તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
પરંપરાના બંધનો તોડી પુત્રીઓએ અદા કરી પુત્રની ફરજ: પિતાના મૃતદેહને પાંચ દીકરીઓએ ખભો આપ્યો, આંખ ભીની કરી દે તેવા દ્રશ્યો!
વૈશાલીના નયા ટોલા ગામમાં સર્જાયો ઇતિહાસ: 'દીકરીઓ નબળી નથી' તેવું પાંચ બહેનોએ સાબિત કર્યું, રૂઢિચુસ્ત સમાજને આપ્યો પરિવર્તનનો મજબૂત સંદેશ

વૈશાલી, તા. ૧૨: સમાજમાં વર્ષોથી એક માન્યતા ઘર કરી ગઈ છે કે પિતાની અંતિમયાત્રાને માત્ર પુત્રો જ ખભો આપી શકે છે. પરંતુ બિહારના વૈશાલી જિલ્લાના નયા ટોલા ગામે આ જૂની વિચારસરણીના મૂળિયાં હચમચાવી દીધા છે. એક ખેડૂત પિતાના અવસાન બાદ તેમની પાંચ દીકરીઓ કોઈ પણ ખચકાટ વિના આગળ આવી અને પિતાના મૃતદેહને કાંધ આપીને અંતિમ વિદાય આપી હતી. આ ભાવનાત્મક ક્ષણે માત્ર ગામલોકો જ નહીં, પણ સમગ્ર સોશિયલ મીડિયા પર લોકોના હૃદય જીતી લીધા છે.
પુત્ર ન હોવાની ખોટ દીકરીઓએ પૂરી કરી
નયા ટોલાના રહેવાસી અને વ્યવસાયે ખેડૂત તારિણી પ્રસાદ સિંહનું નિધન થયું ત્યારે પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો હતો. પરિવારમાં પત્ની લલિતા દેવી અને પાંચ દીકરીઓ છે, પરંતુ કોઈ પુત્ર નથી. સામાન્ય રીતે આવા સમયે અંતિમ સંસ્કાર કોણ કરશે તેની મુંઝવણ થતી હોય છે, પરંતુ પૂનમ, નીલમ, માધુરી, માલા અને ચાંદની નામની પાંચેય બહેનોએ મક્કમતા બતાવી. તેમણે પોતે જ પિતાની અર્થીને કાંધ આપીને સ્મશાન સુધી પહોંચાડી હતી.
"દીકરીઓ નબળી નથી": માધુરી સિંહનો હૂંકાર
પિતાના મૃતદેહને ખભો આપનાર માધુરી સિંહે ખૂબ જ તાર્કિક અને પ્રેરણાદાયી વાત કહી હતી. તેણે જણાવ્યું કે, "લોકો હજુ પણ પુત્ર અને પુત્રી વચ્ચે ભેદભાવ રાખે છે. અમારા પિતાએ અમને ભણાવી-ગણાવીને સક્ષમ બનાવ્યા છે, તો આજે તેમની અંતિમ સફરમાં અમે કેમ પાછળ રહીએ? જો એક સ્ત્રી ભગવાન રામને જન્મ આપી શકે છે, તો દીકરીઓ પિતાના અંતિમ સંસ્કાર કેમ ન કરી શકે?"
સામાજિક પરિવર્તનનું જીવંત ઉદાહરણ
ગામલોકો આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા અને દીકરીઓના આ સાહસિક પગલાને વધાવ્યું હતું. પાંચેય બહેનોએ બતાવી આપ્યું કે જવાબદારી નિભાવવાનો જુસ્સો હોય તો દીકરીઓ કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી. જોકે, શાસ્ત્રોક્ત વિધિ મુજબ મુખાગ્નિ પૌત્ર સૌરભ કુમાર દ્વારા આપવામાં આવી હતી, પરંતુ સમગ્ર અંતિમયાત્રામાં દીકરીઓ જ પિતાનો મજબૂત સહારો બનીને રહી હતી.
વૈશાલીની આ ઘટના માત્ર સમાચાર નથી, પરંતુ એવા લોકો માટે આંખ ઉઘાડનારો કિસ્સો છે જેઓ આજે પણ દીકરીને બોજ સમજે છે. દીકરીઓએ સાબિત કર્યું છે કે તેઓ માત્ર ઘરની લક્ષ્મી જ નહીં, પણ મુશ્કેલ સમયમાં ઘરની શક્તિ પણ છે.
(5:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
