<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

ટ્રમ્પની કડક ચેતવણી બાદ બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ફરી તેજી: પ્રતિ બેરલનો ભાવ 110.70 ડોલર પર પહોંચ્યો

હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાના ભયથી સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની આશંકા: યુએઈમાં ન્યુક્લિયર પ્લાન્ટ પર ડ્રોન હુમલાથી ઉર્જા ક્ષેત્રે મોટો ખતરો

નવી દિલ્હી :વૈશ્વિક ઉર્જા બજારમાં હાલ ભારે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇરાન વચ્ચે સતત વધી રહેલી દુશ્મનીના કારણે પરિસ્થિતિ વધુ વણસી રહી છે. તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટે આ વિવાદમાં આગમાં પેટ્રોલ નાખવાનું કામ કર્યું છે. તેમણે ઈરાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે, નિર્ણયો લેવાનો સમય હવે પૂરો થઈ રહ્યો છે. આ આકરા વલણના લીધે પર્સિયન ગલ્ફમાંથી તેલનો પુરવઠો સંપૂર્ણપણે અટકી જવાનો ભય પેદા થયો છે

આ વૈશ્વિક તણાવની સૌથી મોટી નેગેટિવ અસર તેલના ભાવ પર દેખાઈ રહી છે. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 1.32 ટકા વધીને 110.70 ડોલર પ્રતિ બેરલની સપાટી પર પહોંચી ગયા છે. આ કિંમત 5 મે પછીનું સૌથી ઊંચું સ્તર દર્શાવે છે. બીજી તરફ, યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ પણ 1.75 ટકાના ઉછાળા સાથે 107.26 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે. ફેબ્રુઆરી મહિનામાં અમેરિકા અને ઇઝરાયલે ઇરાન પર કરેલા હુમલા બાદ ક્રૂડ માર્કેટમાં 50 ટકાથી વધુનો તોતિંગ વધારો નોંધાયો છે.

અમેરિકી રાષ્ટ્રપતિ આ વિવાદનો કાયમી ઉકેલ ઈચ્છી રહ્યા છે. આ મુદ્દે તેમણે વાઈસ પ્રેસિડેન્ટ જે.ડી. વાન્સ અને સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથે એક ઈમરજન્સી બેઠક પણ કરી છે. નેશનલ સિક્યુરિટી ટીમ આગામી મંગળવારે આ વિષય પર ફરી મંથન કરવાની છે. મોર્ગન સ્ટેનલી જેવી નાણાકીય સંસ્થાઓના મતે, હાલ બજાર સમય સામેની રેસ જીતવાનો પ્રયાસ કરી રહ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટ નો દરિયાઈ માર્ગ જો જૂન સુધી બંધ રહેશે, તો સ્થિતિ સંપૂર્ણપણે બેકાબૂ બની જશે.

નવા નિયમોના કારણે વિશ્વના અન્ય દેશો માટે પણ મુશ્કેલીઓ વધી છે. ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાની છૂટછાટ ખતમ કરી દીધી છે. ભારતે આ સમયમર્યાદા લંબાવવા માટે સત્તાવાર વિનંતી કરી હતી, પરંતુ અમેરિકાએ આ માંગ ફગાવી દીધી છે. આ દરમિયાન યુએઈ (UAE) ના ન્યુક્લિયર પ્લાન્ટ પર થયેલા ડ્રોન એટેકના લીધે એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા થયા છે. આ તમામ પરિબળો તેલના ભાવને સતત ઉપર તરફ ધકેલી રહ્યા છે.

 

(1:07 PM IST)