<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

કોયતા ગેંગ અને ડ્રગ્સ માફિયાઓની કમર તોડી નાખો: પુણેમાં કાયદો-વ્યવસ્થા મુદ્દે સુનેત્રા પવારના કડક આદેશ

શિવાજીનગર કોર્ટ પરિસરમાં હુમલાની ઘટના બાદ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક; પ્રતિબંધક પગલાં, ગુપ્તચર તંત્ર મજબૂત કરવા અને જાહેર સ્થળોએ પેટ્રોલિંગ વધારવા પોલીસ અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ

પુણે, તા. ૨૭: પુણે શહેર, પિંપરી-ચિંચવડ અને સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત રાખવા માટે નાયબ મુખ્યપ્રધાન અને પાલકમંત્રી સુનેત્રા અજિત પવારે શુક્રવારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. શિવાજીનગર કોર્ટ પરિસરમાં બનેલી જીવલેણ હુમલાની ઘટના બાદ તેમણે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે કોઈપણ ગુનાહિત તત્વને સાંખી લેવામાં આવશે નહીં અને ગેરકાયદેસર હથિયારો, કોયતા ગેંગ તથા ડ્રગ્સ માફિયાઓની કમર તોડીને કાયદાનો ડર ઊભો કરવો જરૂરી છે.

 

પુણે સ્થિત સરકારી વિશ્રામગૃહ ખાતે યોજાયેલી આ બેઠકમાં નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે પુણે મહારાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની અને વિદ્યાનું ધામ હોવાથી તેની શાંતિ તથા સુરક્ષા અકબંધ રાખવી એ પોલીસ દળની પ્રાથમિક જવાબદારી છે. તેમણે માત્ર ઘટના બન્યા પછી કાર્યવાહી કરવાને બદલે સાવચેતીના પ્રતિબંધક પગલાં (પ્રિવેન્ટિવ એક્શન) પર ભાર મૂકવાની સૂચના આપી હતી.

 

વહીવટી તંત્રને વધુ સક્રિય બનાવવા માટે તેમણે ગુનાહિત ગતિવિધિઓની ગુપ્ત માહિતી એકત્ર કરતી સિસ્ટમને વધુ સક્ષમ બનાવવા, શહેરના જાહેર સ્થળોએ પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા વધારવા તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર રાખી નિયમિત તપાસ કરવાના નિર્દેશ આપ્યા હતા, સાથોસાથ ટ્રાફિક વ્યવસ્થા વધુ શિસ્તબદ્ધ બનાવવા પણ જણાવ્યું હતું.

 

શિવાજીનગર કોર્ટ પરિસરની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતાં સુનેત્રા પવારે ઉમેર્યું હતું કે એક ઘટના પરથી સમગ્ર પોલીસ દળની કાર્યક્ષમતા પર પ્રશ્નચિહ્ન ઊભું કરવું યોગ્ય નથી, અને પોલીસ વિભાગ ચોક્કસપણે પોતાની કામગીરીમાં સુધારો કરીને આગામી સમયમાં નાગરિકોને કાયદાનો ધાક અને દબદબો બતાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

 

આ સમીક્ષા બેઠકમાં પુણે શહેરના પોલીસ કમિશનર અમિતેશ કુમાર, પિંપરી-ચિંચવડના પોલીસ કમિશનર વિનયકુમાર ચૌબે અને પુણે ગ્રામીણના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સંદીપકુમાર ગિલ સહિતના સિનિયર પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા, જેમણે વર્તમાન સુરક્ષા વ્યવસ્થાની વિગતો રજૂ કરી હતી.

 

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કોર્ટ બહાર હત્યાના આરોપી પર થયેલા ઘાતક હુમલા બાદ સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા જાગી હતી, ત્યારે હવે નાયબ મુખ્યપ્રધાનના આદેશ બાદ આગામી દિવસોમાં સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ તપાસ અભિયાન, પેટ્રોલિંગમાં વધારો અને નાગરિકોના સહકારથી કાયદો-વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં પોલીસ પ્રશાસન દ્વારા કડક પગલાં લેવામાં આવશે.

(5:22 PM IST)