News of Wednesday, 22nd April 2026
દિલ્હીમાં IRS અધિકારીની પુત્રીની ક્રૂર હત્યા: OYO હોટેલમાંથી ઝડપાયો હત્યારો ‘રાહુલ’
ઘરનો જૂનો નોકર જ નીકળ્યો કસાઈ: ચાવી ક્યાં રાખવી તેની ખબર હતી, માતા-પિતા જીમ ગયા અને ૪૦ મિનિટમાં દીકરીનું જીવન ટૂંકાવી નાખ્યું, બળાત્કારની પણ આશંકા

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ભયાનક ઘટના સામે આવી છે. દક્ષિણ-પૂર્વ દિલ્હીના પોશ કૈલાશ હિલ્સ વિસ્તારમાં એક વરિષ્ઠ ભારતીય મહેસૂલ સેવા (IRS) અધિકારીની ૧૯ વર્ષીય પુત્રીની તેના જ ઘરમાં ઘાતકી હત્યા કરવામાં આવી છે. દિલ્હી પોલીસે આ મામલે દ્વારકાની એક ઓયો (OYO) હોટેલમાંથી ૧૯ વર્ષીય શંકાસ્પદ આરોપી રાહુલ મીણાની ધરપકડ કરી છે.
સીસીટીવી ફૂટેજ અને પૂર્વ આયોજિત કાવતરું
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી રાહુલ પીડિતાના ઘરે અગાઉ નોકર તરીકે કામ કરતો હતો અને પરિવારની તમામ હિલચાલથી વાકેફ હતો. બુધવારે વહેલી સવારે સવારે ૬:૨૪ વાગ્યે, જ્યારે પીડિતાના માતા-પિતા દરરોજની જેમ જીમ ગયા હતા, ત્યારે રાહુલે તકનો લાભ ઉઠાવ્યો હતો. તેને ખબર હતી કે ફ્લેટની બહાર ચાવી ક્યાં છુપાવવામાં આવે છે. તેણે તે જ ચાવીથી ઘર ખોલ્યું અને અંદર પ્રવેશ કર્યો હતો.
ચાર્જિંગ કેબલથી ગળું દબાવ્યું
પ્રાથમિક તપાસ મુજબ, આરોપીએ ઘરમાં એકલી રહેલી યુવતી પર પહેલા લાકડી વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ મોબાઈલ ફોનના ચાર્જિંગ કેબલનો ઉપયોગ કરીને અત્યંત નિર્દયતાથી તેનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. આરોપી લગભગ ૪૦ મિનિટ સુધી ઘરની અંદર રહ્યો હતો અને પછી પહાડી વિસ્તારમાંથી નાસી છૂટ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં તેની હાજરી કેદ થતા પોલીસ તેના સુધી પહોંચી શકી હતી.
બળાત્કારની તપાસ ચાલુ
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પીડિતા પર જાતીય હુમલો થયો હોવાની પણ આશંકા છે. જોકે, આ અંગેની સત્તાવાર પુષ્ટિ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ થશે. ફોરેન્સિક ટીમોએ ઘટનાસ્થળેથી લોહીના ડાઘ અને અન્ય પુરાવા એકત્રિત કર્યા છે.
દિલ્હીમાં અસુરક્ષિત પરિવારો
એક વરિષ્ઠ અધિકારીના ઘરમાં ઘૂસીને ઘરના જૂના નોકરે જે રીતે આ જઘન્ય ગુનો આચર્યો છે, તેનાથી ફરી એકવાર ઘરઘાટીઓની ઓળખ અને સુરક્ષા વ્યવસ્થા સામે મોટા પ્રશ્નો ઉભા થયા છે.
(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
