તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
બ્રહ્મોસ ડીલથી લઈને ઈરાનના તેલ સુધી: ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાની જુઠ્ઠાણાં અને વૈશ્વિક સવાલોના આપ્યા જડબાતોડ જવાબ
પીઓકેની નિષ્ફળતા છુપાવવા ભારત પર આક્ષેપ કરતા પાકિસ્તાનને લપડાક : સસ્તા ક્રૂડ માટે ઈરાન સાથે વેપારના સંકેત અને કતાર ગેસ વિસ્ફોટના પીડિતોને વતન લાવવા રાજદ્વારી સ્તરે યુદ્ધના ધોરણે કવાયત

નવી દિલ્હી: વૈશ્વિક રાજકારણ અને વ્યૂહાત્મક ભાગીદારીના મોરચે ભારતે ફરી એકવાર પોતાની મજબૂત વિદેશ નીતિનો પરચો આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફના ભારત વિરોધી નિવેદનોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા હતા. પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન હસ્તકના કાશ્મીર માં ચાલી રહેલા જનઆક્રોશ અને આર્થિક કટોકટીથી વિશ્વનું ધ્યાન ભટકાવવા માટે ઇસ્લામાબાદ ભારત પર વાહિયાત આરોપો લગાવી રહ્યું છે. આ સાથે જ યુએઈ ને ભારતની ઘાતક બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂડ મિસાઈલ અને આકાશ એર ડિફેન્સ સિસ્ટમ વેચવાના અહેવાલો પર તેમણે ઉમેર્યું કે ભારત અને યુએઈ વચ્ચે ગાઢ સંરક્ષણ સંબંધો છે અને ચોક્કસ મિલિટરી પ્લેટફોર્મની વિગતો સંરક્ષણ મંત્રાલય યોગ્ય સમયે જાહેર કરશે.
બીજી તરફ, અમેરિકા દ્વારા પ્રતિબંધો હટાવ્યા બાદ ઈરાન પાસેથી ભારત ફરીથી ઓઈલ ખરીદશે કે નહીં તેવા મહત્વના સવાલ પર વિદેશ મંત્રાલયે દેશના આર્થિક હિતોને સર્વોપરી ગણાવ્યા છે. પ્રવક્તાએ બેબાક શૈલીમાં જણાવ્યું કે ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો અને નાગરિકોના હિતના આધારે જ નિર્ણય લેશે અને દુનિયામાં જ્યાંથી પણ સૌથી સસ્તું ક્રૂડ ઓઈલ મળશે ત્યાંથી ભારત તેની આયાત કરશે. આ દરમિયાન હોર્મુઝ અને પર્શિયન ગલ્ફમાં ભારતીય વ્યાપારી જહાજોની સુરક્ષિત અવરજવર અંગે માહિતી આપતા તેમણે કહ્યું કે ૧૭ જૂનથી અત્યાર સુધીમાં ૧૧ ભારતીય જહાજો તેલ, એલપીજી અને ખાતર લઈને ભારત તરફ આગળ વધી રહ્યા છે અને નૌસેના પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે.
આ પત્રકાર પરિષદમાં કતારના રાસ લાફાન ઇન્ડસ્ટ્રીયલ સિટીમાં ગેસ સુવિધામાં થયેલા ભયાનક વિસ્ફોટમાં ૧૨ ભારતીય નાગરિકોના કરુણ મોત અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. ભારતીય દૂતાવાસ કતારના સ્થાનીય સત્તાવાળાઓ સાથે મળીને મૃતદેહોની ઓળખ વિધિ પૂર્ણ કરવા અને તેમને વહેલી તકે ભારત પરત લાવવા માટે સતત સંપર્કમાં છે. આ ઉપરાંત નવી દિલ્હીમાં યોજાયેલી ૧૬મી બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક અંગે જણાવતા તેમણે ઉમેર્યું કે ભારતના NSA એ ચીન, બ્રાઝિલ અને ઈરાન સહિતના સમકક્ષો સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કર્યો છે, જેમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદ અને નવી ટેકનોલોજીના કારણે ઉભા થતા બિન-પરંપરાગત સુરક્ષા પડકારો સામે સંયુક્ત લડત આપવા પર સહમતિ સધાઈ છે.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
