્રીઓએ ચક્કર આવવા, શ્વાસ લેવામાં તકલીફ અને થાક જેવા લક્ષણોનો અનુભવ કર્યો છે, જેના માટે તાત્કાલિક સારવાર આવશ્યક બની હતી.

બીએસએફની તબીબી ટીમો ૪૮ કિલોમીટર લાંબા પહેલગામ-ચંદનવાડી માર્ગ અને ૧૪ કિલોમીટર લાંબા બાલટાલ-દોમેલ માર્ગ પર મુખ્ય સ્થાનો પર તૈનાત છે. પ્રાથમિક સારવાર કિટ, ઓક્સિજન સિલિન્ડર અને ઈમરજન્સી મેડિકલ સપ્લાયથી સજ્જ આ ટીમોએ એક્યુટ માઉન્ટેન સિકનેસના અનેક કિસ્સાઓમાં મહત્વપૂર્ણ ઓક્સિજન સહાય પ્રદાન કરી છે, જેનાથી ગંભીર જટિલતાઓને રોકી શકાઈ છે અને જરૂર પડ્યે સુરક્ષિત રીતે બહાર કાઢવાનું શક્ય બન્યું છે.

તબીબી સહાય ઉપરાંત, બીએસએફ ગ્રામીણ સ્વચ્છતા નિદેશાલય ડીઆરએસ ના સહયોગથી તીર્થયાત્રા માર્ગો પર સ્વચ્છતાના પ્રયાસોમાં પણ મદદ કરી રહ્યું છે. 

ઉત્તરાખંડના એક તીર્થયાત્રી વનીતા દેવીએ જણાવ્યું કે ચઢાણ ખૂબ જ સીધું અને થકવી દેનારું હતું. મેં ઘણા લોકોને શ્વાસ લેવામાં તકલીફના કારણે પડતા જોયા. બીએસએફના જવાનો ત્યાં જ તૈનાત હતા, કોઈ પણ ખચકાટ વિના સૌની દેખરેખ રાખી રહ્યા હતા. તેઓ ઈશ્વરનું કામ કરી રહ્યા છે.

કાશ્મીર ખીણમાં સમયાંતરે થઈ રહેલા વરસાદ છતાં અમરનાથ યાત્રા સતત ચાલુ છે. અત્યાર સુધીમાં બે લાખથી વધુ તીર્થયાત્રીઓ પવિત્ર ગુફાના દર્શન કરી ચૂક્યા છે.*

(1:13 AM IST)