News of Saturday, 18th July 2026
કેરળની હોટલમાં શ્વાસ અધ્ધર કરતી ઘટના: કોંગ્રેસ નેતા શશી થરૂર લિફ્ટમાં ફસાયા, હાઇડ્રોલિક મશીન વડે દરવાજો તોડી કરાયો બચાવ
લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા લગભગ ૧૫ મિનિટ સુધી મચી અફરાતફરી: રોટરી ક્લબના કાર્યક્રમમાં પહોંચેલા સાંસદનો આબાદ બચાવ

તિરુવનંતપુરમ: કોંગ્રેસના દિગ્ગજ નેતા અને તિરુવનંતપુરમના લોકસભા સાંસદ શશિ થરૂર સાથે કેરળની એક ખાનગી હોટલમાં ખૂબ જ ડરામણી અને અચાનક બનેલી ઘટના સામે આવી છે. શુક્રવારે સાંજના સુમારે તેઓ એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપવા માટે હોટલમાં પહોંચ્યા હતા, ત્યારે લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા તેઓ અંદર જ ફસાઈ ગયા હતા. આ બનાવને પગલે હોટલ પરિસરમાં ભારે ગભરાટ અને દોડધામ મચી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, શશિ થરૂર અહીં 'રોટરી ક્લબ ઓફ ત્રિવેન્દ્રમ ઈસ્ટ' દ્વારા આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા માટે ખાસ પધાર્યા હતા. તેઓ લિફ્ટ દ્વારા કાર્યક્રમના સ્થળ તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક લિફ્ટ અધવચ્ચે જ ખોટકાઈ ગઈ હતી. લિફ્ટ બંધ થઈ જવાથી તે અટકી પડી હતી અને સાંસદ સાથે અંદર રહેલા અન્ય લોકો પણ ફસાઈ ગયા હતા.
લિફ્ટમાં અચાનક સર્જાયેલી આ ટેકનિકલ ખામીને કારણે અંદર રહેલા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. લગભગ ૧૫ મિનિટ સુધી શશિ થરૂર અને અન્ય લોકો લિફ્ટમાં જ કેદ રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ હોટલના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. લિફ્ટનો દરવાજો સામાન્ય રીતે ન ખૂલતા, આખરે ટેકનિશિયનો દ્વારા હાઇડ્રોલિક સ્પ્રેડર મશીનનો ઉપયોગ કરીને લિફ્ટનો દરવાજો તોડવામાં આવ્યો હતો.
તમામ સુરક્ષા સાવચેતીઓ અને ભારે જહેમત બાદ શશિ થરૂર અને અન્ય ફસાયેલા લોકોને લિફ્ટમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સદભાગ્યે, આ સમગ્ર બનાવમાં કોઈને પણ ઈજા પહોંચી નથી અને તમામ લોકો હેમખેમ બહાર નીકળતા હોટલ સ્ટાફ અને તેમના સમર્થકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના બાદ હોટલની સુરક્ષા અને લિફ્ટની જાળવણી અંગે પણ સવાલો ઉભા થયા છે.
(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
