<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

પેટ્રોલ-ડીઝલને GST હેઠળ લાવવાથી પ્રતિ લીટર ₹22 સુધી સસ્તું થઈ શકે છે ઈંધણ, 28% ટેક્સ સ્લેબમાં પણ ગ્રાહકોને મળશે મોટી રાહત

હાલ 100 રૂપિયાના પેટ્રોલમાં 60 રૂપિયા ટેક્સ, બેઝ પ્રાઈસ માત્ર 40 રૂપિયા: કેન્દ્ર-રાજ્યોની 8 લાખ કરોડની આવક દાવ પર, GST કાઉન્સિલની મંજૂરી વિના નિર્ણય અશક્ય

નવી દિલ્હી, તા. 23 : દેશમાં પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવથી ત્રસ્ત સામાન્ય જનતા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આર્થિક નિષ્ણાતોની ગણતરી મુજબ જો પેટ્રોલ અને ડીઝલને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના દાયરામાં લાવવામાં આવે તો તેના ભાવમાં પ્રતિ લીટર 20 થી 22 રૂપિયા સુધીનો મોટો ઘટાડો થઈ શકે છે. હાલમાં પેટ્રોલ અને ડીઝલ GSTથી બહાર છે અને તેના પર કેન્દ્ર સરકાર એક્સાઈઝ ડ્યુટી જ્યારે રાજ્ય સરકારો વેટ વસૂલે છે. આજે દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલની સરેરાશ કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરની આસપાસ છે, પરંતુ આ 100 રૂપિયામાંથી પેટ્રોલનો વાસ્તવિક બેઝ પ્રાઈસ એટલે કે ક્રૂડ ઓઈલની કિંમત, રિફાઈનિંગ અને પરિવહન ખર્ચ મળીને માત્ર 38 થી 42 રૂપિયા જેટલો જ હોય છે. બાકીના 58 થી 62 રૂપિયા માત્ર ટેક્સ અને ડીલર કમિશનના હોય છે. કેન્દ્ર સરકાર હાલ પ્રતિ લીટર લગભગ 19.90 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી વસૂલે છે જ્યારે રાજ્ય સરકારો 15 રૂપિયાથી 35 રૂપિયા સુધીનો વેટ વસૂલે છે અને ડીલર કમિશન લગભગ 4 રૂપિયા હોય છે. આમ કુલ ટેક્સનો બોજ 60 થી 65 ટકા સુધી પહોંચી જાય છે. 

 

હવે જો પેટ્રોલને GSTના સૌથી ઊંચા 28 ટકાના સ્લેબમાં પણ મૂકવામાં આવે તો પણ ગ્રાહકોને મોટી રાહત મળે તેમ છે. ધારો કે બેઝ પ્રાઈસ 40 રૂપિયા છે તો તેના પર 28 ટકા GST લાગતા ટેક્સ 11.20 રૂપિયા થશે અને 4 રૂપિયા ડીલર કમિશન ઉમેરતા કુલ કિંમત 55.20 રૂપિયા થાય છે. પરિવહન અને અન્ય નાના ખર્ચ ઉમેરીએ તો પણ પેટ્રોલ 58 થી 60 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળી શકે છે એટલે કે હાલના ભાવ કરતા સીધો 40 રૂપિયાનો ઘટાડો થાય. એક્સાઈઝ ડ્યુટી અને વેટ હટાવી માત્ર GST લાગુ કરીએ તો પણ 20 થી 22 રૂપિયા પ્રતિ લીટરનો ફાયદો થાય. 

 

જોકે આ ગણતરી માત્ર સૈદ્ધાંતિક છે અને તેનો અમલ અત્યારે લગભગ અશક્ય છે કારણ કે પેટ્રોલ-ડીઝલ પર લાગતા ટેક્સથી કેન્દ્ર અને રાજ્યોને દર વર્ષે સંયુક્ત રીતે 7 થી 8 લાખ કરોડ રૂપિયાની આવક થાય છે જે ઘણા રાજ્યોના કુલ ટેક્સ રેવન્યુનો 30 થી 40 ટકા હિસ્સો છે. જો ઈંધણને GST હેઠળ લાવવામાં આવે તો આ આવકમાં ધરખમ ઘટાડો થશે. બંધારણ મુજબ પેટ્રોલ-ડીઝલને GSTના દાયરામાં લાવવા માટે GST કાઉન્સિલની 75 ટકા બહુમતીથી મંજૂરી જરૂરી છે જેમાં તમામ રાજ્યોના નાણામંત્રીઓ સામેલ હોય છે અને અત્યાર સુધી કોઈ રાજ્ય પોતાની આવકનો મોટો સ્ત્રોત જતો કરવા તૈયાર નથી. 

 

અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે પેટ્રોલ-ડીઝલને GST હેઠળ લાવવું એ મોંઘવારી ઘટાડવાનો સૌથી અસરકારક ઉપાય છે કારણ કે પરિવહન ખર્ચ ઘટતા શાકભાજી, અનાજ, દૂધ સહિતની તમામ ચીજવસ્તુઓના ભાવમાં આપોઆપ ઘટાડો થશે. પરંતુ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે આવકની વહેંચણીનો કોઈ નવો ફોર્મ્યુલા ન બને ત્યાં સુધી નજીકના ભવિષ્યમાં પેટ્રોલ-ડીઝલ GST હેઠળ આવે તેવી શક્યતા નહિવત છે.

(4:35 PM IST)