<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

મહિલા પહેલવાનોના યૌનશોષણ કેસમાં બ્રિજભુષણ નિર્દોષ જાહેર

જંતર-મંતરથી શરૂ થયેલા દેશવ્‍યાપી આંદોલનઃ ૧૫૦૦ પાનાની ચાર્જશીટ અને લાંબી કાનૂની લડાઈ બાદ દિલ્‍હીની રાઉઝ એવન્‍યુ કોર્ટનો ચુકાદો

નવી દિલ્‍હી, તા.૩: દેશના રમતગમતના ઇતિહાસમાં સૌથી વધુ વિવાદસ્‍પદ ગણાયેલા કેસોમાંના એક એવા મહિલા કુસ્‍તીબાજોના જાતીય સતામણી કેસમાં દિલ્‍હીની રાઉઝ એવન્‍યુ કોર્ટે આજે એક યુગપરિવર્તનકારી ચુકાદો આપ્‍યો છે. ભારતીય રેસલિંગ ફેડરેશનના પૂર્વ -મુખ બ્રિજભૂષણ શરણ સિંહ અને પૂર્વ સહાયક સચિવ વિનોદ તોમરને કોર્ટે તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા છે. એડિશનલ ચીફ જ્‍યુડિશિયલ મેજિસ્‍ટ્રેટ અશ્વિની પનવરની અદાલતમાં બંધ રૂમમાં ચાલેલી આ લાંબી કાનૂની લડાઈ બાદ બંને પક્ષોની ધારદાર આખરી દલીલો સંભળાઈ હતી. કોર્ટના આ મહત્ત્વના નિર્ણાયક પગલા સાથે જ છેલ્લા ત્રણ વર્ષથી દેશભરમાં ગાજેલા આ સંવેદનશીલ મુદ્દા પર વિરામ મુકાયો છે અને બ્રિજભૂષણ માટે કાનૂની રાહતનો મોટો માર્ગ મોકળો થયો છે.

આ કેસ ૨૦૨૩માં દિલ્‍હીના જંતર-મંતર પર દેશના દિગ્‍ગજ મહિલા કુસ્‍તીબાજો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનથી શરૂ થઈ હતી. દિલ્‍હી પોલીસે મહિલા ખેલાડીઓની ફરિયાદોના આધારે તપનિષ્ઠ તપાસ હાથ ધરી ૧,૫૦૦ પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી, જેમાં IPC ની કલમ ૩૫૪, ૩૫૪A, ૩૫૪D અને ૫૦૬(૧) હેઠળ ગુનાહિત બળપ્રયોગ અને ધમકીના આરોપો મુકાયા હતા. જોકે, ટ્રાયલ દરમિયાન સ્‍પેશિયલ ઇન્‍વેસ્‍ટિગેશન ટીમના અધિકારીઓના નિવેદનો અને ફરિયાદી પક્ષ દ્વારા કરવામાં આવેલી લેખિત તથા મૌખિક રજૂઆતોનું બારીકાઈથી મૂલ્‍યાંકન કર્યા બાદ અદાલતે પુરાવાના અભાવે અને તથ્‍યોના આધારે આરોપીઓને તમામ ગંભીર આરોપોમાંથી મુક્‍ત કરવાનો ચુકાદો સંભળાવ્‍યો હતો.

ચુકાદો જાહેર થતાં જ બ્રિજભૂષણ શરણ સિંહે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપતા ભાવુક થઈને જણાવ્‍યું કે, મેં કેસના પ્રથમ દિવસથી જ કહ્યું હતું કે જો મારા પરનો એક પણ આરોપ સાબિત થશે તો હું ફાંસી પર લટકી જવા તૈયાર છું. આજે સત્‍યનો વિજય થયો છે અને કોર્ટે મને સન્‍માનપૂર્વક દોષમુક્‍ત કર્યો છે. ચુકાદા બાદ દિલ્‍હીથી લઈને તેમના નિવાસસ્‍થાન સુધી સમર્થકોમાં ભારે ઉત્‍સાહનો માહોલ જોવા મળ્‍યો હતો. ફૂલોની પાંખડીઓનો વરસાદ, ઢોલ-નગારા અને ફટાકડાની ગૂંજ વચ્‍ચે તેમનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું, જેણે કાનૂની જીતની સાથે તેમની રાજકીય પુનરાગમનની શકયતાઓને પણ નવી દિશા આપી દીધી છે.

(3:03 PM IST)