તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધના મંડાણ: ઈરાનને ઘૂંટણિયે લાવવા ટ્રમ્પના કમાન્ડરે ઘડી 2 અઠવાડિયાના વિનાશક બોમ્બમારાની ગુપ્ત યોજના!
'ટિટ-ફોર-ટેટ' હુમલા બંધ કરી ઈરાનની મિસાઈલ ક્ષમતા ધ્વસ્ત કરવાની અમેરિકી એડમિરલની ભલામણ: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આક્રમક મૂડમાં પરંતુ સૈન્ય જનરલોમાં મતભેદ

વોશિંગ્ટન, તા.30: પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલના એક સનસનાટીભર્યા અહેવાલ મુજબ, યુએસ સેન્ટ્રલ કમાન્ડર એડમિરલ બ્રેડ કૂપરે ઈરાનને સંપૂર્ણપણે શરણાગતિ સ્વીકારવા માટે મજબૂર કરવાના હેતુથી 10 થી 14 દિવસ સુધી સતત અને અપંગ કરી દે તેવા સઘન બોમ્બમારાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. એડમિરલ કૂપરનું માનવું છે કે અત્યાર સુધી કરવામાં આવેલા નાના-મોટા પ્રતિાક્રમણો ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ માર્ગોને ધમકી આપવાથી કે યુએસ લશ્કરી મથકો પર હુમલા કરતા રોકવામાં નિષ્ફળ રહ્યા છે.
આ પ્રસ્તાવ હેઠળ, અમેરિકી વાયુસેના અને નૌકાદળ 2 અઠવાડિયા સુધી ઈરાનના મિસાઈલ પોઈન્ટ્સ, લોન્ચર્સ અને સૈન્ય મથકો પર ભારે બોમ્બમારો કરશે જેથી ઈરાનની વળતો પ્રહાર કરવાની ક્ષમતા જ ખતમ થઈ જાય. જો કે, આ યોજનાને લઈને વોશિંગ્ટનના સંરક્ષણ ક્ષેત્રમાં તીવ્ર મતભેદો સામે આવ્યા છે. જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન જનરલ ડેન કેઈને આટલા મોટા આક્રમણ સામે સાવચેતી દર્શાવી છે. સૈન્ય નિષ્ણાતોનું કહેવું છે કે અગાઉના હુમલાઓમાં CIA અને ઇઝરાયલી ગુપ્તચરોએ સ્વીકાર્યું હતું કે ઈરાનની લગભગ 70 ટકા મિસાઈલો અને 75 ટકા મોબાઈલ લોન્ચર્સ અકબંધ રહ્યા હતા.
બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં ભારે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે પરંતુ તેઓ આ બંને વિકલ્પો વચ્ચે મધ્યમ માર્ગ પસંદ કરે તેવી શક્યતા છે. વરિષ્ઠ અમેરિકી અધિકારીઓના જણાવ્યા મુજબ, ટ્રમ્પ એક એવા સૈન્ય પ્રહારની યોજના બનાવી રહ્યા છે જે અગાઉના નાના હુમલાઓ કરતાં ઘણો મોટો અને વ્યાપક હશે, પરંતુ કદાચ એડમિરલ કૂપરના 14-દિવસના પૂર્ણ-સ્તરના અભિયાન જેટલો મોટો નહીં હોય.
ઈરાન સામેના આ આક્રમક વલણ વચ્ચે અમેરિકી સૈન્ય માટે મિસાઈલ ભંડારની અછત પણ એક મોટો પડકાર બની રહી છે. જો ટ્રમ્પ આ આક્રમક વ્યૂહરચનાને મંજૂરી આપે છે, તો મધ્ય પૂર્વમાં એક ભયાનક અને લાંબા ગાળાનું યુદ્ધ ફાટી નીકળવાની પૂરેપૂરી આશંકા છે, જેની સીધી અસર વૈશ્વિક તેલ પુરવઠા અને અર્થતંત્ર પર પડી શકે છે.
(5:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
