<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

બ્રિટિશ નૌકાદળ લાચાર: ઇતિહાસમાં પહેલીવાર એક પણ પરમાણુ સબમરીન દરિયામાં નથી : રશિયા માટે મેદાન મોકળું

વૈશ્વિક સમુદ્રો પર ક્યારેય રાજ કરનારી રોયલ નેવીની તમામ પાંચ એટેક સબમરીન સમારકામ અને ટેકનિકલ ખામીઓને કારણે બંદર પર લંગરાઈ: એટલાન્ટિકના અંડરવોટર ઇન્ટરનેટ કેબલ્સ અને સંરક્ષણ પ્રણાલી પર મોટું જોખમ

લંડન: વિશ્વના સમુદ્રો પર સદીઓ સુધી એકચક્રી શાસન કરનાર બ્રિટનની રોયલ નેવી\ હાલમાં તેના ઈતિહાસના સૌથી ગંભીર લશ્કરી સંકટમાંથી પસાર થઈ રહી છે. બ્રિટન પાસે પાંચ અત્યાધુનિક 'એસ્ટ્યુટ-ક્લાસ' ન્યુક્લિયર એટેક સબમરીન હોવા છતાં, વર્તમાનમાં દેશની સુરક્ષા કાજે દરિયામાં પેટ્રોલિંગ કરવા માટે એક પણ સબમરીન ઉપલબ્ધ નથી. સંરક્ષણ ક્ષેત્રની પ્રતિષ્ઠિત વેબસાઇટ 'નેવી લુકઆઉટ' દ્વારા આ સ્થિતિને રાષ્ટ્રીય સુરક્ષા માટે એક મોટી "આપત્તિ" ગણાવવામાં આવી છે. આ પાંચેય ઘાતક સબમરીન કાં તો ડ્રાય ડોકમાં સમારકામ હેઠળ છે અથવા વિવિધ ટેકનિકલ ખામીઓને કારણે બંદર પર જ ઊભી છે. આ સબમરીન સીધો પરમાણુ હુમલો નથી કરતી, પરંતુ દુશ્મનની હિલચાલ પર નજર રાખવા, પાણીની અંદર ગુપ્ત માહિતી એકત્રિત કરવા અને જરૂર પડ્યે જમીન પર ટોમાહોક ક્રુઝ મિસાઇલો છોડવા માટે બ્રિટનનું સૌથી મોટું હથિયાર છે, જે હાલમાં સંપૂર્ણપણે નિષ્ક્રિય છે.

લશ્કરી નિષ્ણાતોના મતે, બ્રિટનની આ નબળાઈનો સીધો ફાયદો રશિયા ઉઠાવી શકે છે. ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં આર્કટિક ક્ષેત્રમાંથી રશિયન સબમરીનોને આગળ વધતી અટકાવવા માટે ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ અને યુકે વચ્ચેનો 'GIUK ગેપ' (GIUK gap) એક અત્યંત વ્યૂહાત્મક માર્ગ છે, જ્યાં બ્રિટિશ સબમરીનો સતત ચોકીદારી કરતી હતી. હવે ત્યાં બ્રિટનની ગેરહાજરીને કારણે રશિયા માટે એટલાન્ટિકમાં ઘૂસણખોરી કરવાનો રસ્તો સાવ સરળ બની ગયો છે. આ ઉપરાંત, પશ્ચિમી દેશો માટે સૌથી મોટી ચિંતા એ છે કે અમેરિકા અને યુરોપ વચ્ચેનો મોટાભાગનો ડિજિટલ ડેટા ટ્રાફિક એટલાન્ટિક મહાસાગરના તળિયે આવેલા અંડરવોટર ઇન્ટરનેટ કેબલ્સ દ્વારા ચાલે છે. રશિયા ભૂતકાળમાં પણ આ કેબલ્સની આસપાસ શંકાસ્પદ પ્રવૃત્તિઓ કરતું ઝડપાયું છે, તેથી બ્રિટિશ નૌકાદળની આ લાચારી વૈશ્વિક સંદેશાવ્યવહાર પર મોટો ખતરો ઊભો કરે છે.

આ સબમરીન કટોકટીના કારણે બ્રિટનની લાંબા અંતરની હુમલો કરવાની ક્ષમતા નબળી પડી છે, કારણ કે તેની વિનાશક ટોમાહોક મિસાઇલો માત્ર આ સબમરીન દ્વારા જ લોન્ચ થઈ શકે છે. આટલું જ નહીં, બ્રિટિશ સરકારે જે એરક્રાફ્ટ કેરિયર્સ (યુદ્ધ જહાજો) પાછળ અબજો ડોલરનો ધુમાડો કર્યો છે, તે પણ પાણીની અંદર એટેક સબમરીનની સુરક્ષા કવચ વિના દુશ્મન માટે આસાન શિકાર બની શકે છે. આ ગંભીર પરિસ્થિતિ કોઈ એક રાતમાં ઊભી નથી થઈ, પરંતુ ૧૯૯૧માં શીત યુદ્ધના અંત પછી પશ્ચિમી દેશોએ રશિયાને હળવાશથી લીધું અને સંરક્ષણ બજેટમાં સતત કાપ મૂક્યો, જે 'પીસ ડિવિડન્ડ'  ના નામે ઓળખાયું. છેલ્લા ૩૦ વર્ષની આ ઘોર બેદરકારી, નબળી જાળવણી અને પ્રોડક્શનમાં થયેલા વિલંબનું જ પરિણામ છે કે આજે નાટો  ના સૌથી શક્તિશાળી દેશોમાંનો એક એવો બ્રિટન સમુદ્રમાં સંપૂર્ણપણે લાચાર દેખાઈ રહ્યું છે.

(4:29 PM IST)