<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં ચોરીના આરોપીને પકડવા ગયેલી ખાખી વર્ધીની ઘાતકી નિર્દયતા: પતિની ધરપકડ રોકવા કરગરતી સગર્ભા મહિલાને પેટમાં લાત મારતાં મોત નીપજ્યું, નવજાત બાળકની હાલત પણ અત્યંત નાજુક

​પોલીસની બરબરતા સામે સમગ્ર ગામમાં ભારે આક્રોશ અને ગ્રામજનો દ્વારા પોલીસ સ્ટેશને હોબાળો: ઉચ્ચ અધિકારીઓએ બે સબ ઈન્સ્પેક્ટર સહિત ૬ પોલીસ કર્મચારીઓને તત્કાલ અસરથી સસ્પેન્ડ કરી સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા

ફિરોઝાબાદ: ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના શિખોહાબાદ પોલીસ સ્ટેશન હેઠળના લભૌઆ ગામમાં ખાખી વર્ધીની શરમનાક અને ઘાતકી માનસિકતાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચોરીની એક ઘટનાની તપાસ અને પૂછપરછના નામે અડધી રાત્રે દરોડો પાડવા પહોંચેલી પોલીસ ટુકડીએ એક નિર્દોષ પરિવાર પર અત્યાચાર ગુજાર્યો હતો. ચોરીના શંકાસ્પદ આરોપી એવા પોતાના પતિ ગૌરવને અટકાયતમાં લેવાથી બચાવવા માટે કરગરી રહેલી તેની ૨૮ વર્ષીય સગર્ભા પત્ની અંજલિને એક પોલીસ અધિકારીએ પેટના ભાગે જોરથી લાત મારી ઢાળી દીધી હતી. આ કરુણ અને નિર્દય ઘટના બાદ મહિલાની તબિયત ગંભીર રીતે લથડી હતી, અને હોસ્પિટલમાં બાળકના જન્મ બાદ ટૂંક સમયમાં જ તેનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે નવજાત બાળકની સ્થિતિ પણ અત્યંત ચિંતાજનક હોવાનું જાણવા મળ્યું છે.

​મળતી વિગતો અનુસાર, લભૌઆ ગામમાં કરિયાણાની દુકાનમાં થયેલી ચોરીના સંદર્ભમાં સબ ઈન્સ્પેક્ટર ધર્મપાલ સિંહના નેતૃત્વમાં પોલીસ કાફલો રવિવારે મોડી રાત્રે આશરે ૧૧:૪૫ વાગ્યે ગૌરવ નામના યુવકના ઘરે પહોંચ્યો હતો. એફઆઈઆરમાં નામ ન હોવા છતાં પોલીસ ગૌરવને પકડીને લઈ જઈ રહી હતી. તે સમયે તેની ૮.૫ મહિનાની સગર્ભા પત્ની અંજલિએ પતિની ગંભીર સ્થિતિ અને પોતાની હાલત ટાંકીને પોલીસ સમક્ષ તેને ન લઈ જવા માટે કાલાવાલા કર્યા હતા. પરિવારનો આક્ષેપ છે કે આ દરમિયાન ઉશ્કેરાયેલા પોલીસ કર્મચારીએ અંજલિના પેટ પર લાત મારી ધક્કો માર્યો હતો, જેના કારણે તે જમીન પર પટકાઈ ગઈ હતી.

​મહિલા જમીન પર તરફડિયાં મારી રહી હોવા છતાં નિર્દય બનેલી પોલીસ ટીમ ગૌરવને અટકાયતમાં લઈને પોલીસ સ્ટેશને જતી રહી હતી. બાદમાં પરિવારે ગંભીર રીતે રક્તસ્રાવથી પીડાતી અંજલિને તાત્કાલિક શિખોહાબાદની સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં તેણે એક પુત્રને જન્મ આપ્યો હતો. જોકે, મહિલાની સ્થિતિ વધુ નાજુક બનતાં તેને ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. બીજી તરફ નવજાત બાળકની હાલત પણ અત્યંત ગંભીર હોય તેને વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

​મહિલાના મોતના સમાચાર મળતાં જ પોલીસે ઉતાવળમાં પતિ ગૌરવને કસ્ટડીમાંથી મુક્ત કરી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ રોષે ભરાયેલા ગ્રામજનોએ ટ્રેક્ટર-ટ્રોલીઓ સાથે શિખોહાબાદ પોલીસ સ્ટેશન ઘેરી લીધું હતું અને પોલીસ વિરોધી ભારે સૂત્રોચ્ચાર કરીને હોબાળો મચાવ્યો હતો. પરિસ્થિતિ વણસતી જોઈને ગ્રામીણ એસપી અનુજ ચૌધરી અને એડીશનલ એસપી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રોષે ભરાયેલા લોકોને શાંત પાડ્યા હતા.

​ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ફિરોઝાબાદના સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (SSP) આદિત્ય લાંગેએ તાત્કાલિક પગલાં ભરીને સબ ઈન્સ્પેક્ટર ધર્મપાલ સિંહ, સબ ઈન્સ્પેક્ટર સત્યપાલ સિંહ, હેડ કોન્સ્ટેબલ મોહન સિંહ, હેડ કોન્સ્ટેબલ અરવિંદ કુમાર તેમજ કોન્સ્ટેબલ ભવતોષ કુમાર અને કુલદીપ કુમાર સહિત કુલ ૬ પોલીસ કર્મચારીઓને સેવામાંથી સસ્પેન્ડ કરી દીધા છે. એસએસપીએ આ મામલે એસપી (ગામીણ) અને એએસપી જયબિંદ ગુપ્તાને સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ સોંપી કડક કાનૂની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. મૃતક મહિલાના શબપરીક્ષણ બાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

(5:00 PM IST)