News of Sunday, 13th September 2026
બ્રિક્સમાં એક તરફ જિનપિંગ અને બીજી તરફ પુતિન:ફેમિલી ફોટોમાં નરેન્દ્રભાઇ કેન્દ્ર સ્થાને
ભારતની મજબૂત કૂટનીતિના પરિણામે, જૂથના 11 દેશોએ અગાઉના મતભેદો બાજુ પર મૂકીને 'નવી દિલ્હી ઘોષણાપત્ર 2026' સર્વસંમતિથી અપનાવ્યું

નવી દિલ્હીઃ ભારતની યજમાની હેઠળ યોજાયેલી 18મી બ્રિક્સ શિખર સંમેલનમાં એક ઐતિહાસિક રાજદ્વારી સફળતા મળી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મધ્યસ્થતા અને ભારતની મજબૂત કૂટનીતિના પરિણામે, જૂથના 11 દેશોએ અગાઉના મતભેદો બાજુ પર મૂકીને 'નવી દિલ્હી ઘોષણાપત્ર 2026' સર્વસંમતિથી અપનાવ્યું છે. આ સંયુક્ત નિવેદનમાં મધ્ય પૂર્વમાં શાંતિની અપીલ સાથે આતંકવાદ સામે સખત વલણ અપનાવવામાં આવ્યું છે.
સમિટના બીજા દિવસે તમામ વૈશ્વિક નેતાઓની હાજરીમાં એક ભવ્ય 'ફેમિલી ફોટો' લેવામાં આવ્યો હતો. આ ખાસ ક્ષણે કેમેરામાં નરેન્દ્રભાઈ કેન્દ્રસ્થાને ઊભેલા જોવા મળ્યા હતા, જ્યારે તેમની આસપાસ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ઈરાન સહિતના અન્ય સભ્ય દેશોના નેતાઓ ઉપસ્થિત હતા.
નોંધનીય છે કે, 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા સૈન્ય હુમલા બાદ ઈરાન, સાઉદી અરેબિયા અને UAE વચ્ચે તણાવ વધી ગયો હતો. જેના કારણે મે મહિનામાં નવી દિલ્હીમાં યોજાયેલી વિદેશ મંત્રીઓની બેઠકમાં સંયુક્ત નિવેદન પર સહમતી બની શકી નહોતી. જોકે, યજમાન દેશ તરીકે ભારતે સઘન રાજદ્વારી પ્રયાસો હાથ ધરીને તમામ દેશોને એક મંચ પર લાવવામાં સફળતા મેળવી છે.
સંયુક્ત ઘોષણાપત્રમાં જણાવાયું છે કે, "અમે મધ્ય પૂર્વ અને પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરીએ છીએ." તમામ દેશોને મહત્તમ સંયમ રાખવા અને પરિસ્થિતિ વધુ ન બગાડવા અપીલ કરવામાં આવી છે.
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
