<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

બ્રિટન ‘સ્‍મોક-ફ્રી' બનશેઃ નવી પેઢી માટે સિગારેટની ખરીદી પર આજીવન પ્રતિબંધ

કેન્‍સર અને હૃદયરોગ ઘટાડવા બ્રિટિશ સંસદમાં તમાકુ વિરોધી ઐતિહાસિક બિલ પસાર

લંડન તા.૨૩: બ્રિટનમાં ધૂમ્રપાનના દૂષણને જડમૂળથી ઉખેડી નાખવા માટે સરકાર દ્વારા અત્‍યંત કડક નિર્ણય લેવામાં આવ્‍યો છે. નવી પેઢી માટે સિગારેટની ખરીદી પર કાયમી પ્રતિબંધ મૂકવાની તૈયારીના ભાગરૂપે બ્રિટિશ સંસદમાં ‘ટોબેકો એન્‍ડ વેપ્‍સ બિલ' પસાર કરવામાં આવ્‍યું છે. આ કાયદા હેઠળ વર્ષ ૨૦૦૮ પછી જન્‍મેલા લોકો આજીવન તમાકુની બનાવટો ખરીદી શકશે નહીં.

બ્રિટિશ સરકારના આંકડા મુજબ, દેશમાં દર વર્ષે ૭૬,૦૦૦થી વધુ લોકો કેન્‍સર, હૃદયરોગ અને ફેફસાની બીમારી જેવી ધૂમ્રપાન જન્‍ય સમસ્‍યાઓના કારણે મૃત્‍યુ પામે છે. આ ગંભીર જોખમને ધ્‍યાને રાખીને જ સરકારે આ આકરો નિર્ણય લીધો છે. સંસદમાંથી પસાર થયેલા આ બિલ પર હવે માત્ર કિગ ચાર્લ્‍સ ત્રીજાની ઔપચારિક મંજૂરી બાકી છે, ત્‍યારબાદ તે સમગ્ર ઇંગ્‍લેન્‍ડ, સ્‍કોટલેન્‍ડ, વેલ્‍સ અને ઉત્તરી આયર્લેન્‍ડમાં કાયદા તરીકે અમલી બનશે. ૧ જાન્‍યુઆરી, ૨૦૨૭થી અમલમાં આવનારા આ નવા નિયમ મુજબ, તમાકુ ખરીદવાની લઘુત્તમ વયમર્યાદા દર વર્ષે એક-એક વર્ષ વધતી જશે. દાખલા તરીકે, જો ૨૦૨૭માં વયમર્યાદા ૧૮ વર્ષ હશે, તો ૨૦૨૮માં ૧૯ વર્ષ અને ૨૦૨૯માં ૨૦ વર્ષ થશે. આનો અર્થ એ થયો કે ૨૦૦૯ કે ત્‍યારબાદ જન્‍મેલા નાગરિકો કાયદેસર રીતે ક્‍યારેય સિગારેટ ખરીદવા માટે પાત્ર ઠરશે નહીં. દુકાનદારો માટે ગ્રાહકની ઉંમર તપાસવી ફરજિયાત રહેશે અને કાયદાનો ભંગ કરનાર વેપારી પર ભારે દંડ વસૂલવામાં આવશે.

નવા કાયદામાં ઈ-સિગારેટ (વેપિગ) પર પણ નિયંત્રણો મૂકવામાં આવ્‍યા છે. શાળાઓ, હોસ્‍પિટલો અને બાળકોના રમતના મેદાન જેવા સ્‍થળોએ સ્‍મોકિગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જો કોઈ વ્‍યક્‍તિ ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળક સાથે કારમાં વેપિગ કરતા પકડાશે, તો તે પણ ગુનો ગણાશે. આ ઉપરાંત, તમાકુના વેચાણકર્તાઓ માટે રજીસ્‍ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્‍યું છે અને તેના પ્રચાર-પ્રસાર પર સખત રોક લગાવાઈ છે. બ્રિટનના હેલ્‍થ સેક્રેટરી વેસ સ્‍ટ્રીટિગે જણાવ્‍યું હતું કે, આ કાયદા દ્વારા દેશની પ્રથમ ‘સ્‍મોક-ફ્રી' પેઢી તૈયાર થશે, જે વ્‍યસન અને તેનાથી થતા નુકસાનથી મુક્‍ત રહેશે. સરકારનું કહેવું છે કે આનાથી ધૂમ્રપાનને કારણે થતી બીમારીઓ તથા મૃત્‍યુના દરમાં ઘટાડો થશે. જોકે, કેટલાક લોકો અને વેપારીઓ આ નિયમને અત્‍યંત કડક ગણાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે પ્રતિબંધને બદલે લોકોને જાગૃત કરવા વધુ જરૂરી છે.

(10:32 AM IST)