<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

મુશ્કેલ સમયમાં મારી પડખે ઊભા રહેનારા ભાઈ મીકા સિંહ, પત્ની તરન, સંતાનો અને સંગીતજગતના કલાકારો સહિત તમામનો હું આભારી છું': ઉત્તરાખંડના મંત્રી સાથેના વિવાદ બાદ પ્રખ્યાત ગાયક દલેર મહેંદીનું મૌન તૂટ્યું, દિવાળીના દિવસે ભાવુક સંદેશ આપ્યો

કેબિનેટ પ્રધાન સુબોધ ઉનિયાલે દલેર મહેંદી ઉપર દારૂના નશામાં કાર્યક્રમ રજૂ કરવાનો તથા જીવંત ગાવાને બદલે અગાઉ રેકોર્ડ કરાયેલા ગીત સાથે માત્ર હોઠ હલાવવાનો આરોપ મૂક્યો હતો. જેના પગલે જબરો વિવાદ સર્જાયો'તો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો : કાર્યક્રમ દરમિયાન મંત્રી સુબોધ ઉનિયાલે નશામાં ગાવાનો આરોપ મૂકતાં વિવાદ સર્જાયો હતો : દલેરને મળેલા દેશવ્યાપી સમર્થનથી ભાવુક બન્યા

મુંબઈ : પંજાબી સંગીતજગતના લોકપ્રિય ગાયક દલેર મહેંદીએ ઉત્તરાખંડ સરકારના કેબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલ સાથે થયેલા વિવાદ બાદ આખરે મૌન તોડ્યું છે. દિવાળીના પવિત્ર દિવસે સોશિયલ મીડિયા ઉપર એક ભાવનાત્મક સંદેશ મૂકીને તેમણે મુશ્કેલ સમયમાં પોતાની પડખે ઊભા રહેનારા પરિવારજનો, મિત્રો, સંગીતકારો અને પ્રશંસકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

ઉત્તરાખંડના ટિહરી ગઢવાલ જિલ્લામાં આવેલા નરેન્દ્રનગર ખાતે મા કુંજાપુરી પ્રવાસન અને વિકાસ મેળામાં દલેર મહેંદીનો સંગીત કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન કેબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલ મંચ ઉપર પહોંચી ગયા હતા અને તેમણે ગાયકની રજૂઆત સામે વાંધો ઉઠાવ્યો હતો.

મંત્રીએ દલેર મહેંદી ઉપર દારૂના નશામાં કાર્યક્રમ રજૂ કરવાનો તથા જીવંત ગાવાને બદલે અગાઉ રેકોર્ડ કરાયેલા ગીત સાથે માત્ર હોઠ હલાવવાનો આરોપ મૂક્યો હતો. આ આરોપો જાહેરમાં થતાં વિવાદ સર્જાયો હતો.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં સંગીત અને મનોરંજન જગતના અનેક કલાકારો દલેર મહેંદીના સમર્થનમાં આગળ આવ્યા હતા.

ખાસ કરીને તેમના નાના ભાઈ અને જાણીતા ગાયક મીકા સિંહે મંત્રીના વર્તન સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. અન્ય કલાકારોએ પણ કલાકારોની જાહેરમાં પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડતા નિવેદનો સામે વાંધો ઉઠાવ્યો હતો.

દલેર મહેંદીએ પોતાના દિવાળી સંદેશમાં જણાવ્યું હતું કે વર્ષોથી સંગીત અને કાર્યક્રમો દ્વારા તેમને લોકોનો ઘણો પ્રેમ મળ્યો છે, પરંતુ તાજેતરના મુશ્કેલ સમયમાં લોકો તરફથી જે લાગણી અને સમર્થન મળ્યાં છે તે તેમના માટે શબ્દોમાં વ્યક્ત કરવાં મુશ્કેલ છે.

તેમણે પોતાના ભાઈ મીકા સિંહની ખાસ પ્રશંસા કરતાં જણાવ્યું કે મુશ્કેલ સમયમાં મીકા અત્યંત મજબૂતીથી તેમની પડખે ઊભા રહ્યા હતા.

તેમણે પત્ની તરન, ગુરદીપ તથા સંતાનો રબાબ, અજિત અને પ્રભજોતના પ્રેમ અને સહકારનો પણ ઉલ્લેખ કર્યો હતો.

દલેર મહેંદીએ જણાવ્યું કે પરિવારનો અર્થ માત્ર લોહીના સંબંધો પૂરતો સીમિત નથી. મુશ્કેલ સમયમાં આપણી પડખે ઊભા રહેનારા લોકો પણ પરિવારનો જ એક ભાગ છે.

તેમણે 'એક ઓંકાર'નો ઉલ્લેખ કરતાં પ્રેમ, એકતા અને પરસ્પર સન્માનનો સંદેશ આપ્યો હતો. કલાકારોના જીવનમાં ઘણી વાર તેમના યોગદાનની સાચી કદર મૃત્યુ પછી કરવામાં આવે છે, પરંતુ પોતે જીવતાં જ આટલો પ્રેમ અને સન્માન અનુભવી શક્યા તે બદલ તેમણે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

ઉત્તરાખંડના મંત્રી સુબોધ ઉનિયાલે માફી માગી હોવાનો દાવો અગાઉ મીકા સિંહે કર્યો હતો, જોકે ત્યારબાદ મંત્રીએ એવો દાવો નકાર્યો હોવાના પણ અહેવાલો છે. આથી બંને વચ્ચે વિવાદનો સત્તાવાર અંત આવ્યો હોવાનું કહી શકાય નહીં.

દલેર મહેંદીનો તાજેતરનો સંદેશ કોઈ વ્યક્તિ સામે પ્રહાર કરવા કરતાં પોતાના સમર્થકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા ઉપર કેન્દ્રિત રહ્યો છે.

દિવાળીના દીવડાઓથી ઘરોમાં પ્રકાશ ફેલાશે, પરંતુ લોકોના પ્રેમથી પોતાના હૃદયમાં પ્રગટેલો પ્રકાશ સૌથી વિશેષ હોવાનું જણાવતાં દલેર મહેંદીએ સંદેશ પૂર્ણ કર્યો હતો. 

(11:20 AM IST)