News of Saturday, 9th May 2026
ભાઈની બેની લાડકીઃ બે ભાઈઓએ મળી એકની એક બહેનને ૫૦ લાખનું ઘર ગિફટમાં આપ્યું
જેને જોઈ બહેન ખુદને રોકી શકી નહીં અને પોક મૂકીને રડવા લાગી

લુધિયાણા,તા.૯: ભાઈ-બહેનના અતૂટ પ્રેમની એક ભાવુક ઘટના પંજાબના લુધિયાણામાંથી સામે આવી છે. જ્યાં બે ભાઈઓએ પોતાની એકની એક બહેનને ૧૭૫ ગજનું ઘર ગિફટ આપ્યું છે. લગભગ ૫૦ લાખ રૂપિયાની કિમતના આ ઘરની સરપ્રાઈઝ બહેનને આપી છે. જેને જોઈ તે ખુદને રોકી શકી નહીં અને પોક મૂકીને રડવા લાગી હતી.
જાણકારી અનુસાર, અમર દેવગન અને દેવ દેવગને પોતાની બહેન મનપ્રીત કૌર બિરદી માટે આ ખાસ ગિફટ લાંબા સમયથી પ્લાન કરી હતી. બંને ભાઈઓ ઢોલ-નગારા સાથે પરિવાર અને સંબંધોની વચ્ચે બહેનને ઘર સુધી લઈ આવ્યા અને જ્યારે ઘરની બહાર લાગેલી નેમ પ્લેટથી કાગળ હટાવ્યા અને તેના પર મનપ્રીતનું નામ જોયું, આ ક્ષણ બધા માટે ખૂબ જ ભાવુક હતી.
મનપ્રીત પરણેલી છે અને તેના પતિ હોમ લોન વિભાગમાં મેનેજર છે. જો કે તેમની પાસે પહેલાથી બે પ્રોપર્ટી છે, પણ ભાઈઓનું કહેવું છે કે તેઓ ઈચ્છતા હતા કે બહેનને પિયર તરફથી એક ખાસ યાદગાર ગિફટ આપવામાં આવે. પહેલા પણ આપી હતી મોંઘી ગિફટ
દેવે જણાવ્યું કે આ અગાઉ પણ રક્ષાબંધન પર તેમણે બહેનને એક્ટિવા અને ૧૯ મેના રોજ તેમની મેરેજ એનિવર્સરી પર બ્રેઝા કાર ગિફટમાં આપી હતી. ઘર આપવાનો પ્લાન છેલ્લા પાંચ વર્ષથી બનાવી રહ્યા હતા, જે હવે પૂરો થયો હતો.
પરિવારમાં બે ભાઈ, એક બહેન અને મા છે. વર્ષ ૨૦૦૭માં પિતાના નિધન બાદ બંને ભાઈઓએ એવો સંકલ્પ લીધો હતો કે તે બહેનને ક્યારેય પિયરની કમી મહેસૂસ થવા દેશે નહીં. આ જ ભાવનાના કારણે તેમણે આ મોટું પગલું ઉઠાવ્યું છે.
આ સરપ્રાઈઝ ખૂબ જ ખાસ રીતે પ્લાન કરી હતી. ૫ મેના રોજ દેવની મેરેજ એનિવર્સરીના દિવસે ઘરમાં પાઠ રાખ્યો હતો. ત્યાર બાદ ગિફટ આપવાના બહાને બહેનને સાથે લઈ કોટ મંગલ સિહ વિસ્તારના આવેલા ઘરે લઈને આવ્યા. જ્યાં અસલી સરપ્રાઈઝ તેમની રાહ જોઈ રહી હતી.
અમર અને દેવ દેવગન લુધિયાણાના રહેવાસી ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર અને કલાકાર છે. બંને પંજાબી વેબ સિરીઝ અને પારિવારિક વિષયો પર આધારિત કન્ટેન્ટ બનાવે છે. અમર સામાજિક મુદ્દા અને ગ્રામીણ જીવન પર આધારિત શોર્ટ ફિલ્મો બનાવી ચૂક્યો છે, જ્યારે દેવ ૨૦૧૬માં ટીવી રિયલિટી શો બિગ બોસ સીઝન ૧૦માં કોમનર કન્ટેસ્ટન્ટ તરીકે ભાગ લઈ ચૂક્યો છે. આ આખા ઘટનાક્રમે ફરી એક વાર સાબિત કરી દીધું છે કે સાચા સંબંધોની કિમત કોઈ પણ સંપત્તિથી ક્યાંય વધારે છે
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
