તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
ઐતિહાસિક આમેરમાં ટૂરિસ્ટ ગાઇડની નિર્મમ હત્યાથી જયપુરમાં સનસનાટી: આક્રોશિત સ્થાનિકો રસ્તા પર ઉતર્યા, આમેરના બજારો સજ્જડ બંધ!
માવઠા લેક પાસે વાહન રોકવા બાબતે થયેલી બોલાચાલી બાદ જીપ ચાલક અને તેના સાગરીતે ચાકુના ઘા ઝીંક્યા; SMS હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગાઇડે દમ તોડતાં વાતાવરણ ગરમ, બંને આરોપીઓ પોલીસ ગિરફ્તમાં.

જયપુર, તા. ૦૯: રાજસ્થાનના વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ જયપુર સ્થિત આમેર કિલ્લા નજીક આવેલ માવઠા સરોવર પાસે એક અત્યંત સનસનાટીભરી અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. પ્રવાસીઓને માર્ગદર્શન આપતા ટૂરિસ્ટ ગાઇડ મનીષ સોની પર વાહનોની અવરજવર અંગે થયેલી ક્ષુલ્લક બોલાચાલીમાં ઝાડીઓમાં ચાકુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા મનીષનું જયપુરની SMS હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરૂણ મોત નીપજતાં જ આમેર વિસ્તારમાં લોકોનો ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. ગાઇડ મનીષના મોતની ખબર વાયુવેગે પ્રસરતાં સ્થાનિક વેપારીઓ, નિવાસીઓ અને ગાઇડ સમુદાયે આમેરના તમામ બજારો સજ્જડ બંધ કરાવીને રસ્તા પર ઉતરી ભારે હોબાળો મચાવ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમવારે રાત્રે આમેર કિલ્લા તરફ જતી ગાડીઓને રોકવા બાબતે મનીષ સોની અને જીપ ચાલક આઝમ વચ્ચે ઉગ્ર ચકમક ઝરી હતી. જોતજોતામાં વિવાદ એટલો વધી ગયો કે આઝમ અને તેના સાથીદાર નાઝિશે ગુસ્સામાં આવીને મનીષના પેટના ભાગે ચાકુના તીક્ષ્ણ ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં મનીષ સ્થળ પર જ ઢળી પડ્યો હતો, જેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ વધુ પડતું લોહી વહી જવાને કારણે મંગળવારે તેણે આખરી શ્વાસ લીધા હતા. આ સમાચાર મળતાં જ આમેર પોલીસ સ્ટેશન બહાર સેંકડો લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસ પ્રશાસન વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી હત્યારાઓને સખતમાં સખત સજા કરવાની માંગ કરી હતી.
ઘટના બાદ વિસ્તારમાં સર્જાયેલી અશાંતિ અને તણાવને જોતાં આમેર કિલ્લા તરફ જતા તમામ મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને ભારે પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો છે. આમેર પોલીસ સ્ટેશનના અધિકારી રાજેન્દ્ર ગોદારાએ જણાવ્યું હતું કે પોલીસે તાત્કાલિક પગલાં ભરીને મુખ્ય આરોપી જીપ ચાલક આઝમ અને તેના સાથી નાઝિશની કસ્ટડીમાં લઈ ગહન પૂછપરછ શરૂ કરી દીધી છે. મુખ્ય આરોપી આઝમ અગાઉ પણ બે ગુનાહિત કેસોમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર આમેરમાં શોક અને અસંતોષનો માહોલ છે, જ્યારે પોલીસ તંત્ર સતત શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી રહ્યું છે.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
