<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

વર નહીં દુલ્‍હન ખુદ જાન લઈને પરણવા આવીઃ ૧૦૦ જાનૈયા લાવી

આ લગ્નમાં તો ઉલ્‍ટી ગંગા વહી

પ્રતાપગઢ તા.૨૫: ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્‍લામાંથી એક લગ્ન સામે આવ્‍યા છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થઈ રહેલા આ લગ્નમાં દુલ્‍હન ખુદ પોતે જાન લઈને વરરાજાના ઘરે પરણવા આવી હતી. આ આખો મામલો માનધાતા વિસ્‍તારના કૈલા ગામનો છે. ગત રવિવારે દુલ્‍હન લગભગ ૧૦૦ લોકો સાથે પોતાની જાન લઈને વરરાજાના ઘરે આવી અને પછી લગ્નની વિધિ પૂરી કરી હતી. કહેવાય છે કે માનધાતા વિસ્‍તારના કૈલાકલા ગામ રહેવાસી રામફળ પ્રજાપતિના દીકરા સર્વેશ પ્રજાપતિના લગ્ન મહેશગંજ વિસ્‍તારના ફતૂહાબાદ જગાપુરના રહેવાસી શિવપૂજન પ્રજાપતિની દીકરી ખુશી સાથે નક્કી થયા હતા.

પ્રાપ્ત જાણકારી અનુસાર, રામફળના ઘરે જાનની તૈયારી પહેલાથી ચાલી રહી હતી. દુલ્‍હન દ્વારા જાન જઈને આવવાની જાણકારી ગામના લોકોને હતી. વર પક્ષના લોકોએ જાનૈયા અને મહેમાનોનું સ્‍વાગત કર્યું હતું. આ સમયે ગામના લોકોને ખબર પડી કે વરરાજાની જગ્‍યાએ દુલ્‍હન ખુદ જાન લઈને પરણવા આવી છે. તમામ લોકો સચ્‍ચાઈ જાણવા માટે માંડવે પહોંચી ગયા. સત્‍ય હકીકત જાણીને ગામના લોકો પણ ચોંકી ગયા. વડીલો પણ કહેવા લાગ્‍યા કે તેમણે પોતાના જીવનમાં આવી રીતે દુલ્‍હન જાન લઈને આવી હોય તેવો પહેલો કિસ્‍સો જોયો છે.

દુલ્‍હનના પિતાએ કહ્યું કે, બંને પક્ષની મરજીથી દુલ્‍હન જાન લઈને આવી છે લોકોમાં ચર્ચા થઈ રહી છે કે દૂર રહેતી છોકરીના પરિવારો વરરાજાના ઘરની બાજુમાં હોલ રાખીને લગ્ન કરતા હોય છે, પણ બેન્‍ડ વાજા સાથે આ રીતે જાન નથી આવતી. આ બાબતે દુલ્‍હનના પિતા શિવપૂજને જણાવ્‍યું કે, બંને પક્ષની સહમતિથી લગ્ન થઈ રહ્યા છે. કંઈક અલગ કરવાના ઈરાદા સાથે બંને પક્ષની ખુશીથી છોકરી જાન લઈને આવી. હવે લગ્નનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ લગ્ન પ્રતાપગઢમાં પણ ચર્ચાનો વિષય બન્‍યો છે.

(10:15 AM IST)