News of Monday, 16th November 2026
પિતાની સંપત્તિ હડપ કરવા માટે કોન્ટ્રાક્ટ કિલર ભાડે રાખીને નિર્દયી હત્યા કરનાર કુપુત્ર સહિત ત્રણ દોષિતોને આજીવન કેદ
પરિવારે જ આપેલી જુબાની અને પોલીસ તપાસના આધારે મુરાદાબાદ કોર્ટે હાર્ડવેર વેપારીની હત્યા કેસમાં મોટો ચુકાદો આપતા ત્રણેય આરોપીઓને આજીવન જેલની સજા ફટકારી છે.

મુરાદાબાદ : ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં મિલકત મેળવવાની લાલચમાં પોતાના જ પિતાની સોપારી આપીને હત્યા કરનાર કળયુગી પુત્ર અને તેના બે સાથીદારોને કોર્ટે કસૂરવાર ઠેરવતા આજીવન કેદની સજા ફટકારી છે અને આ સનસનાટીભર્યા કેસમાં પરિવારના સભ્યોની જ સાક્ષી નિર્ણાયક સાબિત થઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કટઘર વિસ્તારમાં હાર્ડવેરની દુકાન ચલાવતા નૂર હસન નામના વેપારીની ગત 13 મે, 2026 ના રોજ રાત્રે દુકાનમાં બેઠા હતા ત્યારે કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જે મામલે શરૂઆતમાં લૂંટના ઇરાદાથી હત્યા થયાની ખોટી ફરિયાદ મૃતકના પુત્ર મુહમ્મદ હસન દ્વારા જ પોલીસ મથકે નોંધાવવામાં આવી હતી.
પોલીસ તપાસ દરમિયાન જ્યારે ઊંડાણપૂર્વક છાનબીન કરવામાં આવી ત્યારે સમગ્ર મામલો લૂંટનો નહીં પરંતુ એક પૂર્વ આયોજિત કાવતરાનો હોવાનું બહાર આવ્યું હતું, જેમાં પુત્ર મુહમ્મદ હસને જ પોતાના પિતાની સંપત્તિ હડપ કરવા માટે દુકાનમાં જ કામ કરનાર છત્રપાલ સાથે મળીને એક લાખ રૂપિયામાં હત્યાનો સોદો કર્યો હોવાનું ખુલ્યું હતું.
આ ઘાતકી કાવતરાને અંજામ આપવા માટે છત્રપાલે સુમિત અને અન્ય એક સગીર શખ્સને ભાડે રાખ્યા હતા, જેમણે દુકાન પર જઈને નૂર હસન પર ઘાતક હુમલો કરી ગોળી મારી દીધી હતી, ત્યારબાદ પોલીસે સઘન તપાસના અંતે તમામ આરોપીઓની ધરપકડ કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
આ હાઇ-પ્રોફાઇલ ટ્રાયલ દરમિયાન કેસમાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે મૃતક નૂર હસનની પત્ની, પુત્ર અને પુત્રી સહિતના પરિવારજનોએ અદાલતમાં આરોપી પુત્ર વિરુદ્ધ મજબૂત જુબાની આપીને સાબિત કર્યું કે આ હત્યા પાછળ તેનો જ મુખ્ય હાથ હતો અને તેણે જ આખું ષડયંત્ર રચ્યું હતું.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ એડિશનલ સેશન્સ જજની કોર્ટે ઉપલબ્ધ પુરાવાઓ અને પરિવારની સાક્ષીને આધારે મુહમ્મદ હસન, સુમિત અને છત્રપાલને દોષિત જાહેર કર્યા હતા, તેમજ દરેક પર દસ હજાર રૂપિયાનો દંડ ફટકારીને આજીવન કેદની સજાનો કડક આદેશ આપ્યો હતો.
(8:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
