તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th October 2026
બ્રિટન, અમેરિકા અને યુરોપના દેશોમાં યુદ્ધ અને આપત્તિના ખતરા વચ્ચે ખળભળાટ : નાગરિકોને ૭૨ કલાકની કટોકટી માટે અત્યારથી જ ભોજન-પાણી અને જરુરી ચીજવસ્તુઓનો જથ્થો સંગ્રહવા સરકારની ગંભીર ચેતવણી
રશિયા સાથેના તણાવ, સાયબર હુમલા અને તોળાઈ રહેલા મહાવિનાશના જોખમને પગલે સરકારી તંત્ર એલર્ટ : યુદ્ધ કે આફતના પ્રથમ કટોકટીના કલાકોમાં પોતાની મેળે રક્ષણ મેળવવા અપીલ

લંડન : સમગ્ર વિશ્વ પર એક અદ્રશ્ય અને ભીષણ ખતરો તોળાઈ રહ્યો છે, જેને લઈને બ્રિટન, અમેરિકા, જાપાન અને યુરોપના અનેક દેશોની સરકારે પોતાના નાગરિકો માટે અત્યંત ગંભીર ચેતવણી જારી કરી છે. સરકારી એજન્સીઓ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ મોટી કટોકટી, કુદરતી આપત્તિ અથવા યુદ્ધ જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગામી ૭૨ કલાક ચાલે તેટલો જરૂરી જીવન જરૂરિયાતનો સામાન, અનાજ અને પાણીનો જથ્થો ઘરમાં અગાઉથી જ સુરક્ષિત રાખી લે.
વર્તમાન સમયમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું વિનાશક યુદ્ધ, ડિજિટલ પ્લેટફોર્મ અને પાવર ગ્રીડ પર સતત વધી રહેલા સાયબર હુમલાના ખતરા તેમજ ગંભીર તોડફોડ (સેબોટેજ) ની આશંકાઓને કારણે આ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. જોકે, પ્રશાસને સ્પષ્ટતા કરી છે કે આ તૈયારીનો અર્થ ત્રીજું વિશ્વ યુદ્ધ (World War III) નિશ્ચિત છે એવું નથી, પરંતુ અણધારી આફતો સામે રક્ષણ મેળવવા માટે સાવચેતી રાખવી અનિવાર્ય બની ગઈ છે.
વિવિધ દેશોમાં યુદ્ધ અને કટોકટી સામે સઘન તૈયારીઓ:
બ્રિટન: બ્રિટિશ સરકારે તાજેતરમાં જ પોતાની 'બી રેડી' (Be Ready) ઝુંબેશને પુનઃ શરૂ કરી છે. નાગરિકોને પીવાનું પાણી, બિન-નાશ પામે તેવો ખોરાક (non-perishable food), ટોર્ચ, વધારાની બેટરીઓ, ફર્સ્ટ-એઇડ કિટ, રોકડ રકમ, પાવર બેંક અને રેડિયો ઘરમાં રાખવાની કડક સૂચના અપાઈ છે. દેશની રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિમાં રશિયાની આક્રમકતા અને શત્રુ દેશોની સાયબર ગતિવિધિઓને મોટો ખતરો ગણાવવામાં આવ્યો છે.
અમેરિકા અને પેન્ટાગન: અમેરિકામાં પેન્ટાગન દ્વારા 'ફોર્ટ્રેસ' (FORTRESS) નામના એક અત્યંત ખાનગી અને સઘન પ્લાન પર કામ ચાલી રહ્યું છે, જેના હેઠળ મુખ્ય સૈન્ય મથકો બહારની મદદ વિના ૯૦ દિવસ સુધી અવિરત કામ કરી શકે તેવી વ્યવસ્થાઓ ઊભી કરાઈ રહી છે.
જાપાન અને યુરોપિયન યુનિયન: ભૂકંપ અને કુદરતી આપત્તિઓનો સતત સામનો કરતા જાપાન દ્વારા ૨ નવેમ્બરથી નવી આપત્તિ વ્યવસ્થાપન એજન્સી શરૂ કરવામાં આવી રહી છે, જે નાગરિકોને ઓછામાં ઓછા ૭૨ કલાકથી લઈને એક અઠવાડિયા સુધીની આપાતકાલીન સામગ્રી તૈયાર રાખવા પ્રેરિત કરશે. યુરોપિયન યુનિયનની 'પ્રિપેર્ડનેસ યુનિયન સ્ટ્રેટેજી' હેઠળ પણ નાગરિકોને કટોકટીના સમયમાં ઓછામાં ઓછા ૩ દિવસ સુધી જાતે જ પરિસ્થિતિ સંભાળી લેવા સક્ષમ બનવા આદેશ કરાયો છે.
નાગરિકોએ જાતે જ કેમ સાવચેત રહેવું પડશે?
સુરક્ષા નિષ્ણાતોના મતે, કોઈપણ ગંભીર કટોકટી કે સાયબર હુમલાના પ્રારંભિક કલાકોમાં સરકારી તંત્ર અને આપાતકાલીન સેવાઓ (જેમ કે રેસ્ક્યુ ટીમ અને હોસ્પિટલો) પૂરગ્રસ્ત કે પ્રભાવિત વિસ્તારો સુધી તાત્કાલિક પહોંચી શકવા અસમર્થ બની શકે છે. ભારે પાવર કટોકટી કે સિસ્ટમ ફેલ થવાના સંજોગોમાં શરૂઆતના ત્રણ દિવસ નાગરિકોએ પોતાના જ બળે જીવવું પડે તેવી ભયાનક પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ જ કારણ છે કે સરકારો હવે નાગરિકોને આત્મનિર્ભર બનવા અને કટોકટીનો સામનો કરવા માટે યુદ્ધના ધોરણે તૈયાર રહેવા તાકીદ કરી રહી છે.
(5:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
